| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
પંજાબની ચૂંટણીઓમાં 'દેરા સચ્ચા સૌદા' કિંગમેકરની ભૂમિકા ભજવશે
|
| |
શીખ ધર્મના આ નાનકડા સંપ્રદાયના વડા ધર્મગુરુ રામ રહીમ ઉપર હત્યા અને બળાત્કારના આક્ષેપો છે તો પણ રાજકારણીઓ તેમના આશીર્વાદ લેવા લાઇન લગાવી રહ્યા છે
ભારતની લોકશાહીમાં ચુકાદાઓ બહુમતીના આધારે આવતા હોય છે, પણ ક્યારેક એવી વિચિત્ર પરિસ્થિતિ પેદા થાય છે કે ચૂંટણીઓ જીતવા રાજકીય પક્ષોને લઘુમતીઓના શરણે જવું પડે છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસી મોરચા અને શાસક અકાલી મોરચા વડે જીવ સટોસટની લડાઇ છે. આ લડાઇને કારણે કદાચ કોઇ પણ પક્ષને બહુમતી ન મળે એવી સંભાવના ઊભી થઇ છે. આ સંભાવનાના કારણે માત્ર ૫૫ લાખનું સંખ્યાબળ ધરાવતા 'દેરા સચ્ચા સૌદા' નામના વિવાદાસ્પદ સંપ્રદાયની ડિમાન્ડ એકાએક વધી ગઇ છે. આ સંપ્રદાયના અનુયાયીઓ પંજાબ વિધાનસભાની ૫૫ બેઠકોમાં ઉમેદવારોનું ભાવિ ઘડી શકે છે. પંજાબના માલવા નામના વિસ્તારમાં આ સંપ્રદાયનું બહુ જોર છે. આ કારણે કોંગ્રેસના અકાલી દળના નેતાઓ દેરા સચ્ચા સૌદાનો ટેકો મેળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.
દેરા સચ્ચા સૌદા શીખ ધર્મનો જ એક ફાંટો છે. પંજાબમાં અકાલી દળ અને ભાજપની ગઠબંધન સરકાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં અકાલી દળના આગેવાનો અને દેરા સચ્ચાના અનુયાયીઓ વચ્ચે અનેક લોહિયાળ સંઘર્ષો થયા છે. દેરા સંપ્રદાયના વડા ધર્મગુરુ ગુરમીત રામ રહીમ ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ શીખોના અંતિમ ગુરુ ગોબિંદ સિંહ જેવો પહેરવેશ ધારણ કરીને અનુયાયીઓને ગુમરાહ કરે છે. શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્તના વડાએ રામ રહીમને નાતબહાર કરવાનો આદેશ કર્યો તેને પગલે ્કાલીઓ દેરાના અડ્ડાઓ ઉપર તૂટી પડયા હતા, પણ હવે પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલને દેરાના ટેકાની જરૃર હોવાથી તેઓ તેમને મનાવી લેવાની કોશિષ કરી રહ્યા છે.
પંજાબમાં ચૂંટણીઓ જેમ નજીક આવતી જાય છે તેમ સિરસામાં આવેલા દેરા સચ્ચા સૌદાના આશ્રમમાં તેમના ગુરુ રામ રહીમના આશીર્વાદ લેવા આવતા ઉમેદવારોની ભીડ પણ વધતી જાય છે. તાજેતરમાં પંજાબ પિપલ્સ પાર્ટીના વડા મનપ્રીત બાદલે પોતાની પત્ની વીણુ બાદલને રામ રહીમના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં આવી ચૂક્યા છે. ઇ.સ. ૨૦૦૭ની ચૂંટણીઓમાં દેરાએ કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. જોકે કોંગ્રેસને સત્તા મેળવવામાં સફળતા ન મળી પણ દેરાના કારણે ટેકાને કારણે માલવા પ્રદેશમાં તેઓ સારી એવી બેઠકો જીતી શક્યા હતા. આ વખતે દેશના વડા ધર્મગુરુએ હજી પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું, જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
દેરા સચ્ચા સૌદાના વડા ધર્મગુરુ રામ રહીમ ઉપર ભૂતકાળમાં તેમના આશ્રમમાં સાધ્વીને ગોંધી રાખવાના, તેમની ઉપર બળાત્કાર કરવાના અને તેમની હત્યા કરાવવા સુધીના આક્ષેપો થયા છે, તો પણ તેમના અનુયાયીઓ તેમને ભગવાન માનીને તેમની પૂજા કરે છે. ઇ.સ. ૨૦૦૭ના એપ્રિલ મહિનામાં અકાલ તખ્તના પાંચ વડા ધર્મગુરુઓએ ભેગા મળીને રામ રહીમને શીખ ધર્મની બહાર મૂકવાનો ફેંસલો કર્યો હતો. આ હુકમનામા મુજબ કોઇપણ શીખ ધર્મનો અનુયાયી જો દેરા સાથે સંબંધ રાખે તો તેને પણ નાતબહાર કરી શકાય છે. તાજેતરમાં જે શીખ રાજકારણીઓ દેરા સચ્ચાના આશ્રમમાં લાઇન લગાવી રહ્યા છે તેમની સામે પણ અકાલ તખ્ત પગલાં લે તેવી સંભાવના રહે છે.
જે રામ રહીમની ગણતરી એક વખત ક્રિમિનલ તરીકે થતી હતી તેમની આજે પંજાબના તમામ રાજકીય પક્ષોને જરૃર પડી છે. પંજાબના ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ પણ તેમની મુલાકાત લઇ આવ્યા છે. દેરા સચ્ચા સૌદાએ જાહેર કર્યું છે કે જે રાજકીય પક્ષો પંજાબમાંથી નારી ભૃણની હત્યા, વ્યસનો અને ભ્રષ્ટાચારને દૂર કરવાનો સંકલ્પ કરશે તેને તેમનો ટેકો મળશે. દેરા સચ્ચા સૌદાના વડા ધર્મગુરુ રામ રહીમ સામે સીબીઆઇની તપાસ પણ ચાલી રહી છે, પણ વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસને પણ તેમના ટેકાની જરૃર હોવાથી સીબીઆઇને હળવે હલેસે કામ લેવાની સૂચના આપી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે દેરા સચ્ચાના વડા ધર્મગુરુ પોતાના આશ્રમમાં બેસીને વિવિધ પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ રહ્યા છે. આ ઇન્ટરવ્યૂના આધારે તેઓ કોને ટેકો આપવો તેનો નિર્ણય કરશે.
દેરા સચ્ચા સૌદા સંપ્રદાયના વડા ધર્મગુરુ રામ રહીમ પર એવો આક્ષેપ છે કે તેમણે ઇ.સ. ૨૦૦૨ની સાલમાં તેમના આશ્રમમાં રહેતી સાધ્વી ઉપર બળાત્કાર કર્યો હતો. આ સાધ્વીનો ભાઇ રણજિતસિંહ દેરાના આશ્રમમાં જ રહેતો હતો. તેણે વડાપ્રધાનને અને સીબીઆઇને પત્ર લખીને વિનંતી કરી હતી કે આ ઘટનાની તપાસ કરવામાં આવે. આ પત્ર લિંક થઇને રામ રહીમ પાસે પહોંચી ગયો હતો. ત્યારબાદ રામ રહીમના અનુયાયીઓ દ્વારા રણજિત સિંહની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. સીબીઆઇએ ઇ.સ. ૨૦૦૭ની સાલમાં રામ રહીમની ધરપકડ કરી હતી અને તેમને જામીન ઉપર છોડયા હતા.
રામ રહીમ પોતે પંજાબમાં નથી રહેતા પણ હરિયાણામાં આવેલા સિરસા ખાતેના આશ્રમમાં રહે છે. તેમની ઉપર બળાત્કાર અને હત્યાના સંગીન આરોપો છે તો પણ હરિયાણાની સરકાર દ્વારા તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. રામ રહિમ જ્યાં જાય ત્યાં બુલેટપ્રુફ કારમાં જાય છે અને સરકારી કમાન્ડો તેમની સાથે જ હોય છે. પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ પણ ભૂતકાળમાં રામ રહીમની મુલાકાત લઇ ચૂક્યા છે, પણ વર્તમાનમાં ચૂંટણી જાહેર થઇ તે પછી તેઓ સિરસા આવ્યા નથી. રામ રહીમના આશ્રમના સંચાલકોએ જાહેર કર્યું છે કે તેઓ હવે કોઇ રાજકારણીને એકાંતમાં નહીં મળે પણ તેમણે જાહેરમાં જ વાતચીત કરવી પડશે.
દેરા સચ્ચા સૌદા નામની સંપ્રદાયની સ્થાપના ઇ.સ. ૧૯૪૮માં બલૂચિસ્તાનથી આવેલા શાહ મસ્તાના નામના ધર્મગુરૃએ કરી હતી. સચ્ચા સૌદાનો અર્થ 'સાચો વેપાર' એવો થાય છે. આ સંપ્રદાયની સ્થાપના ગુરુ નાનક દેવના જીવનના એક પ્રસંગ પરથી કરવામાં આવી છે. આ કથા એવી છે કે ગુરુ નાનકના પિતાએ તેમને ૨૦ રૃપિયા 'ધંધો' કરવા માટે આપ્યા હતા. ગુરુ નાનકે આ ૨૦ રૃપિયામાંથી અનાજ ખરીદીને ગરીબોને ખવડાવી દીધું હતું. ગુરુ નાનકના પિતાએ જ્યારે હિસાબ માંગ્યો ત્યારે તેમણે કહ્યું કે સાચો ધંધો તેને કહેવાય જેમાં પરોપકાર હોય. દેરા સચ્ચા સૌદાના બીજા ધર્મગુરુ સતનામ સિંહજી મહારાજ હતા. તેમણે પોતાના સંપ્રદાયને તમામ ધર્મોના અનુયાયીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. દેરા સચ્ચા સૌદાના નિયમો મુજબ તેઓ રાજકારણમાં ભાગ લઇ શકતા નથી પણ તેમને કિંગમેકરની ભૂમિકા ભજવવામાં કોઇ વાંધો નથી.
ઇ.સ. ૧૯૯૦ની સાલમાં ગુરુમીત રામ રહીમ સિંહ દેરા સચ્ચા સૌદાના વડા ધર્મગુરુ બન્યા હતા. તેમના નેતૃત્વમાં દેરા દ્વારા સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૩ની સાલમાં સિરસા ખાતે મેડિકલ કેમ્પમાં ૧૨ કલાકમાં ૧૫,૪૩૨ લોકોનું રક્ત એકઠું કરીને તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. વેશ્યાઓના ઉધ્ધાર માટેની ઝુંબેશ પણ દેરા સચ્ચા સૌદાના આગેવાનો ચલાવે છે. આ ઝુંબેશ અંતર્ગત તેઓ પોતાના ભક્તોને વેશ્યાઓ સાથે લગ્ન કરવાની પ્રેરણા કરે છે. આ રીતે આશરે ૧૪૫૦ વેશ્યાઓનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. દેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ પંજાબ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા છે. આ ચાર રાજ્યોમાં તેમના કુલ અનુયાયીઓની સંખ્યા આશરે ચાર કરોડ કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.
ઇ.સ. ૨૦૦૭ની સાલમાં દેરા સચ્ચા સૌદાના વડા ધર્મગુરુ રામ રહીમ એક જાહેરાતમાં ગુરુ નાનકના વેષમાં દેખાયા હતા, જેને કારણે શીખ ધર્મગુરુઓ ઉશ્કેરાઇ ગયા હતા. તેમણે દેરાના વડાને લેખિત માફી માંગવા કહ્યું હતું. તેમણે માફી માંગવાનો ઇન્કાર કરતાં ઝનૂની શીખો દેરાના અડ્ડાઓ ઉપર તૂટી પડયા હતા. આ હિંસામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને આશરે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી અકાલ તખ્તે શીખ પ્રજાને રામ રહીમનો બહિષ્કાર કરવાનો આદેશ કર્યો હતો, જેને હજી સુધી પાછો ખેંચી લેવામાં આવ્યો નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુઓ અથવા કાયમી મિત્રો હોતા નથી. અકાલી દળના નેતાઓને જો લાગશે કે માલવા પ્રદેશમાં બેઠકો જીતવા માટે તેમને રામ રહિમના ટેકાની જરૃર છે તો તેઓ તેમની સાથે પણ સોદાબાજી કરતાં અચકાય તેમ નથી. ઇ.સ. ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં દેરા સચ્ચા સૌદાએ કોંગ્રેસને મત આપવાની અપીલ કરતાં માલવાના અકાલીઓના ગઢમાં ગાબડું પડી ગયું હતું તેમ છતાં તેઓ સત્તા ઉપર આવવામાં સફળ રહ્યાં હતાં. ૩૦ જાન્યુઆરીએ યોજાનારી આ વખતની ચૂંટણીમાં અકાલીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હોવાને કારણે માલવા વિસ્તારની બેઠકો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ સંયોગોમાં દેરા સચ્ચાના વડા ઉપર બળાત્કાર અને હત્યાના કેસો ચાલી રહ્યા છે એ વાત સગવડતાપૂર્વક ભૂલી જવા તમામ રાજકીય પક્ષો તૈયાર થઇ ગયા છે. ભારતની લોકશાહીની આ જ ઔસચ્ચાઇ છે.
- સુપાર્શ્વ મહેતા |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|