| |
હત્યા કરનાર આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમવિધિનો ઇનકાર
રાતે યુવકની હત્યા થઇને સવારે પત્નીએ દીકરાને જન્મ આપ્યો
* સ્થાનીક લોકોના જણાવ્યાં અનુસાર, ફેક્ટરીમાં નોકરી કરતા અતુલ ખોડાભાઇ રાઠોડના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેની પત્ની મીના પ્રસુતી અર્થે આશરે છ માસથી પિયર ગઇ હતી. ત્યારે ગત રાતની અથડામણમાં અતુલનું મોત નિપજ્યું હતુ અને આજે સવારે તેની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો હતો.
અમદાવાદ, બુધવાર
સાણંદના રેથલ ગામે રાજૂપત અને દલીત સમાજનાં જૂથ વચ્ચે ગત રાતે થયેલી હિંસક અથડામણને લઇને આજે નવો વિવાદ સર્જાયો હતો. દલીત સમાજના લોકોએ અથડામણમાં મોતને ભેટેલા યુવકની લાશને પોલીસ સ્ટેશનમાં મુકી જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશને ત્યાંથી હટાવાશે નહીં તેવી હઠ પકડી હતી. આશરે ૪૦૦થી વધુ દલીત સમાજના લોકોએ પણ પરિવારની આ માંગને સમર્થન આપતા સાણંદ પોલીસ મથક એકઠા થઇ ગયા હતા. બપોરે ૧૨ વાગ્યે પોલીસ સ્ટેશનમાં મુકાયેલી લાશ મોડી રાત સુધી ઉઠાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનીક રાજકિય આગેવાનોએ ભોગ બનનારના પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પરિવાર ટસનો મસ થયો ન હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી સાંજે થયેલી જૂથ અથડામણમાં અતુલ રાઠોડ નામના ૨૫ વર્ષીય યુવકની હત્યા થઇ હતી, જ્યારે તેના પિતા અને ભાઇ સહિત ગામના કુલ ૬ વ્યક્તિઓને ગંભીર હાલતમાં વી.એસ હોસ્પિટલ ખસેડાયા છે.
મૃતદેહને બરફની પાટ પર રખાયો ઃ દલિત સમાજની જીદ ઃ પોલીસે સમય માગ્યો છતાં સ્થિતિ ઠેરની ઠેર
પ્રાપ્ત વિગતો અનુસાર, સાણંદ તાલુકાના રેથલ ગામે મંગળવારે મોડી સાંજે ૧૫ દિવસ જૂની એક અદાવતને લઇને ગામના એક રાજપૂત સમાજના યુવકે મિત્રો સાથે મળીને દલીત સમાજના એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે બન્ને સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને એક બીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અતુલ ખોડાભાઇ રાઠોડ (ઉં.૨૫)નું મોત નિપજ્યું હતુ. જ્યારે તેના પિતા ખોડાભાઇ અને મોટાભાઇ સહિત કુલ ૬ વ્યક્તિને વી.એસ હોસ્પિટલ ખસેડાયા હતા.
બુધવારે સવારે અતુલની લાશનું પી.એમ પત્યા બાદ ગ્રામજનો તથા તેના પરિવારનાં સભ્યો લાશ લઇને ૧૨ વાગ્યાના અરસામાં સાણંદ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. બીજી તરફ પોલીસ સ્ટેશનનો મોટા ભાગનો કાફલો ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે બે-ત્રણ પોલીસકર્મીઓની હાજરીમાં ટોળાએ અતુલના મૃતદેહને લઇને પી.એસ.ઓ (પોલીસ સ્ટેશન ઓફિસર)ની રૃમમાંં મુકી દીધો હતો. ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ ઉપરાંત રેન્જ આઇ.જી, ડી.સી.પી અને આસપાસના પોલીસ મથકનો કાફલો સાણંદ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો.
લગભગ ૩૦૦થી ૪૦૦ દલીત સમાજનાં લોકોએ જીદ પકડી હતી કે જ્યાં સુધી પોલીસ આરોપીઓને પકડીને જેલ હવાલે નહીં કરે ત્યાં સુધી લાશને પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવવામાં નહીં આવે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થાનીક રાજકિય આગેવાનો સાથે મળીને ગામના લોકોને લાશ લઇ જઇ અંતીમવિધિ કરી દેવાનો તથા આરોપીઓને પકડવા માટે પોલીસને થોડો સમય આપવામાં આવે તેમ સમજાવ્યું હતુ. પરંતુ દલીત સમાજનાં લોકો ટસના મસ ન થયા હતા અને મોડી રાત સુધી લાશને સાણંદ પોલીસ સ્ટેશનમાં જ રખાઇ હતી.
|