ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર
આજે મણિપુરમાં વિસ્ફોટના ઓથાર હેઠળ મતદાન ઃ ૬૦ બેઠકો માટે ૨૭૯ ઉમેદવારો મેદાનમાં ઃ ભારે સુરક્ષા
(પીટીઆઈ) ઈમ્ફાલ, તા. ૨૭
બોમ્બ વિસ્ફોટોના ઓથાર નીચે મણિપુરમાં આવતીકાલે યોજાનારી ચૂંટણી સાથે, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના 'શ્રીગણેશ' મંડાશે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યની ૬૦ સભ્યોની ૧૦મી વિધાનસભાની ચૂંટણીમાં ૨૭૯ ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણી પ્રક્રિયાને છિન્ન-ભિન્ન કરી નાખવા, બળવાખોરો પણ ખતરનાક કાવતરાં કરી રહ્યાં છે. તેથી, મતદાન મથકો અને તે તરફ જતા માર્ગોની સલામતી માત્ર કેન્દ્રીય અર્ધ-લશ્કરી દળોને સોંપવાનું ચૂંટણી પંચે યોગ્ય માન્યું છે. રાજ્યની પોલીસને આ કાર્યવાહીમાંથી દૂર જ રહેવા આદેશ અપાઈ ચૂક્યો છે. સિવાય કે, અત્યંત જરૃર હોય ત્યારે તેમને બોલાવવામાં આવે.
પંજાબ અને ઉત્તરાખંડમાં ૩૦મી જાન્યુઆરીએ, અને ગોવામાં માર્ચની ૩જી તારીખે ચૂંટણી યોજાવાની છે. આ તમામ ચૂંટણીઓ માટે મતગણતરી તા. ૬ઠ્ઠી માર્ચે થશે. મણિપુરની ચૂંટણી અંગે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંનેએ પહેલેથી જ 'પૂરતી તૈયારીઓ' કરી લીધી છે. ઈમ્ફાલ ઈસ્ટ અને ઈમ્ફાલ વેસ્ટમાં આજે રાતથી જ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ગોઠવાઈ જશે. રાજ્યમાં કુલ ૨,૩૫૭ મતદાન મથકો છે. જ્યાં ૧૨,૯૬૭ કર્મચારીઓ/અધિકારીઓ પોત-પોતાની જવાબદારી સંભાળી લેશે. મતદાન આવતીકાલે સવારે ૭ વાગ્યાથી શરૃ થશે અને સાંજે ૪ વાગે પુરું થશે. જેમાં મતદાન કરવા માટે, ૮,૮૨,૨૩૬ મહિલાઓ સહિત કુલ ૧૭,૪૦,૫૭૬ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 'સક્ષમ' છે.
રાજ્ય પાટનગરમાં (અહીં ઈમ્ફાલમાં) પ્રાપ્ત થયેલા જાસૂસી અહેવાલો પ્રમાણે, ત્રાસવાદીઓ કેટલાક ઉમેદવારોને પણ નિશાન બનાવે તેવી ભીતિ રહેલી છે. જેને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં થઈ રહેલા બોમ્બ વિસ્ફોટોથી પુષ્ટિ મળી છે. આજે સવારે જ, ઈમ્ફાલ વેસ્ટમાં થાંગમીબંદમાં મણિપુર સરકારના એક પૂર્વ અધિકારીનાં નિવાસસ્થાન ઉપર ઉગ્રપંથીઓએ બોમ્બ ફેંક્યો હતો.
આ ઉપરાંત, ગઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહેલા એક અગ્રણીનાં તબીબ પત્ની બિલાસીની દેવીનાં નિવાસસ્થાન ઉપર પણ બોમ્બ ફેંકાયો હતો.
ગઈકાલના પ્રજાસત્તાક દિને પણ રાજ્ય પાટનગરમાં એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો પરંતુ તેથી કોઈ જાનહાની થઈ નથી. આ પૂર્વે તા. ૨૫મી જાન્યુઆરીની રાત્રીએ પણ ઈમ્ફાલ વેસ્ટમાં બે પ્રબળ બોમ્બ વિસ્ફોટો થયા હતા.
મણિપુર ચૂંટણી આંકડાકીય દ્રષ્ટિએ
* દસમી વિધાનસભાની ચૂંટણી
* ૬૦ બેઠકો
* ૨૭૯ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
* ૧૭,૪૦,૫૭૬ મતદારો
* ૮,૮૨,૨૩૬ મહિલા મતદારો
* ૧૨,૯૬૭ ચૂંટણી કર્મચારીઓ
* ૨,૩૫૭ મતદાન મથકો
કયાં રાજ્યમાં ક્યારે મતદાન
(૧) મણિપુર ૨૮ જાન્યુઆરી
(૨) પંજાબ ૩૦ જાન્યુઆરી
(૩) ઉત્તરાખંડ ૩૦ જાન્યુઆરી
(૪) ઉત્તર પ્રદેશ ૪થી ૨૮ ફેબુ્રઆરી
(૫) ગોવા ૩ માર્ચ