પ્રજાસત્તાક દિન જેવાં લોકશાહી પર્વોમાંથી સમય જતાં લોકનું તત્ત્વ નાબૂદ થતું જાય છે અને તે ‘સરકારી ઉત્સવ’ બની જાય છે. ભારત જેવી લોકશાહીમાં પ્રજાસત્તાક દિન ખરેખર એ યાદ કરવાનો દિવસ હોવો જોઇએ કે સદીઓની ગુલામીમાંથી દેશ આઝાદ થયો ત્યારે તેના સામાન્ય નાગરિકોના મનમાં સ્વ-રાજની કેવી આશાઓ-આકાંક્ષાઓ ઊભી થઇ હતી. દર પ્રજાસત્તાકે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેની ઘટનું વાર્ષિક સરવૈયું માંડવામાં આવે, તો ભવિષ્યની દિશા વધારે સ્પષ્ટ બને. ઊણપોમાંથી ઉપલબ્ધિ તરફનો રસ્તો આંકી શકાય અને એ રસ્તે આગળ વધી શકાય.
પરંતુ એવું બનતું નથી. ભારતમાં લોકશાહી કેવળ સરકાર અને રાજકીય પક્ષાપક્ષી પૂરતી સીમિત બનીને રહી ગઇ છે. સઘળું પ્રજાકારણ જાણે રાજકારણમાં સમાઇ જાય છે- અને રાજકારણ પક્ષકારણમાં. ‘પ્રજા’ કહેતાં નાગરિક એ યોજનામાં ક્યાંય સમાતો હોય એવું લાગતું નથી. કારણ કે રાજકીય પક્ષોને પ્રજા નાગરિક બને એમાં નહીં, પણ વોટબેન્ક બને તેમાં રસ છે. રાજકારણ આદર્શ તો ઠીક, કેટલાક મૂળભૂત સિદ્ધાંતોથી એટલું દૂર નીકળી ગયું છે કે વિવિધ રાજકીય પક્ષો વચ્ચે શબ્દાર્થમાં નામનો તફાવત રહ્યો છે. તેમનાં કાર્યો- જેના માટે ‘કરતૂતો’ શબ્દ વધારે યોગ્ય ગણાય- ભાગ્યે જ તેમને એકબીજાથી જુદાં પાડે એવાં છે.
પ્રજાસત્તાક દિનનાં બે અઠવાડિયાં પહેલાંથી જયપુરમાં ભજવાઇ રહેલો ખેલ વાસ્તવિકતાને બરાબર ઉપસાવી આપે છે. એક તરફ સલમાન રશદી જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ભારતીય મૂળના લેખક અને તેમની ‘સેતાનિક વર્સીસ’ જેવી કૃતિ છે. બીજી તરફ એ કૃતિથી દુભાનારા મુસ્લિમોનો વર્ગ છે. બધા મુસ્લિમો એ કૃતિથી દુભાય છે એવું માની લેવાનું કારણ નથી. છતાં ચિત્ર તો એવું જ ઉપસાવવામાં આવે છે. જે મુસ્લિમ નેતાઓ કે સંસ્થાઓ બોલકાં બનીને ‘સેતાનિક વર્સીસ’ અને રશદીનો વિરોધ કરે છે, તેમાંથી કેટલાંએ એ નવલકથા કે રશદીનાં બીજાં લખાણ વાંચ્યાં છે, એની ચોક્કસ માહિતી નથી, પણ એ વિશે ધારણા કરવી અઘરી નથી. મોટા ભાગના લોકોએ વિરોધ પોતપોતાનાં કારણસર હવામાંથી પકડી લીધો છે. તેમાંના કેટલાક ‘રશદી જયપુરના સાહિત્ય સમારંભમાં આવશે તો લોહીયાળ દેખાવો થશે’ એવી ધમકીઓ આપવામાં પોતાના ધર્મની સાર્થકતા જુએ છે અને એ રીતે પોતાના ધર્મને બટ્ટો લગાડે છે.
ત્રીજી તરફ ચેતન ભગત જેવા લેખકો છે, જે પોતે પ્રસિદ્ધિના, ચર્ચાના કે વિવાદના કેન્દ્રમાં રહેવાની એકેય તક ચૂકતા નથી અને નમ્રતાનો ડોળ કરીને, રશદીની મહાનતાને અંજલિ આપ્યા પછી કહે છે કે ‘લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો કોઇને અધિકાર નથી.’ ભગત જેવાઓને બરાબર ખબર હોય છે કે આમ કરવાથી એવો વિવાદ સર્જાશે, જેના કેન્દ્રમાં રશદીની સાથે પોતે પણ ચમકી જશે અને પોતાનાં પુસ્તકો થોડાં વધારે વેચાશે. ‘ધાર્મિક લાગણી’ જેવા અમૂર્ત વિષય અંગે આવું નિવેદન ફટકારી દેતી વખતે એમને યાદ રહેતું નથી કે એક પુસ્તકના આધારે કોઇ લેખકને ભારત આવતાં અટકાવવાનો પણ કોઇને અધિકાર નથી.
ચોથી તરફ રાજસ્થાનની પોલીસ અને સરકાર છે, જે પવન પ્રમાણે સઢ ફેરવ્યે રાખે છે. ઘડીમાં તે કહે છે કે રશદીના આગમનથી ઊભી થનારી કાયદો-વ્યવસ્થાની ગંભીર સ્થિતિ અંગે તેમને માહિતી આપવી જરૂરી છે. સાથોસાથ, મુખ્ય મંત્રી એમ પણ કહે છે કે રશદી આવે તો તેમની સલામતીની બધી વ્યવસ્થા પૂરી પાડવાની અમારી તૈયારી હતી. ત્યાર પહેલાં ગુપ્તચર અહેવાલો ટાંકીને રશદીની હત્યા માટે મુંબઇના ડોને સોપારી આપી હોવાની બાતમી રશદીને પહોંચતી કરી દેવાય છે.
- અને પાંચમી તરફ ભારત સરકાર છે, જેણે ‘સેતાનિક વર્સીસ’ પરનો પ્રતિબંધ હજુ ચાલુ રાખ્યો છે. ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ‘નવી નેતાગીરી’ના નામે, રાહુલ ગાંધી ફરી એક વાર જ્ઞાતિવાદ-પેટાજ્ઞાતિવાદને શરણે ગયા છે અને ત્યાંના મુસ્લિમ મત અંકે કરવા માટે કોંગ્રેસ નક્કર મુસ્લિમલક્ષી કામ કરવાને બદલે રશદી સામેની ગુંડાગીરી ચાલવા દઇને પોતાની મતબેંક પાછી મેળવવા પ્રયાસ કરે છે. રશદીની સદેહે હાજરી તો સમજ્યા, તેમની ઇન્ટરનેટ-ઉપસ્થિતિ પણ સાંખી લેવા માટે લોકો તૈયાર નથી અને આ બઘું પ્રજાસત્તાક દિવસના આગલા અઠવાડિયે થાય છે.
જયપુર સાહિત્ય સમારંભ નિમિત્તે થયેલા કરૂણ ફારસથી પ્રજાસત્તાકની પોકળતા વઘુ એક વાર છતી થઇ છે. લોકપાલ આંદોલન પછી રશદીના મુદ્દે ફરી એક વાર બધા રાજકીય પક્ષોના માટીના પગ ઉઘાડા પડી ગયા છે. તેમને સવાલ ઊભા કરતા અને જવાબ માગતા નાગરિકોની વઘુ ને વઘુ સામેલગીરી ધરાવતું પ્રજાસત્તાક નહીં, પણ નાગરિકો જ્યાં જ્ઞાતિ-પેટાજ્ઞાતિ-ધર્મના વાડામાં વહેંચાયેલી વોટબેન્ક બની રહે એવું મતસત્તાક ભારત ખપે છે. એમની ચાલબાજીથી ન છેતરાવું, એ પ્રજાસત્તાક રાજ્ય ઝંખતા સૌ નાગરિકોની ફરજ ગણો તો ફરજ ને જરૂરિયાત ગણો તો જરૂરિયાત છે. |
|