
પૂણે (મહારાષ્ટ્ર ) તા.૨૭
નવથી વઘુ લોકોના જાન લેનાર અને બીજા અનેકને ભયભીત કરી દેનારા પૂણેના બસ ડ્રાઇવર સંતોષ મારુતિ માને (ઉંમર વરસ ૪૦)ને આતંકવાદ સાથે તો સંબંધ નથી ને એવી તપાસ પોલીસ કરી રહી હોવાનું પ્રોસિક્યુશને કહ્યું હતું.
સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર થઇને ડિસ્ટ્રીક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (ધારાશાસ્ત્રી) ઉજ્જવલા પવારે કોર્ટને કહ્યું હતું કે પોલીસ જાણવા માગે છે કે આ માણસને કોઇ આતંકવાદી સંસ્થા સાથે સંબંધ નથી ને. પોલીસ તેના પૂણે અને સોલાપુર ખાતેના ઘરો તથા એના મોબાઇલ ફોનના રેકર્ડઝ્ તપાસી રહી છે.
જો કે રિમાન્ડની અરજીમાં પોલીસે એવી શંકા વ્યક્ત કરી નહોતી કે માનેને કોઇ આતંકવાદી સંસ્થા સાથે સંબંધ છે. માને વતી કોઇ ધારાશાસ્ત્રી હાજર નહોતા. કોર્ટે એને ૩ ફેબુ્રઆરી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. માથા પર ઇજાને કારણે પાટો બંધાવીને આવેલા માનેએ કોર્ટમાં કહ્યું હતું કે મારે બચાવમાં કશું કહેવું નથી.