Last Update : 25-Jan-2012,Wednesday
 

સલમાન રશ્દીને વિવાદોમાં રહેવાની આદત પડી ગઈ છે

 

અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક ચેતન ભગત કહે છે કે, 'કોઈ સાહિત્યકાર ગમે એટલો મહાન હોય તો પણ તેને કોઇના ભગવાનની વિરુદ્ધમાં લખવાનો અધિકાર મળી જતો નથી'

કેટલાક લેખકો તેમની સાહિત્યનું સર્જન કરવાની શકિતને કારણે નહીં પણ વિવાદો પેદા કરવાની શકિતને કારણે જાણીતા હોય છે. તસ્લિમા નસરીન અને સલમાન રશ્દી આ જમાતના સાહિત્યકારો છે. જયપુરમાં હમણાં પાંચ દિવસનો એક આંતરરાષ્ટ્રીય સાહિત્ય સમારોહ યોજાઈ ગયો. આ સમારંભમાં દેશવિદેશના કુલ ૨૬૫ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને લબ્ધપ્રતિષ્ઠિત મિડીયાકર્મીઓ હાજર હતા. ટીવીની કાર્યક્રમોની દુનિયાની સૌથી લોકપ્રિય કોમ્પેર ઓપ્રા વિન્ફ્રી અને ચેતન ભગત જેવા સાહિત્યકારો પણ તેમાં હાજર હતા. તેમ છતાં સલમાન રશ્દી તેમાં ગેરહાજર રહીને કેટલી પ્રસિદ્ધિ મેળવી શકયા એટલી પ્રસિદ્ધિ હાજર રહેલા ૨૬૫ સાહિત્યકારો મેળવી શક્યા નહીં. હકીકતમાં સલમાન રશ્દીની આખી જિંદગી અને કારકિર્દી પ્રસિદ્ધિ મેળવવાના નાટકની આજુબાજુ જ ચકરાવા મારતી નજરે પડે છે.
સલમાન રશ્દીના પિતા કાશ્મીરી મુસ્લિમ હતા અને તેમની માતા હિન્દુ હતી. સલમાન રશ્દીનો જન્મ ભારતને સ્વતંત્રા મળી એ વર્ષમાં એટલે કે ઇ.સ. ૧૯૪૭માં મુંબઇમાં થયો હતો. સલમાન રશ્દીએ મુંબઇનીકેથેડ્રલ એન્ડ જોન્સ સ્કૂલમાં અભ્યાસ કરીને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડની વાટ પકડી હતી. તેમણે ઇંગ્લેન્ડનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું અને કોપીરાઇટર તરીકે પોતાની કારકિર્દી શરૃ કરી હતી. સલમાન રશ્દીએ પહેલી નવલકથા કઇ લખી તેનું નામ પણ ભાગ્યે જ કોઇને યાદ હશે, પણ તેમની બીજી નવલકથા 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' એ તેમને ભારે પ્રસિદ્ધિ અપાવી દીધી. આ નવલકથામાં ભારતના ભાગલા આસપાસની ઘટનાઓનું નાટયાત્મક ચિત્રણ કરવામાં આવ્યું છે. આ નવલકથા કાંઈક અંશે સલમાન રશ્દીની આત્મકથા જેવી છે. આ નવલકથા માટે તેમને ઇ.સ. ૧૯૮૧ની સાલમાં બુકર પારિતોષિક આપવામાં આવ્યું હતું.
સલમાન રશ્દીની ત્રીજી નવલકથા કઇ હતી એની જાણ તેમના વિરોધીઓને નહીં હોય, પણ તેમની ચોથી નવલકથા 'સેતાનિક વર્સીસ' એ તેમને રાતોરાત વિશ્વવિખ્યાત બનાવી દીધા. ઇ.સ. ૧૯૮૮માં બહાર પડેલી આ નવલકથામાં રશ્દીએ માત્ર ઇસ્લામની જ નહીં પણ વૈદિક ધર્મની અને તેમના દેવતાઓની પણ ઠેકડી ઉડાડી છે. મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાને શરીફ ઉપરાંત તેમણે વેદો અને પુરાણો ઉપર પણ કટાક્ષો કર્યા છે. હિન્દુઓના આરાધ્ય દેવ હનુમાન વિશે પણ તેમણે અપમાનજનક ભાષામાં ટિપ્પણીઓ કરી છે. પરંતુ રશ્દીનાં ઇસ્લામ વિરોધી લખાણોથી વિશ્વભરના મુસ્લિમો રોષે ભરાયા હતા. ઇ.સ. ૧૯૮૯માં ઇરાનના સરમુખત્યાર આયાતુલ્લાહ ખૌમેનીએ સલમાન રશ્દીની હત્યા કરવાનો ફતવો બહાર પાડયો હતો, જેને કારણે રશ્દી સમગ્ર દુનિયામાં અને ખાસ કરીને ઇસ્લામની આલમમાં કુખ્યાત બની ગયા હતા.
જેમની ગણના આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝમાં થતી હોય તેઓ વારંવાર પરણવા માટે અને વારંવાર છૂટાછેડા લેવા માટે પણ જાણીતા હોય છે. સલમાન રશ્દીએ તેમની ૬૪ વર્ષની જિંદગીમાં ચાર વખત લગ્ન કર્યા છે અને તેમણે ચાર વખત છૂટાછેડાનો અનુભવ પણ લીધો છે. ઇ.સ. ૧૯૭૬માં તેમણે પોતાની પહેલી પત્ની કલારિસ્સા લુઆર્ડ સાથે લગ્ન કર્યાં છે અને ૧૯૮૭માં તેની સાથે છૂટાછેડા લીધા. આ લગ્નથી રશ્દીને જાફર નામનો પુત્ર થયો હતો. ઇ.સ. ૧૯૮૭માં તેમણે અમેરિકન નવલકથાકાર મારિયન વિગ્ગિન્સ સાથે લગ્ન કર્યા અને પાંચ વર્ષ પછી તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા. ઇ.સ. ૧૯૯૭માં તેમણે એલિઝાબેથ વેસ્ટ સાથે લગ્ન કર્યા. આ લગ્ન સાત વર્ષ ટકયા હતા, જેમાંથી તેમને મિલાન નામનો પુત્ર થયો હતો. ઇ.સ. ૨૦૦૪માં તેમણે ભારતીય મૂળની અમેરિકન એકટ્રેસ પદ્માલક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતાં. પદ્માલક્ષ્મી રશ્દી કરતાં ઉંમરમાં ૨૩ વર્ષ નાની હતી પણ બહુ મહત્વાકાંક્ષી હતી. ચાર વર્ષ પછી સલમાન રશ્દીએ પદ્માલક્ષ્મી સાથે પણ છૂટાછેડા લીધાં. ત્યાર બાદ તેઓ બોલિવૂડની એકટ્રેસ અને મોડેલ રિયા સેન સાથે અનેક પાર્ટીઓમાં દેખાતા હતા ત્યારે તેમનાં લગ્નની પણ અફવાઓ ચાલી હતી. ઇ.સ. ૧૯૮૯માં આયાતોલ્લાહ ખૌમેનીની ફતવા પછી સલમાન રશ્દીને પોતાની મોટા ભાગની જિંદગી અજ્ઞાાતવાસમાં જ ગાળવી પડી છે. આ ફતવો હજી સુધી પાછો ખેંચાયો ન હોવાથી આજની તારીખમાં પણ સલમાન રશ્દીના માથે જાનનું જોખમ રહેલું જ છે.
જયપુરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સાહિત્ય સમારોહમાં સલમાન રશ્દીને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારથી જ આ કાર્યક્રમ વિવાદોથી ઘેરાઈ ગયો હતો. રાજસ્થાનની પોલીસે જયારે જાહેરાત કરી કે સલમાન રશ્દીની હત્યા કરવા માટે મુંબઇના અન્ડરવર્લ્ડના ડોને સુપારી આપી છે ત્યારે સનસનાટી મચી ગઇ હતી. આ સંભવિત હત્યાકાંડથી બચવા સલમાન રશ્દીએ પોતાની જયપુરની મુલાકાત છેલ્લી ઘડીએ રદ્ કરી નાંખી હતી. હવે મુંબઇ પોલીસે એવી જાહેરાત કરી છે કે સલમાન રશ્દી ઉપર જાનનું જોખમ છે એવી કોઇ માહિતી તેમણે રાજસ્થાનની પોલીસને આપી જ નહોતી. રશ્દીએ એવો આક્ષેપ કર્યો છે કે જયપુરના કાર્યક્રમમાં તેમને ભાગ લેતા અટકાવવા માટે રાજસ્થાનની પોલીસે સુપારીની વાત ઉપજાવી કાઢી હતી. હવે રાજસ્થાનની પોલીસ કહે છે કે તેમને આ માહિતી કેન્દ્રના ગુપ્તચર વિભાગ તરફથી આપવામાં આવી હતી. સલમાન રશ્દીનાં પુસ્તક 'સેતાનિક વર્સીસ' ઉપર ભારતમાં વર્ષો અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મુજબ કોઇ વ્યકિત જો ભારતમાં તેનું પ્રકાશન, વેચાણ કે પ્રસારણ કરે તો તેને ભારતના કાયદા મુજબ છ મહિનાની જેલની સજા થઇ શકે છે. તેમ છતાં સલમાન રશ્દી જયપુર આવીને આ પુસ્તકના કેટલાક અંશો વાંચવાના છે એવી જોરદાર અફવા હતી. આ અફવાને કારણે માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ ભારતના અનેક ભાગોમાં કોમી તંગદિલી વ્યાપી જાય તેવી પણ સંભાવના હતી. આ સંભાવનાને કારણે રાજસ્થાનની પોલીસે હત્યાની સુપારી આપવાની વાત ઉપજાવી કાઢી હોય તેવું બની શકે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોઈ જોખમ ઉઠાવવા ન માંગતી હોય તે સ્વાભાવિક છે. ભાજપનાં નેતા ઉમા ભારતીએ તો એવો આક્ષેપ કર્યો છે એ મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવા માટે સલમાન રશ્દીની હત્યાની વાત રાજસ્થાન સરકાર દ્વારા જાણી જોઇને ચગાવવામાં આવે છે.
જયપુરના સાહિત્ય સમારંભમાં સલમાન રશ્દી સદેહે તો ન આવ્યા પણ તેમના કેટલાક ચેલાઓએ રશ્દી પ્રત્યેની વફાદારી પુરવાર કરવા જાહેરમાં તેમનાં પુસ્તક 'સેતાનિક વર્સીસ'ના કેટલાક અંશોનું પઠન કરીને આ વિવાદને આગળ વધાર્યો હતો. અભિવ્યકિત સ્વાતંત્ર્યની ધૂનમાં આ લેખકો એ વાત ભૂલી ગયા હતા કે પ્રતિબંધિત પુસ્તકનું પઠન કરીને તેઓ ફોજદારી કાર્યવાહીને આમંત્રણ આપી રહ્યા છે. આ બાબતમાં તરત જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વાતનો ખ્યાલ આવતાં જ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ગુલબાંગ પોકારનારા લેખકો ધરપકડને ટાળવા જયપુર છોડીને અધવચ્ચેથી ભાગી ગયા છે. જો કે પોલીસ હજી પણ તેમની ધરપકડ તો કરી જ શકે છે. આ જાહેર પઠનને કારણે આંતરરાષ્ટ્રીય સાહિત્ય સમારોહના આયોજકો પણ ચિંતામાં પડી ગયા છે. જો કે તેમણે ત્વરિત એવો ખુલાસો બહાર પાડયો છે કે સલમાન રશ્દીનાં પુસ્તકનું નહીં પણ તેની સમીક્ષા કરતા એક લેખનું વાંચન આ સમારંભમાં કરવામાં આવ્યું હતું. જો આ ખુલાસો પોલીસના ગળે ન ઉતરે અને પોલીસ એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી આગળ ધપાવે તો આયોજકો પણ જેલમાં જઇ શકે છે.
સલમાન રશ્દીના પુસ્તકના વિવાદને કારણે ફરીથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓનો જંગ છેડાઈ ગયો છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓ કહે છે કે લેખકોને દુનિયાના કોઇ પણ ધર્મની વિરુદ્ધમાં બોલવાનો કે લખવાનો અબાધિત અધિકાર છે. ધર્મગુરુઓને આ અધિકાર મંજૂર નથી. દેશના કાયદાઓ પણ કહે છે કે અભિવ્યકિત સ્વાતંત્ર્યના અધિકારનો એટલી હદે દુરુપયોગ ન કરવો જોઈએ કે જેથી લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર પ્રહાર થાય. તેની સામે સાહિત્યકારો કહે છે કે અમે કાંઇ પણ લખીએ તો તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. શું તેનો અર્થ એવો થાય છે એ અમારે ધર્મના વિષયમાં કાંઇ લખવું જ નહીં ? ચિત્રકાર એમ.એફ. હુસૈને હિન્દુ દેવીદેવતાઓનાં જે બિભત્સ ચિત્રો દોર્યા હતા તેના વિવાદમાં પણ આ પ્રકારની દલીલો આગળ કરવામાં આવી હતી. અભિવ્યકિત સ્વાતંત્ર્યનો ઝંડો લહેરાવનારા હુસૈન છેવટે દેશના કાયદાઓથી બચવા ભારત છોડીને જતા રહ્યા હતા અને વિદેશની ધરતી ઉપર જ મૃત્યુ પામ્યા હતા. હુસૈનના અવસાન સાથે તેમના અંગેના વિવાદનો પણ અંત આવ્યો છે, પણ સલમાન રશ્દી હજી જીવતા હોવાથી તેઓ નવા વિવાદો પેદા કરી શકે છે.
'સેતાનિક વર્સીસ' પુસ્તકના વિવાદ બાબતમાં લોકપ્રિય ભારતીય લેખક ચેતન ભગતે જે મંતવ્ય વ્યક્ત કર્યું છે એ કદાચ સૌથી વધુ સમતોલ છે. સલમાન રશ્દીએ જયપુરમાં સર્જેલા વિવાદ બાબતમાં બોલતાં ચેતન ભગતે જણાવ્યું હતું કે,'હું એક નમ્ર લેખક છું. મારી સરખામણી કદી સલમાન રશ્દી સાથે થઇ શકે તેમ નથી. જે વર્ષમાં મારો જન્મ થયો એ વર્ષમાં તેમને 'મિડનાઇટસ ચિલ્ડ્રન' માટે બુકર પ્રાઇઝ મળ્યું હતું. તેમના અન્ય લખાણોને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ મહાન છે, પરંતુ કોઇના ભગવાન વિરુદ્ધમાં લખવું યોગ્ય નથી. આ બાબતમાં હું રશ્દીને મહાન માનવા તૈયાર નથી.' જે સાહિત્યકારો સલમાન રશ્દીને આ બાબતમાં પણ મહાન માનતા હોય તેમણે સલમાન રશ્દી સાથે શહીદ થવાની પણ તૈયારી રાખવી જોઈએ. તેને બદલે તેઓ ધરપકડથી બચવા સમારંભ છોડીને નાસી જાય તેમાં તો નરી કાયરતા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved