ભાવનગર, મંગળવાર
ભાવનગર જિલ્લામાં ૬૩મુ પ્રજાસત્તાક પર્વ, રાજ્ય મહોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોય સ્થાનિક વહિવટી તંત્ર ધંધે લાગ્યું છે અને ખાસ કરીને મુખ્યમંત્રી જ્યાંથી પસાર થવાના છે તે રસ્તાઓનું જ નવિનીકરણ કરાયું છે. બાકી શહેરના અંતરીયાળ કેટલાક રસ્તાઓ પર થાગડ થીગડ, તો ક્યાંક સફાઇ તો કેટલાક રસ્તાઓની દશા આજેપણ ખખડપંચમ જેવી યથાવત રહી છે.
શહેરના અંતરીયાળ કેટલાક રસ્તાઓ પર થીગડા તો ક્યાંક માત્ર સફાઇ ઃ અન્ય વિસ્તારોના ખખડપંચમ રસ્તાઓ યથાવત
ભાવનગરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય સ્તરની ઉજવણી થઇ રહી છે ત્યારે મોદીજીએ સદ્ભાવના સમયે તમામ પેન્ડીંગ કામો પૂર્ણ કરવા તંત્રને તાકીદ કરી હતી પણ આજ સુધીમાં કેટલા કામો પૂરા થયા તેનું સાચુ સરવૈયુ જોવુ રહ્યું. મોદીજી આવવાના છે રોડ રસ્તા પહોળા કરવા અને રીપેરીંગના કામો રાતોરાત થવા લાગ્યા પરંતુ આ કામો પણ જ્યાં તેઓ વિહરવાના છે તેવા રોડ બાકી અંતરીયાળ વિસ્તારોમાં ડામર-કપચીના થીગડા તો ક્યાંક કાઇપણ કરાયું જ નથી. શહેરના હલુરીયા ચોકથી ક્રેસન્ટ સર્કલ સુધીના રોડને છેલ્લા દસ વર્ષથી રાહદારીઓ સહન કરી રહ્યાં છે. તમામ અગવડતાઓથી વહીવટી તંત્ર પરિચિત હોવા છતાં કેમ કાંઇ પગલા લેવાતા નથી ? શહેરના કુંભારવાડા, કરચલીયાપરા, આનંદનગર, શહેર ફરતી સડક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ચાલવુ પણ દુષ્કર છે. માત્ર મુખ્યમંત્રીને દેખાડવા ખાતર કરાયેલ કામ કેટલું વાજબી લેખી શકાય પ્રજા માટે મંત્રી છે મંત્રી માટે પ્રજા નથી જે વાસ્તવિક્તા સ્વિકારી અધિકારીઓને કામ કરવાની સમજ કોણ આપશે ? તેમ છતાં મોદીજી આવતા ઘણા રસ્તાના કામો જે થાય છે તે વહીવટી તંત્રનું જમા પાસુ રહે છે.