ડાંગ એલસીબીએ કુમારબંધ ગામના રતન પવારને ઝડપી ચોરીના દાગીના ખરીદનાર ઉનાઇના સોનીને દબોચી લીધો
વઘઇ, શુક્રવાર
વઘઇ-સાપુતારા માર્ગ પર નાસિકના રહીશની સ્કોર્પીયોના કેરીયર પરથી ત્રણ બેગ સાથે રૃ।. ૫.૬૫ લાખના દાગીના ચોરનાર કુમારબંદ ગામના રહીશની એલસીબીએ ધરપકડ કરી ચોરીના દાગીના ખરીદનાર ઉનાઇના સોનીને પણ જેલભેગો કર્યો છે.
વઘઇ-સાપુતારા માર્ગ ઉપર સુસરદા ગામે પુલ પાસે ગત તા. ૧લી જાન્યુ. -૨૦૧૨ના રોજ મોડીરાત્રે નાસિક તરફથી સુરત જતી સ્કોર્પીયો કાર (નં. એમએચ-૧૫-સીએચ- ૯૯૦૦)માંથી કેરીયર પર મુકેલી ૩ બેગ ચોરાઇ હતી. જે અંગે કાર માલિક કનૈયાલાલ ઠક્કરે (રહે. લક્ષ્મીકૃપા સોસાયટી, નાસિક) વઘઇ પોલીસમાં જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીના કેસમાં રતન જયસીંગ પવાર (રહે. કુમારબંધ, ડાંગ)ની ડાંગ એલસીબી પોલીસે વઘઇ-સાપુતારા માર્ગ પર આવેલા આહેરડી ગામેથી શંકાના આધારે ધરપકડ કરી હતી. તેની કડક પૂછપરછ હાથ ધરતા તેણે આ બેગ ચોરી હોવાની કબુલાત કરી હતી અને બેગમાંથી ચોરાયેલા ૫.૬૫ લાખના દાગીના ૧ મંગલસૂત્ર, ૧ હાર, કાનના ઝુમ્મર, હાથના પેડલ વગેરેને વાંસદાના ઉનાઇ ગામે ૯૦ હજારમાં દિનેશ સોનીને વેચ્યું હોવાનું જણાવતા પોલીસે દિનેશ સોનીની દુકાનમાં તપાસ કરી રૃ।. ૩ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો અને દિનેશ સોનીની પણ ધરપકડ કરી પોલીસે બંનેને આહવા કોર્ટમાં રજૂ કર્યા હતા. જયારે આ ગુનામાં સામેલ અન્ય બે શખ્સોની ડાંગ એલસીબીએ શોધખોળ આરંભી છે.