| સુડાએ નવી ત્રણ ટી.પી સ્કીમની પણ જાહેરાત કરી ઃ ટી.પી. સ્કીમ નંબર ૪૭, ૪૮, ૪૯ સરકારને મોકલી અપાશે
(પ્રતિનિધ દ્વારા) સુરત, શુક્રવાર
સુરત શહેરી વિકાસ સત્તા મંડળમા આજની બજેટ બેઠકમાં રૃા. ૬૭.૬૬ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૨-૧૩ માટેના ડ્રાફ્ટ બજેટમાં ૫૦ ટકા જેટલો હિસ્સો આઉટર રીગરોડ તથા શહેરમાં પ્રવેશતા બે મુખ્ય રોડના વિકાસ માટે જાહેર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત આજે સુડા દ્વારા નવી ત્રણ ટી.પી. સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા આજની બેઠકમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટેનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામા આવ્યું હતું. સુડા બેઠકમાં કુલ રૃા. ૬૭.૬૬ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતાં સુડાના ઈનચાર્જ અધ્યક્ષ એમ.કે. દાસે જણાવ્યું હતું કે, સુડાના બજેટમાંથી ૩૦ કરોડ રૃપિયા શહેરના મુખ્ય માર્ગના ડેવલપ કરવા માટે ફાળવવામા આવ્યા છે.
નેશનલ હાઈવે નંબર-૮થી સુરતમાં કામરેજ તથા કડોદરાથી પ્રવેશતાં રસ્તા માટે ૨૦ લાખ રૃપિયાની જોગવાઈ કરવામા આવી છે. ચાર લેનના આ રોડને રાજ્ય સરકાર દ્વારા ૬ લેન બનાવવામા આવશે. તે રોડની બન્ને બાજુ સુડા દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યામા મહદઅંશે ઘટાડો આવશે. આ ઉપરાંત સુરતની ટ્રાફિકની સમસ્યાના ઘટાડા માટે આઉટર રીંગરોડ બનાવવા માટે પણ આયોજન કરવામા આવ્યું છે.
સુડાના આઉટર રીંગરોડ માટેની કાર્યવાહી હાલમા ચાલી રહી છે. આ રીંગરોડ બનાવવા માટે સુડા દ્વરા રૃા.૧૦ કરોડની જોગવાઈ બજેટમા કરવામા આવી છે. આ ઉપરાંત બાકીના ૫૦ ટકા બજેટમાં સુડાના અન્ય પ્રોજેકટનો સમાવેશ કરવામા આવ્યો છે.
સુડાની બજેટ બેઠક ઉપરાંત આજે સુડા દ્વારા ત્રણ ટી.પી. સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામા આવ્યો છે. ટી.પી. સ્કીમ નંબર ૪૭ ખોલવડ, ટી.પી. સ્કીમ નંબર- ૪૮ ખોલવડ તથા ટી.પી. સ્કીમ નંબર ૪૯ ખોલવડ- નવાગામનો સમાવેશ થાય છે. આ બાબત સરકારમાં પણ મોકલી દેવામાં આવશે. |