
નવી દિલ્હી તા.૨૭
બે વર્ષની એ બાળકી નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. એના શરીર પર એક કરતાં વઘુ ફ્રેક્ચર્સ છે, માથામાં ગંભીર ઇજા થયેલી છે અને લગભગ આખા શરીર પર માણસે બચકાં ભર્યાં હોય એવાં જખમો છે. ૧૮ જાન્યુઆરીએ એની પંદર વર્ષની સગીર માતા એને અહીં લાવી હતી.
ટીનેજર માતા કહે છે કે મારી દીકરી ‘ફલક’ પલંગ પરથી પડી ગઇ હતી. પરંતુ ડૉકટર્સ માને છે કે બંને હાથમાં ફ્રેક્ચર્સ, માથામાં ગંભીર ઇજા, આખા શરીર પર બચકાં ભર્યાંના ઘા અને મોં પર કોક પ્રકારના ડામનાં નિશાન બીજું કંઇ સૂચવે છે.
ડૉક્ટર્સના કહેવા મુજબ પોતાને આ બાળકીની માતા ગણાવતી ટીનેજર ૧૮ જાન્યુઆરીએ આ બાળકીને હૉસ્પિટલમાં લાવી હતી. આવી ગંભીર ઇજા જોઇને ડૉક્ટર્સને બીજું કંઇક હોવાની ગંધ આવી હતી. હાલ આ બાળકી વેન્ટિલેટર પર છે.