અમદાવાદ, શુક્રવાર
પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના ભાગરૃપે તૈયાર કરવામાં આવેલી એક અખબારના પાના જેટલી પત્રિકામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસાએ વિવાદ સર્જ્યો છે. કોંગ્રેસ પ્રજાને એ કહેવા માગતી હતી કે ગુજરાતની પ્રગતિનો શ્રેય ગુજરાતની પ્રજાશક્તિને છે, કોઈ વ્યક્તિને નહીં. આ જાહેરખબરમાં ૧૯૬૦થી તમામ મુખ્યમંત્રીઓની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે અને તેમાં છેલ્લે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના નેતાઓ જેની ટીકા કરે છે તે ઉત્સવો અને MOUને મોદીની સિદ્ધિ ગણાવી
કોંગ્રેસની આ જાહેરખબરમાં ભાજપને ભાવતું પીરસાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ સતત મુખ્યમંત્રીના જે કાર્યોનો વિરોધ કરે છે એવા કાર્યોને નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ ગણાવી છે.
નરેન્દ્ર મોદીના રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ, પતંગ મહોત્સવ, રણોત્સવ, કાંકરિયા કાર્નિવલ વગેરે ઉત્સવો ઉજવે છે તેનો કોંગ્રેસ વિરોધ કરી 'નૌટંકી' ગણાવે છે આ જ ઉત્સવોને કોંગ્રેસે મુખ્યમંત્રીની સિદ્ધિ ગણાવી છે.
દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના આયોજનને કોંગ્રેસે પત્રિકામાં મુખ્યમંત્રીની સિદ્ધિ ગણાવી છે જ્યારે નેતાઓ MOU અંગે શંકા વ્યક્ત કરીને ટીકા કરતા હોય છે.
નર્મદા બંધની ઉંચાઈ વધારવામાં કેન્દ્ર સરકાર કે વડાપ્રધાનને યશ આપતા કોંગ્રેસના નેતાઓએ જાહેરખબરની પત્રિકામાં બંધની ઉંચાઈ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર લઈ જવા માટે મોદીને યશ આપ્યો છે. ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાતમાં પરિવર્તિત કરવા માટે પણ મોદીની એક સિદ્ધિ ગણાવી છે.
એટલું જ નહીં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે લખ્યું છે કે, તેઓ સફળ સંગઠનકાર અને ચૂંટણી વ્યૂહરચનાકારની બાહોશી ધરાવે છે. આવા વિશેષણો શંકરસિંહ કે કોંગ્રેસના કોઈ મુખ્યમંત્રીઓ માટે વાપર્યા નથી.
કોંગ્રેસે ગુજરાતના વિકાસનો શ્રેય ગુજરાતની પ્રજાને આપે છે, પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના તમામ જાહેર કાર્યક્રમોમાં ગુજરાતનો વિકાસ ગુજરાતની છ કરોડની જનતાને આપે જ છે.
આ પત્રિકાનો ભાજપ દ્વારા ભરપુર ફાયદો ઉઠાવવાના પ્રયત્નો પ્રથમ દિવસથી શરુ થઈ ગયા છે. જ્યારે કોંગ્રેસમાં આ પત્રિકાથી સન્નાટો વ્યાપી ગયો છે.
છાપાના કદની આ બે બાજુ ફોરકલરમાં છાપેલી પત્રિકા છાપામાં જ નાખીને પ્રજામાં વહેંચવામાં આવી છે. તેમાં પ્રકાશક ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસની એકાદ ભૂલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોટી સહાય કરે છે. હજુ ચૂંટણીને વાર છે ત્યારે કોંગ્રેસને 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'નો અનુભવ થયો છે.
મોદીના ઉત્સવોની કામગીરી એક કટાક્ષ છે
કોંગ્રેસની પત્રિકામાં તુલના માટે દરેક મુખ્યમંત્રીની કામગીરી દર્શાવી છે
૧૯૬૦થી શરુ કરી તમામ મુખ્યમંત્રીઓની કામગીરીની વિગતો ટીકા વિના મૂકી છે ઃ કોંગ્રેસ
અમદાવાદ, શુક્રવાર
કોંગ્રેસની પ્રચાર પુસ્તિકામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા અંગે શરુ થયેલા વિવાદ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત પ્રારંભથી જ પ્રગતિશીલ' - એવા મથાળા હેઠળ ૧૯૬૦થી શરુ કરીને દરેક મુખ્યમંત્રીઓના સમયમાં થયેલા વિકાસ સહિતની વિગતો કોઈની પણ ટીકા કર્યા વગર બહાર પાડી છે.
તેમણે જણાવ્યું છે કે, આ પત્રિકામાં કોંગ્રેસના અને ભાજપના મુખ્યમંત્રીઓના સમય દરમિયાન થયેલી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક મૂડીરોકાણ, ઘરગથ્થુ ઉત્પાદનમાં વૃદ્ધિ દર, સરદાર સરોવર યોજનામાં પ્રગતિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રસ્તાઓ વગેેેરેમાં નરેન્દ્ર મોદીની પહેલાની સરકારોએ કરેલી કામગીરી કોઈ ટીકા-ટીપ્પણી વગર તુલના કરી છે મોદીના સમયમાં નર્મદા યોજનામાં માત્ર ૧૦ મીટરનો વધારો, તથા વાઇબ્રન્ટ મુડીરોકાણ મહોત્સવ, મેળાઓ તથા ઉત્સવોની વિગતો કટાક્ષના રૃપમાં કહેવામાં આવ્યા છે જેથી આમાંથી મોદીના વખાણ કર્યા હોવાની છબી ઉપસાવવાનો ભાજપ પ્રયાસ કરે છે.
|