| 'શીલા કી જવાની' જેવા હલકાં ગીતો માટે સરકાર હવે કાંઈક મર્યાદા બાંધે
રાજકોટ,શનિવાર
ઈ.સ.૧૯૯૦માં આશિકી ફિલ્મમાં આજે પણ લોકપ્રિય ગીતોથી જાણીતા અને સતત પાંચ વર્ષ સુધી ફિલ્મફેર સહિતના એવોર્ડ મેળવેલા હિન્દીફિલ્મજગતના મૂળ કલકત્તાના જાણીતા ગાયક કુમાર શાનુ અર્થાત્ કેદારનાથ પશુપતિ ભટ્ટાચાર્યએ આજે રાજકોટમાં મહાપાલિકા દ્વારા આયોજિત જાહેર સંગીત સંધ્યામાં લોકોને રસતરબોળ કર્યા પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં તડ ને ફડ જણાવ્યું કે શીલા કી જવાની, મુન્ની બદનામ હુઈ જેવા અનેક હલકાં ગીતો કેટલી હદ સુધી વલ્ગર રાખી શકાય તેની હવે સરકારે કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ. આવા ગીતો પર અમુક પ્રતિબંધ હોવા જોઈએ.
'બેવકૂફ હૈ જો પશ્ચિમ કી ઓર દોડતે હૈ' હલકાં ગીતો લોકોના માથે મરાય છેઃ રિયાલિટી શો બીઝનેસ છે, તેનાથી કોઈ ગાયક ન બની શકે
આજે બનતા અનેક ગીતોના શબ્દો એવી કક્ષાના હોય છે કે મા-બાપ તેમના દિકરા-દિકરી સાથે તે જોઈ કે સાંભળી શકતા નથી. તે લોકપ્રિય હોતા નથી કે થતા નથી પણ રોજ જુદા જુદા માધ્યમોથી લોકોના માથા પર સતત ગીતો ઝીંકીને ધરાર જાણીતા કરાય છે. સસ્તી પ્રસિધ્ધિ માટે આવું થાય છે અને અને ગાયક કલાકારો માર્કેટમાં આવવા માટે આવા ગીતો ગાય છે તો સંગીતકારો તે કમ્પોઝ કરે છે પણ વાસ્તવમાં આ માટે બધો કંટ્રોલ નિર્માતા અને ફિલ્મી હીરો-હીરોઈનનો હોય છે. આ કારણે જ આજે લક્ષ્મીકાંત પ્યારેલાલ કે આર.ડી.બર્મનની જેમ સંગીતની કોઈ પહેચાન નથી. વો બેવકૂફ હૈ જો પશ્ચિમી સંગીત કે પીછે ભાગતે હૈ કહીને તેમણે ઉમેર્યું કે પોતે એક અતિ ગરીબ કુટુંબમાંથી આવે છે અને આવા ગીતો ગાયા નથી.
અબ તેરે બીન જી લેંગે હમ...,મેરા દિલ ભી કિતના પાગલ હૈ.., સોચેંગે તુમ્હે પ્યાર કરે...યેહ કાલી કાલી આંખે,, એક લડકી કો દેખા તો..જેવા અનેક યાદગાર ગીતો ગાનાર કુમાર શાનુએ કહ્યું કે તેમણે એકવાર અભિનય માટે પણ પ્રયાસ કરી જોયો પણ તેમાં સફળ થયા નથી. છેલ્લે ૨૦૦૫માં કહાન હો તુમ...સહિતના ગીતો બાદ પાંચેક વર્ષથી તેઓ ગાયકીની દુનિયામાં ભાગ્યે જ દેખાય છે. તેમણે કહ્યું કે દ્વિઅર્થી શબ્દોવાળા અનેક ગીતો નકાર્યા છે પણ બીજા ગાયકો કે સંગીતકારો તેમ કરે તો નિર્માતા તુરંત બીજાને તક આપી દે છે. આ કારણે આજે કોઈ ગાયક કે સંગીતકારની આગવી ઓળખાણ થતી નથી અને કોઈ લાંબો સમય ટકતું નથી.
રિયાલિટી શોની આકરી આલોચના કરતા તેમણે કહ્યું કે આવા શોથી ક્યારેય કોઈ ગાયક બની શકતું નથી. આ એક બીઝનેસ છે. એસ.એમ.એસ.થી કોઈને ગાયક બનાવી શકાય નહીં. નવા કલાકાર જીતના દિન ટી.વી.પર દિખતા હૈ, ઉતના દિન ચલતા હૈ.
સ્લમ ડોગ મિલિયોનરને ઓસ્કાર એવોર્ડ અંગે આક્રોશ વ્યક્ત કરતા આ ગાયક કલાકારે પુછ્યું આપણા દેશના ગરીબ બાળકોને ડોગ કહેવાની આ હિંમત આપી કોણે? એ. આર.રહેમાને આનાથી ઘણુ વધુ સારુ સંગીત તો બીજા ગીતોમાં આપ્યું છે. પણ આજ તો દેશકો જિતના નીચા દીખાઓ ઉતના વિદેશમાં ઈનામ મિલતા હૈ.
જગજીતસિંઘને નેક્સ્ટ ટુ ફાધર કહેતા આ કલાકારે જ્યારે પ્રિય ગાયકોમાં લત્તા મંગેશકર, મુકેશ, મહમ્મદ રફી વગેરેને કહ્યા ત્યારે પોતે કિશોરકુમારના વોઈસમાં ગીતો ગાતા તે અંગે કહ્યું કે કોઈ સારા ગાયકને ફોલો કરવું તેમાં ખોટું નથી અને ખુદ રફી,મુકેશ,લત્તા,કિશોરકુમાર પણ અન્યને ફોલો કરતા. |