એકવાર ટોચ પર પહોંચી તરત જ ભોંયતળીયે પટકાવવામાં ટીમ ઇન્ડિયા માહેર છે. તેના મૂડમાં તીવ્ર ચઢાવ-ઉતારના તબકકાઓ સમયાંતરે આવે છે. ટીમ ઇન્ડિયાના દોનઘુ્રવી મિજાજને સાતત્યપૂર્ણ બનાવવા લાંબા ગાળાનું પ્લાનીંગ જરૂરી છે.
ગુજરાતી સાહિત્યની એક યાદગાર કાવ્ય પંક્તિ છે... ‘એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે; પલકમાં ઢળી પડે આથમણે...’
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરે આ કાવ્યગીત ગાયું છે. ભારતનો દરેક ક્રિકેટ રસીક અત્યારે આ કાવ્યગીત ગાય છે.
આ કાવ્યમાં એક રજકણની વાત છે. જે સૂર્ય બનવાના સ્વપ્નાં સાથે ઉડ્યું હતું. અને પળવારમાં આથમણે ઢળી પડ્યું. જ્યારે અહીં એક સૂર્યની વાત છે જે ચક્રવર્તી પદની ધાક જમાવવા વ્યક્તિગત રેકોર્ડ ધરાવતા અગિયાર ચુનંદા ઘુરંધરો સાથે મરણ પથારીએ પડેલા ને પાટુ મારવા ઓસ્ટ્રેલિયા ઉડ્યું હતું.
જૂના જમાનામાં રણમેદાને જતા યોદ્ધાઓને ભાટ-ચારણ-ગઢવી શૂરાતન ચડાવતાં શૌર્યગીત ગાતા અને આ શૌર્યગીતના જુસ્સામાં યોદ્ધાઓ કાંતો જીતીને આવતા કાં તો પછી રણમેદાનમાં ફના થઈ વતનની માટીમાં પાળીયા બની અમર થઈ જતા.
આઘુનિક જમાનામાં ક્રિકેટના મેદાને જતા આ શૂરવીરોને પાણી ચડાવવા ક્રિકેટ કોલમીસ્ટો, આલોચકો, મીડીયા એન્કર વગેરે વગેરે ઢોલ-નગારા-ત્રાંસા-શરણાઈ... વગેરે વગેરે વગાડીને કહેતા હતા કે સચીન ભગવાન ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં... પર્થમાં... એકસોમી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને ધૂંટણીયે પાડશે. સહેવાગ મેદાનની દસેય દિશામાં કાંગારૂઓને દોડતા કરી દેશે. દ્રવિડ-લક્ષ્મણ કલાકો સુધી બિચ્ચારી ઓસ્ટ્રેલિયન ટીમને પદાવશે. ઝહીર-ઇશાન્ત સ્વીંગ બોલીંગથી કબરમાં લટકતી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોફીન પર ખીલ્લા ઠોકવાનું કામ કરશે અને જાદુગર ધોની-સફેદીનો ચમકાર વારંવાર એમ પોકારતો ચારેય ટેસ્ટમાં કાંગારૂઓની ધોલાઈ કરી બિચ્ચારાઓનો વ્હાઈટવોસ કરશે.
આ મહારથીઓ કંઈ ગરબડ ન કરી બેસે એ માટે એમની ભૂતકાળની રમતના આંકડાઓ પણ વારંવાર બતાવાતા હતા અને બન્નેય ટીમની આંકડાઓમાં સરખામણી કરી ટીમ ઇન્ડિયા કેટલી બળવાન છે એ પુરવાર કરવામાં કોઈ કચાશ રખાઈ ન હતી. આટલું ઓછું હોય તેમ આ દિગ્ગજોના નામને વટાવી પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ વધારવામાં કોર્પોરેટ સેક્ટરોમાં પણ ગળાકાપ હરીફાઈ થઈ હતી.
આ બધી અને આટલી બધી તૈયારી તથા તમામ સંજોગો અનુકૂળ હોવા છતાં ટીમ ઇન્ડિયાએ તેની પુરાણી પરંપરા ચાલુ રાખી, વિજયનો ઉન્માદ ઓસરે તે પહેલાં તીવ્ર હતાશાની ગર્તામાં ધકેલાવાની. ટીમ ઇન્ડિયાના મૂડના આ ઉતાર-ચઢાવ એટલે કે મૂડ સ્વીંગ્સને બાયપોલર ડીસઓર્ડર સાથે સરખાવી શકાય.
બાયપોલર ડીસઓર્ડરમાં મૂડના બન્નેય ઘુ્રવોની વચ્ચે વ્યક્તિનો મૂડ ચઢ-ઉતર કર્યા કરે છે. એક ઘુ્રવ પર ઉન્માદની મનોસ્થિતિ હોય છે જેમાં વ્યક્તિ ખૂબ જ ક્રીયાશીલ થઈ જાય છે, તેને મોટા મોટા વિચારો આવે ચે, ઘ્યેયલક્ષી વર્તન તરફ સતત પ્લાનીંગ કરતો રહે છે, તેનામાં શક્તિનો તેજપૂંજ હોય છે તે આત્મવિશ્વાસથી છલોછલ થઈ દુનિયા તેની મુઠ્ઠીમાં હોય તેમ માનવા લાગે છે. તેનામં ગુરૂતાગ્રંથીનો વાસ થાય છે. આ મનોસ્થિતિ ધરાવતી વ્યક્તિ પોતે લાજવાબ છે તેમ માને છે. તેઓ હંમેશા અનહદ સફળતા, બેસુમાર સત્તા, બુદ્ધિચાતુર્ય, સુંદરતા, પ્રભાવ કે કોઈપણ ન કરી શકે તેવું કામ કરનાર પોતે એકલા જ છે એમ માને છે. તેઓ સતત ઘ્યાન ખેંચવાના અને પ્રશંસા પ્રાપ્ત કરવાના નુસ્ખાઓ અજમાવે છે, તેમની ટીકા કરવામાં આવે તો કાં તો બેઘ્યાન બની જાય છે અથવા ગુંગળામણ અનુભવી નાસીપાસ થાય છે. ક્યારેક તેઓ દુઃસાહસ કરી ગમે તેવા જોખમી વર્તનો કરે છે. તેમના મગજમાં વિચારો ઘોડાપુરની જેમ ધસમસતા હોય છે. તેમના ઘ્યેય ઘણાં ઉંચા હોય છે પરંતુ તેમનું ઘ્યાન તેમના ઘ્યેય પર કેન્દ્રીત થતું નથી.
બાયપોલર ડીસ ઓર્ડરમાં મૂડનો બીજો ઘુ્રવ હોય છે જેમાં વ્યક્તિનો એકાએક પાવર ફેઈલ્યોર થઈ જાય છે. સુપર-ડુપર ગણાતી વ્યક્તિ નિરૂત્સાહી થઈ જાય છે, તેઓ અનિર્ણાયકતાના શિકાર થઈ જાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. પોતે કોઈ કામના નથી તેવું માની નોકરીમાંથી રાજીનામું આપવાની કે નિવૃત્ત થવાની વાત કરે છે. તેઓ કોઈ સાથે વાતચીત કે ચર્ચા કરવાનું ટાળે છે. બને એટલો વખત એકલા જ રહે છે. નિષ્ફળતાનો ડર તેમને સતાવે છે. કંઈક ખરાબ થવાનું એવી ભીતિ તેઓને સતત થયા કરે છે. સતત બેચેની અને અજંપો ધરાવતા હોવાથી તેઓ તનાવપૂર્ણ રહે છે. સતત નકારાત્મક વિચારો, આળસુ અને નિષ્ક્રિય મનોવલણ, કોઈપણ કામમાં એકાગ્રતાનો અભાવ, કોઈપણ કામમાંતી રસ ઉડી જવો કે યંત્રવત્ કામ કરી છબરડા વાળવા અને આત્મઘાતી વિચારોને વર્તન કરવું એ મૂડના આ બીજા ઘુ્રવ એટલે કે ડીપ્રેશનની ખાસિયત છે.
બાયપોલર ડીસઓર્ડરથી પીડીત વ્યક્તિ મૂડના આ ચઢાવ-ઉતારમાં જ જંિદગી પસાર કરે છે. ક્યારેક તીવ્ર ઉન્માદ, ક્યારેક તીવ્ર હતાશા તો ક્યારેક મિશ્રિત લાગણી એ આ રોગની ખાસિયત છે.
હવે ટીમ ઇન્ડિયાની લાક્ષણિકતા ચકાસીએ. એકવાર ટોચ પર પહેંચી તરત જ ભોંયતળીયે પટકાવામાં ટીમ ઇન્ડિયા માહેર છે. તેની ક્રિકેટની રમત દોન-ઘુ્રવી છે... વિશ્વવિજેતાની ટોચ પર રમતનો ગ્રાફ લઈ જવો અને પછી સાવ કલબ કક્ષાનું ક્રિકેટ રમી ભોંયતળીયે પટકાવવું એ ટીમ ઇન્ડિયાની ઓળખ થઈ ચૂકી છે. મૂડસ્વીંગ્સ વાળી વ્યક્તિનો મિજાજ ક્યારે કેવો હશે તે ન કળી શકાય તેમ ઇન્ડિયા કયા દિવસે કેવું રમશે તેની કોઈ બાંહેધરી જ નહીં.
ટીમ ઇન્ડિયાનો ઉન્માદ વધતાં ક્યારેક તે આત્મવિશ્વાસથી છલોછલ લાગે છે. તેઓ લાજવાબ છે તેવું માનવા લાગે છે. લોકોનું ઘ્યાન ખેંચવા, પ્રશંસા પ્રાપ્ત કરવા કે પછી પૈસા કમાવા ગમે તે પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બની લાઈમ લાઈટમાં રહે છે. તેના મગજમાં વિચારો ઘોડાપુરની જેમ ધસમસતા હોય છે. તેમનું ઘ્યેય ઉંચું હોય છે. પણ ઘ્યેય તરફ કઠોર પરિશ્રમનો અભાવ હોય છે. રમતમાં એકાગ્રતા કે સાતત્યનો અભાવ જોવા મળે છે. મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટની આગલી રાત્રે પબમાં સુંદરીઓ સાથે કમર હલાવવાની વોર્મ-અપ કસરતો કરવાના જોખમ તેઓ ઉઠાવે છે અને ત્યાં તો એકોક પાવર ફેઈલ્યોર થઈ જાય છે.
મૂડના બીજા ઘુ્રવ તરફ તેઓ એકાએક પલટી મારે છે. કયો બોલ કેવી રીતે રમવો, કેવો શોટ મારવો એની સૂઝ-બૂઝ તેઓ ગુમાવી બેસે છે. અનિર્ણાયકતાના શિકાર બને છે. ખરાબ અને બેજવાબદાર શોટ્સ રમી ટપોટપ આઉટ થઈ જાય છે અને પછી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. પોતાની ભૂલનું પોસ્ટમોર્ટમ કરવાનું ટાળે છે. બેચેની અને અજંપા ભરી પરિસ્થિતિમાં બે મેચ વચ્ચેનો સમય તનાવપૂર્ણ મનોદશામાં ગાળે છે. એકબીજા સાથે પોતાના કે ટીમના ખરાબ પ્રદર્શન બાબતની ચર્ચા કરવાનું ટાળે છે. ક્યારેક એવું પણ લાગે કે તેમનો ક્રિકેટની રમતમાંથી રસ જ ઉડી ગયો છે. તેઓ ક્રિકેટ રમે છે તો પણ યંત્રવત્ અને પહેલા વાળ્યો હોય એવો છબરડો ફરી વાળી આત્મઘાતી રમત રમે છે. અરે હતાશાના ગર્તામાં ધકેલાયેલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન નિવૃત્તિની તારીખ પણ ચાલુ સીરીઝે જાહેર કરી દે છે.
બાયપોલર ડીસઓર્ડરમાં વ્યક્તિ મૂડના તીવ્ર ચઢાવ ઉતારમાં જંિદગી પસાર કરે છે તેમ ટીમ ઇન્ડિયાનો ઇતિહાસ પણ ભરતી ઓટથી ભરેલો છે. વર્લ્ડ કપ જીત્યા પછી ૧૯૮૩માં જ કાનપુર ખાતે કપિલદેવની આગેવાનીમાં તે સમયનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર ૬૭૬ રનનો બનાવ્યો હતો અને એ જ મેદાન પર બીજા દિવસે વન-ડે મેચમાં ટીમ ૭૬ રનમાં પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. સુનીલ ગાવસ્કર, કપિલદેવ, સૌરવ ગાંગુલી, સચીન તેંડુલકર રાહુલ દ્રવિડ કે પછી મહેન્દ્રસંિગ ધોની સહુ કોઈની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા મૂડ સ્વીંગ્સનો બાયપોલારીટીનો, દોન ઘુ્રવી રમત રમવાનો તેનો મિજાજ કે ખાસિયત સાતત્યપૂર્ણ સાચવી શકી છે.
મૂડમાં ચઢાવ ઉતાર અર્થાત્ મૂડ સ્વીંગ્સનો અનુભવ સહુ કોઈ કરે છે. મનોચિકિત્સા વિજ્ઞાનની દ્રષ્ટિએ મંદ ઉન્માદ પ્રકારનો સ્વભાવ અને વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ ગણાય છે. કારણ આવા લોકો આત્મવિશ્વાસ, કંઈક કરી બતાવવાની તમન્ના, ઘ્યેય સિદ્ધિ માટે કઠોર પરિશ્રમ કરવાની વૃત્તિ, ગમે તેવાં જોખમો ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. સફળ નેતા, અભિનેતા, ક્રિકેટર, પત્રકાર, તબીબ, એક્ઝીક્યુટીવ, સરકારી અધિકારી, બિઝનેસ, શેરબ્રોકર, કવિ, લેખક... વગેરે બની શકે છે. સફળતા તેમના કદમો ચૂકે છે.
મંદ ઉન્માદવાળું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિમાં આવી મનોસ્થિતિ તેમની સર્જનાત્મક શક્તિને ખીલવે છે. વિશ્વ વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાનગોગે તેમની વિશ્વ વિખ્યાત કલાકૃતિઓ ખાધા પીધા વગર દિવસ રાત જાગીને એક જ સીટીંગમાં પૂરી કરેલી છે. વિખ્યાત સાહિત્યકાર અર્નેસ્ટ હેમંિગ્વેએ તેની સાહિત્યકૃતિઓનું નિર્માણ મંદ ઉન્માદની અવસ્થામાં જ કર્યું હતું. આ જ હેમંિગ્વેનો ઉન્માદ વધી જતાં તે લોકો સાથે ઝઘડા કરતો તો ક્યારેક હતાશાની ગર્તામાં ધકેલાઈ જઈ રાઈટર્સ બ્લોક નો શિકાર બનતો તેની કલમ અટકી જતી.
અબ્રાહમ લંિકન, થીયોડોર રૂઝવેલ્ટ, બ્રોરીસ યેલ્તસીન, શ્રીમતી ઇન્દિરા ગાંધી, કિશોર કુમાર, રાજકુમાર વગેરે વગેરે લોકો મૂડસ્વીંગ્સના શિકાર હતા.
એ સ્ટડી ઓફ બ્રીટીશ જીનીયસમાં હેવલોક એલીસે ૧૦૩૦ ડેટલા ખ્યાતનામ યુગપુરૂષોના જીવન ચારિત્ર્ય પરથી એવું તારણ કાઢ્યું છે કે આ બધા જીનિયસ ભાવાત્મક ઉતાર ચઢાવ સાથે જીવ્યા હતા.
સંખ્યાબંધ સંશોધનોમાં પુરવાર થયું છે કે સર્જનશક્તિ ધરાવતા સફળ અને જીનિયસ લોકો વધારે પડતા લાગણીશીલ હોય છે અને તેઓ પોતાની જાતની સુરક્ષા કરવાની શક્તિ ધરાવતા નથી. તેઓ માત્ર બાહ્ય આઘાતો અને અંતરમનના આવેગો અને મનોસંઘર્ષોને પણ કાબુમાં રાખી શકતા નથી. એટલે મૂડની સમતુલા જાળવી શકતા નથી.
ટીમ ઇન્ડિયા જીનિયસ છે. પણ તેને ભાવાત્મક સ્થિરતાની જરૂર છે. ટીમ ઇન્ડિયાના મૂડની જૈવ રાસાયણિક ઘડીયાળ ને સમયસર ચલાવવી હોય, પરફોર્મન્સનું સાતત્ય જળવાવું હોય તો તેને ક્રિકેટ કોચીંગ જેટલા જ સમય માટે મુડસ્વીંગ્સ ને નિયંત્રિત કરવાનું કોચંિગ આપવું પડશે. આ માટે કોગ્નીટીવ બિહેવીયર થેરપી અને જરૂર પડે મૂડ સ્ટેબીલાઈઝર્સનો ઉપયોગ કરવાનો પણ ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિચાર કરવો પડશે.
અત્યારે તો ઇશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે કાગળ પર બળવાન દેખાતી ટીમ ઇન્ડિયામાં અદ્ભુત તાકાત છે. તેને અશક્યને શક્ય બનાવ્યું છે. આપણને કેટલાક યાદગાર વિજયો પણ અપાવ્યા છે, એ ટીમ ઇન્ડિયા હવે પછીની મેચ સાતત્ય પૂર્ણ રીતે રમી પોતાની આંતરિક તાકાત પ્રમાણે પ્રદર્શન કરવાની ક્ષમતા પાછી મેળવી લે. પણ હવે મૂડની આ બાયપોલારીટી ધરાવતી ટીમ ઇન્ડિયાને માનસિક રીતે મજબૂત બનાવવા તેના ઈમોશનલ ઇન્ટેલીજન્સ વધારવાના તથા મૂડના ચઢાવ ઉતારને નાથવાના લાંબાગાળાના પહલાં વિચારવા પડશે.
|