ઇન્ટરનેટ થકી મળતી સુવિધાઓ વાપરવા માટે ફરજિયાતપણે કમ્પ્યુટરની સામે બેસી રહેવું પડે, એ સમય હવે બદલાઇ રહ્યો છે. મોબાઇલ ફોનના બહોળા વ્યાપ અને થ્રી-જી સર્વિસની શરૂઆત પછી, વઘુ ને વઘુ લોકો મોબાઇલ ફોનના માઘ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, ફિલ્મો જુએ છે, ગીતો સાંભળે છે, ઇ-મેઇલ કરે છે, ફેસબુક-ટ્વીટર પર રચ્યાપચ્યા રહે છે. ટૂંકમાં, મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ ખરા અર્થમાં હાથવગું બનવાથી વપરાશકર્તાઓને મઝા પડી રહી છે. બહુ મોટો વર્ગ એવો પણ છે, જેણે અગાઉ કમ્પ્યુટર પર કદી ઇન્ટરનેટ વાપર્યું નથી અને હજુ પણ તેની પાસે કમ્પ્યુટરની સુવિધા નથી. છતાં, સેલફોન પર તે ઇન્ટરનેટના સેલસપાટા માણી શકે છે.
મોબાઇલ ઇન્ટરનેટ તરફ લોકોની વધતી રૂચિને આંકડા પણ સમર્થન આપે છે. એક અભ્યાસ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં મોબાઇલ ફોન દ્વારા ઇન્ટરનેટ વાપરનાર લોકોની સંખ્યા ૧.૨૧ કરોડ હતી, જે વર્ષ ૨૦૧૧માં ૩ કરોડે પહોંચ્યાનો અને ૨૦૧૫ સુધીમાં તો ૨૭ કરોડના આંકડે પહોંચી જવાનો અંદાજ છે.
આ લોકો સ્માર્ટફોનની મદદથી ઇન્ટરનેટ વાપરે છે. મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ સર્વિસની માગમાં ઉછાળો આવતાં, સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પણ તક ચૂકવા માગતી નથી. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર એરટેલ કંપનીની થ્રી-જી સર્વિસ અત્યાર સુધીમાં ૭૦ લાખથી પણ વઘુ લોકો નોંધાવી ચૂક્યા છે. કંપનીના અંદાજ પ્રમાણે થ્રી-જી ઇન્ટરનેટનો પ્લાન લેનાર તેના ગ્રાહકોમાંથી અડધાઅડધ પાસે સ્માર્ટફોન છે. મતલબ, આ તેમણે મોબાઇલ ઇન્ટરનેટના હજુ તૈયાર થઇ રહેલા સુપર હાઇવે પર ઝુકાવ્યું છે. હવે તેમની ગતિ અને ઇન્ટરનેટનો તેમનો વપરાશ વઘ્યે જ પાર છે.
સ્માર્ટફોન અને તેની પર ઇન્ટરનેટના વપરાશના વધી રહેલા ચલણ અંગેના એક સર્વેક્ષણમાંથી જાણવા મળે છે કે ૧૫ થી ૨૫ વર્ષના વયજૂથના મોબાઇલધારકો દિવસના ત્રણ કલાક જેટલો સમય તેમના ફોનના વપરાશમાં ગાળે છે. તેમાંથી ૬૦ ટકા સમય ઇન્ટરનેટ પર મનોરંજનને લગતી પ્રવૃત્તિઓમાં અને સર્ફંિગમાં જાય છે. મોબાઇલ ફોનના નવા ગ્રાહકોને સીધાસાદા ફોન ખપતા નથી. તેમાં કેમેરા અને એફ.એમ. રેડિયો ઉપરાંત ઇન્ટરનેટની સુવિધાની હવે સૌથી વઘુ પ્રમાણમાં માગણી થઇ રહી છે. મોબાઇલ ઇન્ટરનેટના પ્રસાર અંગે એક દલીલ એવી કરવામાં આવે છે કે કુલ મોબાઇલધારકોમાંથી સ્માર્ટફોન ધરાવનાર લોકોનું પ્રમાણ ઘણું ઓછું છે. પરંતુ એ પણ હકીકત છે કે થોડા ટકા સ્માર્ટફોનધારકો મોટા પ્રમાણમાં ડેટાનો ટ્રાફિક પેદા કરે છે. એરિક્સન કંપનીના સર્વેક્ષણ પ્રમાણે, ગયા વર્ષે મોબાઇલ ઇન્ટરનેટ પર ડેટા ટ્રાફિકની કુલ અવરજવરમાંથી ૭૫ ટકા હિસ્સો ૬ ટકા સ્માર્ટફોનધારકોને આભારી હતો. હજુ ઇન્ટરનેટની ઝડપના પ્રશ્નો છે અને થ્રી-જી સર્વિસ પણ તેની પૂરી ક્ષમતા સાથે કાર્યરત બની નથી. છતાં મોબાઇલધારકો ઇન્ટરનેટ પર વિડીયો જોવામાં, ડાઉનલોડ કરવામાં કે વિડીયોચેટંિગ જેવી સુવિધાઓ માટે રસ દર્શાવી રહ્ય છે. તેનો સાદો અર્થ એટલો જ થાય કે મોબાઇલ પર ઇન્ટરનેટના વિસ્તાર માટે પ્રચંડ તક છે.
મોબાઇલ ફોન પર ઇન્ટરનેટના લોકપ્રિય ઉપયોગોમાં ક્રિકેટનો સ્કોર જાણવાની, સમાચાર જોવા-વાંચવાની, ઇ-મેઇલ ચેક કરવાની, યુ ટ્યુબ જેવી સાઇટ પરથી વિડીયો જોવા-ડાઉનલોડ કરવાની અને સોશ્યલ નેટવર્કંિગ સાઇટોની મદદથી સતત ઓનલાઇન રહેવાની પ્રવૃત્તિઓ મુખ્ય છે. અગાઉ મોબાઇલ ફોનનો સૌથી વઘુ ઉપયોગ એસ.એમ.એસ. કરવા માટે થતો હતો. પરંતુ ઇન્ટરનેટના આગમન પછી એ ચિત્ર બદલાઇ રહ્યું છે. તેની હકારાત્મક અસરો ધીમે ધીમે મોબાઇલ કંપનીઓની આવક ઉપર પણ પડી રહી છે. તેમની કુલ આવકમાં ઇન્ટરનેટકેન્દ્રી, વેલ્યુ એડેડ સર્વિસમાંથી થતી કમાણીનો હિસ્સો વધી રહ્યો છે.
મોબાઇલ પર ઇન્ટરનેટનો વ્યાપ વધતાં અત્યાર સુધી બાકાત રહેલી મોબાઇલ બેન્કંિગ, મોબાઇલ કોમર્સ અને મોબાઇલ એજ્યુકેશન જેવી નવીન સુવિધાઓ પણ આ વર્ષે ઉપલબ્ધ બને એવી સંભાવના છે. એ દૃષ્ટિએ મોબાઇલ ફોનનું ઇન્ટરનેટ સાથેનું મિલન આ દાયકાની સૌથી નોંધપાત્ર ઘટનાઓમાંનું એક સિદ્ધ થવાનું છે. કારણ કે તેની અસરો ફક્ત ટેકનોલોજી પૂરતી મર્યાદિત ન રહેતાં, સામાજિક વ્યવહારો અને ગતિવિધિ ઉપર પણ પડવાની છે.
|
|