(પીટીઆઈ) રાળેગણ સિદ્ધિ, તા.૨૫
માણસની ભ્રષ્ટાચાર સહન કરવાની સહનશક્તિની હદ આવી જાય ત્યારે તમાચો ચોંડયા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ જ નથી રહેતો એવાં અણ્ણા હઝારેના નિવેદનને લીધે ફરી વિવાદ છેડાવાનો સંભવ છે.
હઝારેના નિવેદનથી ફરી વિવાદ છોડાવાની શક્યતા
એક આમઆદમીની ભ્રષ્ટાચાર સામેની લડતના વિષય પર આધારિત 'ગલી ગલી ચોર હૈ' ફિલ્મ ગઈ રાતે જોયા પછી અણ્ણા હઝારેએ પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે માણસની ભ્રષ્ટાચાર સામેની સહનશક્તિની હદ આવી જાય ત્યારે સામે ગમે તે વ્યક્તિ હોય તેને સણસણતો લાફો મારીને તેનું દીમાગ ઠેકાણે લાવી દે છે. બસ અત્યારે આ એક જ માર્ગ બચ્યો છે.
અણ્ણા હઝારે માટે રાળેગણ-સિદ્ધિમાં 'ગલી ગલી ચોર હૈ' ફિલ્મનો ખાસ શો રાખવામાં આવ્યો હતો.
ગઈ ૨૪મી નવેમ્બરે દિલ્હીમાં કૃષિ પ્રધાન શરદ પવારને એક યુવકે તમાચો ચોડી દીધો એ વખતે અણ્ણાએ એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે 'ફક્ત એક જ તમાચો માર્યો?' જો કે પછી તેમણે ફેરવી તોળ્યું હતું અને આ ઘટનાને વખોડી કાઢી હતી.
અણ્ણા હઝારેના મદદનીશ દત્તા આવારીએ જણાવ્યું હતું કે ગામના શાંતિનિકેતન ગ્રાઉન્ડમાં ફિલ્મ શો ગોઠવાયો હતો. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા નીતીન મનમોહન અને સંજય પુનમિયા, દિગ્દર્શક રૃમી જાફરી તેમ જ એક્ટરો અક્ષય ખન્ના, શ્રીયા શરન અને અને મુગ્ધા ગોડસે હાજર રહ્યાં હતાં. અણ્ણાને ફિલ્મ ગમી હતી. |