એ માટે તો એકબીજા ઉપર મનઘડંત આક્ષેપો જ કરવા પડે !
વીસ જાન્યુઆરી ‘ડિવોર્સ ડે’, છુટા પડેલાને તેમાંથી કળ વળે, ના વળે ત્યાં ‘નવી ગીલ્લી- નવો દાવ’ વાળો ‘વેલેન્ટાઇન ડે’ ચૌદ ફેબુ્રઆરીએ હાજર !!’
હમણાં રાષ્ટ્રીય યુવાદિવસ ગયો. આપણાં મનથી સત્તા ભૂખ્યા અને તનથી વૃદ્ધ એવા નેતાઓએ યુવાશક્તિને બિરદાવતા દે ઠોકમઠોક ભાષણો ઠોક્યાં ! બીજા દિવસથી પાછા, ‘યુવાનોને ખબર ના પડે. તેમને અનુભવ ન હોય. અમારા જેવા અનુભવીઓ (વૃદ્ધો) રીટાયર્ડ થઇ જાય તો દેશનું શું થાય ?’ વાળી માનસિકતામાં જીવવાનું ચાલું ! આ ‘દિવસો’ની ઉજવણી પશ્ચિમીઓએ ધૂસાડેલી એક જબરજસ્ત દંભી અને સગવડભરી વ્યવસ્થા છે. મા-બાપને મૂકી આવવાના વૃદ્ધાશ્રમમાં અને ‘મધર્સ-ડે’, ‘ફાધર્સ-ડે’ ના ચાળા કરવાના ! વ્યાપારીઓ પોતપોતાના ધંધામાં કમાણી કરવા આ આખી વ્યવસ્થાને ચગાવે છે અને પોતાના ખિસ્સા ભરી લે છે. ‘ફ્રેન્ડશીપ ડે’ એ દસ-વીસ પૈસાની દોરીઓને ફ્રેન્ડશીપ બેલ્ટનું નામ આપીને પંદર-વીસ રૂપિયામાં પધરાવાનાં ધંધાનું ટર્ન ઓવર કરોડોમાં છે !
છોડો, કકળાટનો અર્થ નથી, આ બઘું તો આમ જ ચાલ્યા કરશે. આમ તો આજે આ વાત એટલે યાદ આવી કે વીસમી જાન્યુઆરીએ ‘ડીવોર્સ ડે’ હતો ! પશ્ચિમીઓના લગ્નજીવનમાં આખું વર્ષ ગમે તેવું જાય પણ ક્રિસમસની રજાઓ સારી જવી જોઈએ. જીવનસાથી અને બાળકો સાથે ! જો યુગલ ક્રિસમસમાં અપેક્ષિત એકબીજાને કે પોતાના કુટુંબને હૂંફ આપવામાં નિષ્ફળ જાય તો તેમના છૂટા પડવાની શકયતાઓ ખૂબ વધી જાય. બ્રિટિશ નિષ્ણાતોનો મત છે કે સૌથી વઘુ છૂટાછેડાની અરજીઓ જાન્યુઆરી માસમાં દાખલ થાય છે. વેકેશન પતે, બાળકોની શાળાઓ રેગ્યુલર થાય, વકીલોની સલાહ લઇને કાગળો થાય ત્યાં સુધીમાં લગભગ વીસ જાન્યુઆરી થઇ જાય એટલે વીસ જાન્યુઆરીએ ‘ડિવોર્સ-ડે’ -છે ને મારા બેટાઓ એકદમ મેથોડીકલ !! બસ, એકાદ-બે વર્ષમાં આપણે ત્યાં આ ટ્રેન્ડ આવી જશે. લાગતા-વળગતાઓ સ્વઉત્કર્ષ અને ધંધાર્થે આ દિવસ ચગાવશે. લગ્નજીવનમાં અસંતોષને લઇને તૂટુ તૂટુ થઇ રહેલા યુગલોમાં ફાઇનલ બાંયો ચઢાવવાનું જોમ આવી જશે - ‘બોસ, આ વખતે તો ‘ડીવોર્સ ડે’ના દિવસે ફેંસલો પાડી દેવો છે. (આમેય પચ્ચીસ દિવસ પછી ‘વેલેન્ટાઇન ડે’ આવે જ છે ને, નવા સાઉલ મેટ’ !!)
જ્યારે જ્યારે છૂટાછેડાની વાત આવે છે ને ત્યારે ત્યારે મને છૂટાછેડાની અરજીમાં પતિ-પત્ની દ્વારા એકબીજા ઉપર કરવામાં આવતા સ્ટાન્ડર્ડ આક્ષેપોની વાત કરવાનું મન અચૂક થાય છે. ખરેખર સાચું હોય કે ના હોય, છૂટાછેડાની અરજીમાં અમુક આક્ષેપો કરવાનો શિરસ્તો છે જેમ કે, પતિ ઉપર દહેજની માંગણી. નામર્દાનગી, વ્યસન, મારઝૂટ કરવી, માનસિક ત્રાસ આપવો, શંકાશીલતા વગેરે આક્ષેપો લગાવી જ દેવાના. સ્ત્રી ઉપર ચાલ-ચલગત ખરાબ હોવી, જાતીય ઠંડાપણું, ઘર ન સંભાળવું, વૃદ્ધ માતાપિતાને તરછોડવા, આત્મહત્યાની ધમકીઓ આપવી વગેરે આક્ષેપો લગાડવા જ પડે અને તો જ છૂટાછેડાનું ‘ગ્રાઉન્ડ’ તૈયાર થાય ! પતિ-પત્ની એમ કહે કે મારો જીવનસાથી આમાંનું કંઈ નથી કરતો/તી, અમારે તો વિચારો નથી મળતાં. તો વકીલસાહેબ ખખડાવી નાખે કે જલદી છૂટાછેડા જોઇતા હોય તો આવું બઘું લખવું જ પડે ! વિચારો ના મળતા હોય તો મેળવવાના, આ કંઈ છૂટાછેડાની અરજીનો આધાર (ગ્રાઉન્ડ) ના બની શકે ! આવનારા વર્ષોમાં છૂટાછેડાની અરજીમાં થતાં મનઘડંત આક્ષેપોમાં એક વઘુ આક્ષેપ ઉમેરાય તો નવાઇ નહીં અને એ એ છે કે ‘તેને કાયમની શરદી રહે છે.’ તમને એમ થશે કે કાયમી શરદી અને છૂટાછેડાને શું લેવાદેવા ? આજે નથી પણ આવતીકાલે ચોક્કસ થશે, પણ કેવી રીતે ?
ડૂબતા લગ્નજીવનને બચાવવાના પ્રયાસમાં એટલાન્ટાની એક યુનિવર્સિટીના સંશોધકોએ એક ‘સ્પ્રે’ વિકસાવ્યાનો દાવો કર્યો છે. ‘ઓક્સીટોસીન’ નામનો અંતઃસ્ત્રાવ ધરાવતું આ ‘સ્પ્રે’ સુંઘવાથી વ્યકિતના મનમાં પ્રેમની સરવાણી ફૂટશે ! આ સંશોધકોનું માનવું છે કે છૂટાછેડા તરફ જઇ રહેલા યુગલો કાઉન્સેલંિગની સાથે સાથે તેમની આ દવા સુંઘશે તો એકબીજા પરત્વે પ્રેમ જન્મશે અને તેમનું જોડાણ મજબૂત બનશે, સરવાળે છૂટા પડવાની શકયતાઓ ઘટશે. હવે તમે જ કહો કાયમી શરદીવાળાને તો સૂંઘવાની’ય બબાલ. કંઇ સૂંઘાડીને પણ પ્રેમ ન જન્માવી શકાય. થયું ને છૂટાછેડા લેવા માટેનું સબળ કારણ !? વકીલસાહેબ એક દલીલ કરશે કે ‘લગ્નજીવન બચાવવા ‘સ્પ્રે’ પણ સુંઘાડયું, પણ અમારા અસીલના જીવનસાથીને તો કાયમની શરદી રહે છે એટલે હવે તો અમારી છૂટાછેડાની અરજી માન્ય રાખીને છુટકારો અપાવો.’
અલ્યા સુંઘવા- બુંઘવાથી થતો પ્રેમ લગ્ન બચાવવા કરતાં બીજા કામમાં વપરાય (‘વાયગ્રા’ ની જેમ !) બાકી, લગ્ન તો એકમેકની સમજ, ઉષ્મા, લાગણીઓ, સન્માન, વિશ્વાસ, નિષ્ઠા, વચનબદ્ધતા વગેરે વચ્ચે પ્રાંગરતો અને ટકી રહેતો સંબંધ છે. એમાં આવું એમાં કંઇ સુંઘવા-બુંઘવાથી કંઇ દા’ડા ન વળે. અને વળે તો’ય આવી કૃત્રિમતા કયાં સુધી આનંદ કે સંતોષ આપે ? સરવાળે તો વીસમી જાન્યુઆરીઓની જ રાહ જોવી પડે અને તેમાંથી કલ વળે, ના વળે ત્યાં ચૌદમી ફેબુ્રઆરી (‘વેલેન્ટાઇન ડે’) હાજર !!
પૂર્ણ વિરામ ઃ
ગઈકાલના પ્રેમીઓ ઃ હાથમાં ગુલાબ, હૈયામાં પ્રેમ અને મગજમાં ઉન્માદ !
આજના પ્રેમીઓ ઃ હાથમાં મોબાઈલ, હૈયામાં ઘડી-બે-ઘડીનો પ્રેમ અને મગજમાં ગણતરીઓ !
આવતીકાલના પ્રેમીઓ ઃ હાથમાં ઇન્હેલર (પ્રેમ જન્માવતું ‘સ્પ્રે’) હૈયામાં સ્ટેમ સેલ અને મગજમાં સેક્સ વધારતી ચીપ્સ !! |