ભગવાનની પૂજામાં વપરાતી હોય એવી વનસ્પતિ ઔષધ તરીકે પણ વપરાય છે. આવી વનસ્પતિ આડઅસર કર્યા વિના સુંદર પરિણામ આપે છે અને રોગ મટાડે છે. આવી પવિત્ર વનસ્પતિને દિવ્ય વનસ્પતિ કહેવાય છે. દિવ્ય વનસ્પતિમાં અગ્રસ્થાને આવે છે કેસર. આયુર્વેદમાં કેસર સ્વતંત્ર રીતે તથા યોગોમાં પણ વપરાય છે. કેસરવાળા યોગો અદ્ભુત પરિણામ આપે છે. હાલમાં કેસર મોંધુ હોવાથી સામાન્ય વ્યક્તિને પોસાતું નથી. આજથી લગભગ ૧૦ વર્ષ પહેલાં રૂ. ૭૦ હજારે કીલોગ્રામ હતું. આજે આશરે ૨ લાખની આસપાસ ભાવ છે. મોંધુ હોવાથી ભેળસેળ થતી હોય છે. ભેળસેળવાળા કેસરથી બનાવેલ ઓષધ ચમત્કારીક અસર કરતું નથી. આથી સામાન્ય માણસને કેસર અને આયુર્વેદ તરફ શ્રઘ્ધા ઓછી થાય છે.
કેસરને અંગ્રેજીમાં સેફ્રૉન કહે છે. કાશ્મીર અને સ્પેનનું કેસર ઉત્તમ ગણાય છે. કાશ્મીરનું રતાશ પડતું અને સ્પેનનું આછું પીળું આવે છે. ઇરાનમાં સારુ કેસર થાય છે. આ ઉપરાંત ફ્રાંસ, ઈટલી, ગ્રીસ, ચીન વગેરે દેશોમાં ખેતી થાય છે. કેસર પાચક ભૂખ લગાવનાર, રૂચિકર, વેદનાસ્થાપક, સંગ્રાહક, કામોત્તેજક, વર્ણ્ય, કૃમિધ્ન, શિરોરોગ મટાડનાર, ત્રણેય દોષોને હણનાર છે. અન્ય દેશોમાં કેસરની ખેતી કરવાના પ્રયત્નો થાય છે, પણ પૂરતી સફળતા મળતી નથી.
કેટલાક ધર્મના સાધકો અને અનુયાયીઓ સુખડ અને કેસર મેળવી અને ઘસીને ચાંદલો કપાળમાં પુજા વખતે કરે છે. એટલે એના સ્પર્શ અને સુગંધથી ચિત્ત અને મગજ પ્રસન્ન અને સ્થિર રહે છે. જેથી ભક્તિમાં તન્મય થવામાં મદદરૂપ થાય છે. એક એકર જમીનમાંથી કેસર ૫ થી ૬ કિલો મળે છે. સારા કાશ્મીરી મોગરા કેસરની એક કિલોની કંિમત દોઢથી બે લાખ રૂપિયા છે. કેસરની અછત અને વપરાશ વધવાથી કંિમત પણ વધતી જાય છે. આજથી બેત્રણ વર્ષ પહેલાં કેસર આશરે ૧ લાખ રૂપિયે કિલો મળતું હતું. કાશ્મીરમાં કેસરનું મુખ્ય માર્કેટ છે અને ત્યાંથી દેશ પરદેશમાં કેસર પહોંચતું કરવામાં આવે છે. પરદેશમાં ખાસ કરીને દક્ષિણ યુરોપમાં કેસર વિશેષ થાય છે. સ્પેન, ફ્રાન્સ, ઈટાલી, ગ્રીસ, તુર્કી વિગેરે દેશોમાં ઉત્પન્ન થતું કેસરનું માર્કેટ મુંબઈમાં છે.
કેસર પણ ભેળસેળથી બચ્યું નથી. કેસરના ફૂલમાંથી બારીક તાંતણા બનાવી રંગ ચડાવી કેસર સાથે મેળવવામાં આવે છે. મકાઈના ડોડાની મૂછો રંગીને એને અને કેસરના ફૂલમાં પીળા રંગના પૂંકેસરના તાતણાં હોય છે એને પણ મેળવવામાં આવે છે. પાતળા કાગળમાંથી બારિક તાતણા બનાવી લાલ રંગથી રંગી કેસર સાથે મેળવી સાચા કેસરના ભાવે વેચે છે. કેસર ભેળસેળવાળું છે કે કેમ એની પરીક્ષા અનેક રીતે થાય છે. એમાં વિશ્વાસપાત્ર એક પરીક્ષા જોવામાં આવી છે.
કેસરના બે-ત્રણ તાતણા પાણી ભરેલા કાચના ગ્લાસમાં નાખવા. સાચા કેસરમાં પુરુષ શુક્રના કીટાણું જેવા ગોળ માથું, પાતળું શરીર અને પૂંછડી દેખાય છે. બનાવટી કેસરમાં ફક્ત પાતળા દોરા જેવો આકાર દેખાય છે. આ પરીક્ષા સહેલી અને તુરત જ થઈ શકે તેવી છે. આ સિવાય અસલી કેસર સ્પિરીટમાં નાખવાથી સ્પિરીટ રંગીન થાય છે પણ કેસર એનો રંગ બદલતો નથી. આ ઉપરાંત કેટલીક લેબોરેટરીઓમાં થતાં ટેસ્ટ પણ છે.
નીચે આપેલા અનુભુત યોગ ખૂબ જ અકસીર માલુમ પડે છે.
પુરુષોની જાતીય નબળાઈ ઃ કેસર ૧ ભાગ, સફેદ મૂસળી ૧ ભાગ, જાયફળ ૧ ભાગ, જાવંત્રી ૧ ભાગ લઈ બારીક ચૂર્ણ કરી નાગરવેલના પાનના રસની ભાવના આપી, ચણોઠી જેવડી ગોળીઓ બનાવવી. આમાંથી ૧ સવારે અને એક સાંજે સાકરવાળા દૂધ સાથે લેવી અને પથ્ય ખોરાક લેવો. આ પ્રયોગ નિયમિત કરવાથી શરીરમાં ઓજ ક્રાંતિ વધે છે. શારીરિક અને જાતીય નબળાઈ દૂર થાય છે. પાચનક્રિયા સુધરી સપ્તધાતુ વધે છે.
સ્ત્રી રોગ પર ઃ ઉપર બતાવેલ ગોળી સ્ત્રીઓ પણ લઈ શકે છે. સવાર-સાંજ એક ગોળી સાકરવાળા સાધારણ ગરમ દૂધ સાથે લેવી. જમ્યા પછી બપોર અને સાંજે અશોકારિસ્ટ ચાર ચમચી અર્ધાકપ પાણીમાં ઉમેરી લેવો. માસિક પ્રવૃત્તિ વખતે દુઃખાવો થતો હશે તો મટશે. માસિક ખુલાસાવાર આવશે. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધશે. પિત્તજન્ય વિકારવાળાએ ચિકિત્સકની સલાહ મુજબ કેસર લેવું.
આધાશીશીમાં ઘી, કેસર અને સાકર મેળવી થોડું ગરમ કરી એકરસ કરવું. ઠંડુ થયા પછી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશીનો દુઃખાવો મટે છે, પછી પથ્ય ખોરાક સાથે પથ્યાદિ કવાથ શરૂ રાખવાથી કાયમી સારું થાય છે.
- શાંતિભાઈ અગ્રાવત
|