| Last Update : 26-Jan-2012,Thursday |
|
|
| |
|
|
|
|
|
 |
|
જ્ઞાન અને ઘ્યાન ભલે ઉચ્ચ સ્થાને હોય પણ સ્વમાનપૂર્વક જીવવા માટે ધનપ્રાપ્તિ આવશ્યક બની જાય છે |
| - વિમર્શ |
| |

મહાભારતનાં મુખ્ય પાત્રો પાંડવો અને કૌરવો આમ જોઈએ તો તે મહર્ષિ વ્યાસનો જ વસ્તાર છે. વિચિત્રવીર્યનાં સંતાનો ઘૃતરાષ્ટ અને પાંડુ વાસ્તવિકતામાં તો મહર્ષિ વ્યાસનાં જ સંતાનો હતાં અને તેમને કેન્દ્રમાં રાખીને મહર્ષિ વ્યાસે મહાભારતની રચના કરી. મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યની વાત આવે છે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પડયા પછી ગુરુ દ્રોણાચાર્યે જ યુદ્ધનું સુકાન સંભાળેલું. કુરુકુળના રાજકુમારોનું ગુરુપદ તેમણે જીવનભર શોભાવ્યું હતું. તેમણે પાંડવો અને કૌરવોને શસ્ત્રોની તેમજ અસ્ત્રોની તાલીમ આપેલી અને નિષ્ણાંત બનાવેલા. અંતે કૌરવપક્ષે રહીને તેમણે યુદ્ધની ઘુરા પણ સંભાળેલી અને કૌરવો માટે લડતાં લડતાં પડેલાં.
આવી મહાન કહેવાયેલી વ્યક્તિના જીવનની એક બે ઘટનાઓ એવી છે કે જે આપણને વિચાર કરતા કરી મૂકે છે અને તેનો બચાવ કરવાનું મૂશ્કેલ બની જાય. કુરુકુમારોનું ગુરુપદ લેવા પાછળનો તેમનો આશય કેવળ આજીવિકા જ ન હતો પણ વેરનો તીવ્ર ભાવ હતો. સામાન્ય માણસમાં પણ દ્વેષ અને વેરનો ભાવ સારો ન ગણાય તો આવા મહાન જ્ઞાની ગુરુના જીવનનું તે સંચાલક બળ બની રહે તેને વાજબી કેમ ગણાવી શકાય ?
અલબત્ત એ વાત પણ ખરી કે ગુરુ દ્રોણાચાર્ય માટે આજીવિકા પણ મહત્ત્વની બની ગઈ હતી. પોતાના શિશુપુત્ર અશ્વત્થામાં માટે દૂધની જોગવાઈ ન થઈ શકતાં તેઓ સ્વમાનભેર જીવી શકાય તેવી આજીવિકા મેળવવા માટે કૃતનિશ્ચયી બની ગયા હતા. કદાચ તેમને લાગ્યું હશે કે જ્ઞાન અને ઘ્યાન ભલે ઉચ્ચે સ્થાને રહ્યાં હોય પણ સ્વમાનપૂર્વક જીવવા માટે ધનપ્રાપ્તિ આવશ્યક બની જાય છે.
આમ તો દ્રોણાચાર્ય વેદ-વેદાંતના પારંગત હતા. સ્વભાવે તે લોભી ન હતા પણ તેમને સ્વમાન સાથે જીવવું હતું અને પોતાના કુટુંબનો નિર્વાહ કરવો હતો તેથી તેઓ પોતાના સ્વભાવ વિરુદ્ધ રાજા દ્રુપદના દરબારમાં સહાય માટે ગયા. વળી તેમની માગણી પણ મર્યાદિત હતી. પોતાના નાના પુત્ર માટે તેમણે તો એક-બે ગાયની જ માગણી કરી હતી. ગુરુકુળમાં દ્રુપદ તેમનો સહપાઠી હતો અને વિદ્યાકાળમાં તેણે સ્વયં, જો પોતે રાજા બનશે તો દ્રોણને સહાય કરવાની તત્પરતા બતાવી હતી. તેથી દ્રોણાચાર્ય વિના સંકોચે દ્રુપદરાજા પાસે ગયા હતાં.
તેમ છતાંય જ્યારે દ્રોણે દ્રુપદ પાસે યાચના કરી અને વિદ્યાકાળની યાદ આપી ત્યારે દ્રુપદ રાજાએ તેમનું અપમાન કરી મૈત્રીનો ઇનકાર કરતાં કહ્યું, ‘‘આપણી વચ્ચે મૈત્રી જ કેવી રીતે સંભવી શકે ? તમે ભિક્ષુ બ્રાહ્મણ અને હું રાજા. મૈત્રી સમાન વચ્ચે જ હોય.’’
અણધાર્યા આવા અપમાનથી છંછેડાયેલા દ્રોણે દ્રુપદનું રાજ્ય લઈ લેવાની અને વેરનો બદલો લેવાની તત્કાળ પ્રતિજ્ઞા કરી. આ માટે તેમને સબળાની ઓથ જોઈતી હતી જે તેમને હસ્તિનાપુરમાં મળી ગઈ. ત્યાં તેમનાં ઘણાં આદર-માન થયાં પણ દ્રુપદ સામેના વેરનો અગ્નિ તેમની અંદર સતત પ્રજવલિત રહ્યો હતો. તેથી જયારે ગુરુ દક્ષિણાનો સમય આવ્યો ત્યારે તેમણે દ્રુપદ રાજાનું રાજ્ય માગ્યું - જે દુર્યોધન ન લાવી આપી શક્યો પણ અર્જુન દ્રુપદને બંદીવાન બનાવી લાવ્યો અને તેનું રાજ્ય તેણે ગુરુ દ્રોણાચાર્યને ગુરુદક્ષિણામાં ધરી દીઘું. પછી દ્રોણાચાર્યે દ્રુપદને મુક્ત કર્યો અને અડઘુ રાજ્ય તેને પાછું આપતાં કહ્યું ઃ ‘‘હવે તો આપણે સરખા થયા ને !’’
દ્રુપદ મુક્ત થયો, આખુ રાજ્ય પણ તેને મળી ગયું પણ વેરની ગાંઠ પડી ગઈ. વેરથી વેર ન શમ્યું અને પછી તેની પરંપરા ચાલી જેના પરિણામે દ્રુપદ પુત્રે મહાભારતના યુદ્ધમાં સમાધિસ્થ દ્રોણાચાર્યનો વધ કર્યો. આ વાતનો તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો લાગે કે આવા જ્ઞાની પુરુષના જીવનનું સંચાલક બળ દ્રુપદ રાજા સાથેનું વેર બની રહ્યું હતું તે વાત આપણને કઠ્યા વિના ન રહે. આ વેર તેમના જેવી મહાન વ્યક્તિ માટે શોભાસ્પદ ન ગણાય.
દ્રોણાચાર્ય સંસારી હતા અને સાઘુ ન હતા. વળી તેમને માટે આજીવિકાનો પ્રશ્ન હતો એવી બધી રીતે વિચાર કરીને આપણે તેમની આ વાતને થોડીક ક્ષમ્ય ગણીએ પરંતુ તેમણે એકલવ્ય સાથે જે વ્યવહાર કર્યો તેને તો કોઈ રીતે વાજબી ઠરાવી શકાય જ નહિ. ભીલ યુવક એકલવ્ય કેટલી આશા લઈને ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય બનવા આવેલો. ગુરુના ચરણમાં પડીને તેણે ગુરુને વિનવ્યા પણ દ્રોણાચાર્યે તેનો અસ્વીકાર કરતાં કહ્યું ઃ તેઓ તો કેવળ રાજકુમારોના ગુરુ છે. તેમના આ કથનમાં થોડીક અસહાયતા હશે પણ તેમાં તેમના ઘમંડની ગંધ આવ્યા વિના નથી રહેતી. દ્રુપદ રાજાના દરબારમાં અપમાનિત થયેલ વ્યક્તિ પોતે અન્યનું આ રીતે અપમાન કરે કે અસ્વીકાર કરે તે યોગ્ય તો ન જ લાગે. તેનો બચાવ ન થઈ શકે.
તેનાથીય અધિક વિપરીત વાત તો ત્યારે બની કે ગુરુ દ્રોણાચાર્યે એ ભીલકુમાર પાસે ગુરુ દક્ષિણામાં તેના જમણા હાથનો અંગુઠો માગી લીધો - જેથી તે ધનુષબાણનો ઉપયોગ ન કરી શકે. વળી તે પણ એટલા માટે કે પોતાના પ્રિય શિષ્ય અર્જુનની ધનુવિદ્યામાં કોઈ બરાબરી ન કરી શકે અને ભરતખંડના શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે અર્જુનની કીર્તિ અખંડ રહે. વાતની વિષમતા તો એ છે કે, આ ગુરુદક્ષિણા માગવાના તેઓ અધિકારી પણ ન હતા. તેમણે એકલવ્યને કયારેય ધનુર્વિદ્યા શીખવી ન હતી. એકલવ્યે જે પ્રાપ્ત કર્યું હતું તે પણ પોતાની સાધનાને જોરે કર્યું હતું.
ગુરુ દ્રોણે એકલવ્યનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો નહિ છતાંય તેમના ઉપર ગુસ્સે થયા વિના કે તેમના પ્રતિ દ્વેષ રાખ્યા વિના એકલવ્યે તેમને જ મનોમન ગુરુ તરીકે સ્થાપી તેમની મૂર્તિ બનાવી, તેનું આલંબન લઈને ધનુર્વિદ્યામાં નિપૂણતા મેળવી હતી. એકલવ્યની આ નિપૂણતા દ્રોણને આભારી ન હતી છતાંય આ ભોળા ભીલકુમારે કહ્યું કે, દ્રોણાચાર્યને ગુરુ તરીકે સ્થાપી તેણે આ વિદ્યા મેળવી છે એટલે તેઓ મારા ગુરુ છે. એકલવ્યના આ ઔદાર્યનો ગેરલાભ ઉઠાવીને દ્રોણાચાર્યે તેના જમણા હાથનો અંગુઠો ગુરુદક્ષિણામાં માગી લીધો એમાં ઔચિત્ય તો ન જ હતું પણ એક પ્રકારનો જુલ્મ પણ કહી શકાય. મોટાનો કોઈ વાંક કાઢે નહિ- તે ન્યાયે દ્રોણાચાર્ય હંમેશાં પૂજાતા રહ્યા અને એકલવ્ય વીસરાતો રહ્યો. પણ અન્યાય એ અન્યાય જ ગણાય. ગુરુ દ્રોણાચાર્યનાં શ્વેત વસ્ત્રો ઉપર એકલવ્યની ગુરુદક્ષિણાથી ડાઘ લાગી ગયો. આ ગુરુદક્ષિણા માગીને ગુરુ સ્વયં લધુ બની ગયા હોય તેમ નથી લાગતું ?
- ચંદ્રહાસ ત્રિવેદી
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|