Last Update : 27-Jan-2012,Friday
 

ગુજરાતમાં ઈ.સ. ૨૦૦૨-૨૦૦૬ વચ્ચે ૨૧ નકલી એન્કાઉન્ટર થયા છે

 

ભૂતપૂર્વ ડીસીપી અભયસિંહ ચુડાસમા જ્યારે વલસાડ જિલ્લાના પોલિસ વડા હતા ત્યારે તેમણે સાત બનાવટી અથડામણો કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

આખરે સર્વોચ્ચ અદાલતે ઈ.સ. ૨૦૦૨ થી ૨૦૦૬ દરમિયાન ગુજરાતમાં થયેલા નકલી એન્કાઉન્ટરોની તપાસનો આદેશ આપીને નકલી અથડામણોમાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના સ્વજનોની લાગણીને વાચા આપી છે. ગુજરાતની પોલીસે માત્ર સોહરાબુદ્દીન શેખ અને કૌસરબીનું નહીં પણ આશરે ૨૧ નાગરિકોનું એન્કાઉન્ટર આ પાંચ વર્ષ દરમિયાન કર્યું છે. કોઈ રીઢા હત્યારાઓ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પાસેથી સુપારી લઈને જે રીતે તેમના શત્રુઓને ખતમ કરી નાંખતા હોય છે, તેવી રીતે ગુજરાતની પોલિસના ટોચના ઓફિસરો રાજકારણીઓ, માફિયાઓ તેમજ સ્થાપિત હિતોની સુપારી લઈને નાના-મોટા ગુનેગારોને ઠંડે કલેજે રહેંસી નાંખતા આવ્યા છે. આ બાબતમાં ગાંધીજીના ગુજરાતે હદ વટાવી દીધી છે. ગુજરાતમાં ઈ.સ. ૨૦૦૨-૨૦૦૬ના પાંચ વર્ષમાં કરવામાં આવેલાં ૨૧ નકલી એન્કાઉન્ટરોની હવે ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવશે ત્યારે આ દરેક નકલી અથડામણમાંથી એક મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટરના મામલે જે વિવાદ પેદા થયો છે, તેના કારણે આપણા પોલિસ દળનો અને વિશેષ તો રાજકારણીઓનો અસલી ચહેરો આપણી સામે આવી ગયો છે. ભારતના પોલિસ ખાતામાં એન્કાઉન્ટર કોઈ નવો શબ્દ નથી. કાયદાના નિષ્ણાતો તેને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ તરીકે ઓળખે છે. આજ સુધી આપણી અબુધ જનતા એમ માનતી હતી કે જે રીઢા ગુનેગારો કાયદાની છટકબારીઓનો અને ન્યાયપ્રક્રિયાની ધીમી ગતિનો લાભ લઈને છુટ્ટા ફરે છે, તેમના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા માટે રાજકારણીઓ નકલી એન્કાઉન્ટરના આદેશો દેતા આવ્યા છે અને પોલિસ અમલદારો તેનો અમલ કરતા આવ્યા છે. આ કારણે જ સમાજમાં નકલી એન્કાઉન્ટરો સામે કોઈ વિરોધનો જુવાળ જોવા મળતો નહોતો. સોહરાબુદ્દીન શેખ અને ઈશરત જહાંના નકલી એન્કાઉન્ટર સહિતના એન્કાઉન્ટરોની જે વિગતો પ્રકાશમાં આવી છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે દરેક એન્કાઉન્ટર પ્રજાની રક્ષા કરવા માટે નથી હોતા. મોટા ભાગની બનાવટી અથડામણો રાજકારણીઓ અને પોલિસ અધિકારીઓ દ્વારા સોપારી લઈને ઠંડે કલેજે કરવામાં આવતી હત્યાઓ હોય છે.
ગુજરાતના નકલી એન્કાઉન્ટરના કેસમાં ડી.જી. વણઝારા અને રાજકુમાર પાંડિયનના સાગરીત તરીકે અમદાવાદના ભૂતપૂર્વ ડીસીપી અભયસિંહ ચુડાસમાનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. અગાઉ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડમાં કામ કરી ચૂકેલા ચુડાસમા જ્યારે વલસાડ જિલ્લાના ડીએસપી હતા ત્યારે તેમના દ્વારા સાત વ્યક્તિઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા, જે તમામ બનાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તેમાં તથ્ય પણ જણાય છે. વલસાડની પોલિસ દ્વારા ઈ.સ. ૨૦૦૪ની ૨૬મી નવેમ્બરે સંજય ઉર્ફે સંજુ શ્રીરામ શારદાપ્રસાદ ચૌધરી (૨૫)નું નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સંજય સિંહ ૧૯ નવેમ્બરથી નકલી નોટના કેસમાં વલસાડ પોલિસની કસ્ટડીમાં રિમાન્ડ ઉપર હતો. પોલિસના જણાવ્યા મુજબ નકલી નોટોની તપાસ માટે તેને ઉમરગામ લઈ જવામાં આવતો હતો. રસ્તામાં તેણે ઉલટી થવાની ફરિયાદ કરતાં તેને ભિલાડ-સંજાણ હાઈવે નજીક જીપમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
આ દરમિયાન તેણે પોલિસની ગન આંચકીને તેની ઉપર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસને નાકામ બનાવી પોલિસે તેના ઉપર ગોળીબાર કરી તેને ઠાર માર્યો હતો, એમ પોલિસનું કહેવું છે. આ આખા વર્ણનમાં વિચિત્ર બાબત એ છે કે જો આરોપી પોલિસના પહેરા હેઠળ હાથકડીમાં હતો તો તેણે પોલિસની ગન ઝૂંટવી કેવી રીતે? આ સવાલનો કોઈ ખુલાસો પોલિસ અધિકારીઓ આપી શક્યા નહોતા. સંજય સિંહનો મૃતદેહ જ્યારે પત્રકારોને બતાડવામાં આવ્યો હતો ત્યારે તેની ઉપર પણ હાથકડી નહોતી. આવું કેવી રીતે બન્યું? હકીકતમાં સંજય સિંહ એક સપ્તાહ સુધી પોલિસના રિમાન્ડમાં હતો તે દરમિયાન તેના નકલી નોટના કૌભાંડમાં જેટલા લોકો સંડોવાયેલા હતા તેમને પૂછપરછના બહાને બોલાવી પોલિસે તોડપાણી કરી લીધા હતા. ત્યાર બાદ આરોપીને ભિલાડ નજીક લઈ જઈ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.
અભયસિંહ ચુડાસમાની રાહબરી હેઠળ વલસાડની પોલિસે ૯મી ઓક્ટોબર ૨૦૦૫ના રોજ દાઉદનો સાગરીત હોવાનું મનાતા હાજી ઈસ્લાઈલ નામના ઈસમનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. પોલિસના જણાવ્યા મુજબ હાજી ઈસ્માઈલ મુંબઈથી ભિલાડ આવી રહ્યો હતો ત્યારે ગુજરાતની સરહદે આવેલા નંદિગ્રામ ખાતે નેશનલ હાઈવે ઉપર તેનું એન્કાઉન્ટર કરી નાંખવામાં આવ્યું હતું. હાજી ઈસ્માઈલ ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલો હતો પણ વલસાડ જિલ્લામાં તેની ઉપર એક પણ ફોજદારી કેસ કરવામાં આવ્યો નહોતો. હકીકતમાં હાજી ઈસ્માઈલ સામે ઈ.સ. ૧૯૮૯ની સાલ પછી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. તેણે અંધારી આલમમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને તે પોતાના લોનાવલાના બંગલામાં રહેતો હતો. સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ હાજી ઈસ્માઈલની હત્યા કરવા માટે દાઉદ તરફથી વલસાડ પોલિસને સુપારી આપવામાં આવી હતી. પોલિસ તેને લોનાવલાથીૅૅ જીવતો ઉપાડી લાવી હતી અને ભિલાડ નજીક તેની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. આ પ્રકારના સાત નકલી એન્કાઉન્ટર વલસાડ પોલિસ દ્વારા અભયસિંહ ચુડાસમાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યા હતા. આ તમામની જો સીબીઆઈ દ્વારા તટસ્થ અને ન્યાયી તપાસ કરવામાં આવે તો પોલિસના કબાટમાંથી અનેક હાડપિંજરો બહાર આવવાની સંભાવના છે.
પોલિસ અધિકારીઓએ જ્યારે રીઢા ગુનેગારો અને શાર્પ શૂટરોનો પીછો કરવાનો હોય અને તેમને જેર કરવાના હોય ત્યારે ઝપાઝપી થાય અને સામસામા ગોળીબારમાં કોઈ ગુંડાનું મોત થઈ જાય તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. જોકે આવી અસલી અથડામણ ભાગ્યે જ બનતી ઘટના છે. પોલિસ જેને અસલી એન્કાઉન્ટરમાં ખપાવતી હોય છે, તે હકીકતમાં ઊભું કરવામાં આવેલું નાટક જ હોય છે. નકલી એન્કાઉન્ટરમાં પોલિસ કોઈ ગુનેગારને તેના ઘરમાંથી કે અડ્ડામાંથી ઊંચકી લાવતી હોય છે અને તેની કાગળ ઉપર ધરપકડ બતાવ્યા વિના જ તેને પોલિસ કસ્ટડીમાં કે કોઈ ખાનગી બંગલામાં રાખતી હોય છે. આ બે-ત્રણ દિવસમાં આરોપી પાસેથી મહત્ત્વની માહિતી કઢાવી લેવામાં આવતી હોય છે અથવા તેને જીવતો જવા દેવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવતી હોય છે. જો આરોપી અપેક્ષિત રકમ ચૂકવી ન શકે અથવા તો તેને મારવા માટે પોલિસને કોઈ ઉદ્યોગપતિએ, વેપારીએ કે માફિયા સરદારે સુપારી આપી હોય તો ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવે છે અને તેની લાશ કોઈ જાહેર રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે અથવા આરોપીને કોઈ જાહેર માર્ગ ઉપર જીવતો લઈ જવામાં આવે છે અને ત્યાં તેની ગોળી મારી હત્યા કરવામાં આવે છે.
પોલિસ દ્વારા જ્યારે કોઈ આરોપીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવે છે અને તેને એન્કાઉન્ટરમાં ખપાવવામાં આવે છે ત્યારે કેટલીક વાતો કોમન જોવા મળે છે. આ એન્કાઉન્ટર હંમેશા મોડી રાત્રે અથવા વહેલી સવારે સૂમસામ સડક ઉપર જ થયેલું બતાડવામાં આવે છે. કેટલાક પોલિસ કર્મચારીઓ સિવાય તેના કોઈ સાક્ષી હોતા નથી. તેમાં આરોપીએ ગોળી છોડી હોવાનું કહેવામાં આવે છે, પણ કદી પણ કોઈ પોલિસ કર્મચારી તેમાં ઘાયલ થતો નથી. પોલિસ દ્વારા જે ગોળીઓ છોડવામાં આવે છે તે આરોપીના હાથમાં કે પગમાં નથી વાગતી પણ માથામાં કે છાતીમાં જ વાગે છે. આ નકલી એન્કાઉન્ટરના સ્થળે તસવીરો લેવા માટે પ્રેસના ફોટોગ્રાફરો તાબડતોબ હાજર થઈ જાય છે. પોલિસ અધિકારીઓ ઘણી વખત પોતાના પરાક્રમની ઘોષણા કરવા માટે અને પોતાની જ પીઠ થાબડવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવતા હોય છે. ક્રાઈમ બીટ સંભાળતા પત્રકારો ભાગ્યે જ પોલિસની આ અથડામણ બનાવટી હોઈ શકે તેવી શંકા ઉઠાવે છે અને બીજે દિવસે પોલિસે જાણે કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેમ પોલિસ દ્વારા આપવામાં આવતી જૂઠી સ્ટોરીને અખબારોમાં પ્રસિદ્ધિ આપવામાં આવતી હોય છે.
દેશના સમગ્ર પોલિસ દળમાં સૌથી વધુ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો મુંબઈમાં છે. ડીસીપી પ્રદીપ શર્માનો ૧૦૫ એન્કાઉન્ટર સાથે પહેલો નંબર આવે છે. તેના પછી પ્રફુલ ભોંસલે (૮૭), દયા નાયક (૮૩) અને વિજય સાલસકર (૫૦)નો નંબર આવે છે. દયા નાયકની જિંદગી ઉપરથી તો એક કરતાં વધુ ફિલ્મો પણ બની છે. આ બધા જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા હતા અને માફિયાઓના ઈશારે તેમની પ્રતિસ્પર્ધી ગેન્ગના ગુંડાઓની હત્યા કરતા હતા. ઈ.સ. ૧૯૯૨ અને ૨૦૦૬ વચ્ચે મુંબઈ પોલિસ દ્વારા ૬૬૧ ઈસમોની હત્યા કરવામાં આવી હતી. દાઉદ જેવા માફિયા સરદારો પોતાની હરીફ ટોળીના ગુંડાઓની હત્યા કરાવવા માટે આ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને નાણાં આપતી હતી. આ નાણાં મુંબઈ પોલિસના ટોચના અધિકારીઓને, ગૃહ ખાતાના સચિવોને, ગૃહ પ્રધાન અથવા મુખ્ય પ્રધાન તરફથી વિરોધ કરવામાં આવ્યો નહોતો. આ સ્પેશિયાલિસ્ટો કેટલાંક ગુંડાઓ પાસેથી તેમનું એન્કાઉન્ટર નહીં કરવા માટે નિયમિત કરોડો રૃપિયાની ખંડણી ઉઘરાવતા હતા. કેટલાક બિલ્ડરોની એન્કાઉન્ટરમાં હત્યા કરી નાંખવાની ધમકી આપીને તેઓ તેમની પાસેથી પણ તગડી રકમની વસૂલાત કરતા હતા. આ પોલિસ અધિકારીઓ સાથે મુંબઈના અખબારોમાં ક્રાઈમ બીટ સંભાળતા પત્રકારોની પણ સાંઠગાંઠ રહેતી હતી, જેને કારણે તેમના અસલી કરતૂતોની પ્રજાને જાણ કરવાને બદલે તેમને હિરો તરીકે ચિતરવામાં આવતા હતા. અમુક પત્રકારોને અન્ડરવર્લ્ડ તરફથી નિયમિત હપ્તા પણ મળતા હોય છે. જે પ્રધાનો સત્તા ગ્રહણ કરતી વખતે બંધારણની રક્ષા કરવાના શપથ લેતા હોય છે, તેઓ જ પોતાના માનતી પોલિસ અધિકારીઓને બનાવટી અથડામણ કરવાના આદેશો આપીને બંધારણનો અને કાયદાનો ભંગ કરતા હોય છે.
પોલિસ ખાતું જેમના હાથમાં છે તે ગૃહ પ્રધાનની સંમતિ અને સામેલગીરી સિવાય પોલીસ અધિકારીઓ આટલી હત્યાઓ કરી શકે તે શક્ય જ નથી. જે રીતે પોલિસ અધિકારીઓ માફિયા સરદારોના ઈશારે હત્યાઓ કરતા હોય છે તે રીતે અનેક પ્રધાનો પણ અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપો ભૂતકાળમાં થયા છે અને વર્તમાનમાં પણ થતા રહે છે.
જો રાજકારણીઓ માફિયાઓ સાથે સંકળાયેલા ન હોય તો આ રીતે સેંકડો હત્યાઓ વગર વિરોધે થયા કરે નહીં. જો બનાવટી એન્કાઉન્ટરના સેંકડો કિસ્સાની ન્યાયી તપાસ કરવામાં આવે તો દેશના ટોચના રાજકારણીઓની અસલિયત છતી થઈ જાય તેમ છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved