
જ્યારે લગ્નની મોસમ જામે ત્યારે તેની સાથે સંકળાયેલા તમામ પ્રકારનાં ભાત ભાતનાં બજારો, ફેશન, વસ્ત્રો, મેકઅપ, આભૂષણો, ડેકોરેશન, કેટરીંગ, મ્યુઝીક, હોલ, કાર્ડ બધાની પણ મોસમ છલકે! દુલ્હા, દુલ્હન આ અનેરા પ્રસંગના મુખ્ય હીરો, હીરોઈન કહેવાય. એમના સાજ, શણગાર પણ આગવા જ હોય.
પલટાતા સમય સાથે લગ્ન ટાણે નવા નવા ટ્રેન્ડ જોવા મળે છે. સગાઈથી માંડીને લગ્ન, હનીમૂન હવે તો બઘું વિશિષ્ટ આયોજનબદ્ધ થવા લાગ્યું છે વળી નવીનતાપૂર્ણ કલાત્મક થીમ સાથે! દરેક વ્યક્તિ પોતપોતાની આગવી રીતે અનોખા દેખાવા ભાતભાતમાં નુસખાઓ ટીપ્સ દ્વારા હંમેશાં પ્રયત્નશીલ રહે જ છે. ખરીદી, મેરેજ અંગેના સ્પેશ્યલ શો, વિશેષ અનુભવી મેકઅપ આર્ટીસ્ટ દ્વારા જ હાઈ ડેફીનેશન મેકઅપની જાણકારી હોય તેવા જ લોકો પાસે કામ કરાવવું જરૂરી છે. ગે તેવા લપેડાથી કેમેરામાં મેકઅપની ભૂલો ફટાક દઈને પકડાશે. નવવઘૂનાં શણગારમાં પહેલા ૬૦ના દશકની અભિનેત્રી જેવા લુક અંગેની ફેશન માર્કેટમાં જામી હતી. ત્યારબાદ વેસ્ટર્ન લૂકનો જમાનો આવ્યો. હવે ફેશન બજારમાં હાઈપફ સાથે ખુલ્લા વાળની અનેક સ્ટાઈલ જોવા મળે છે. પહેલા હેર એસેસરીઝમાં બંને બાજુ ચાર, ચાર ચેન અને કપાળ પર વચ્ચે મોટું પેન્ડન્ટ પહેરવાની ફેશન હતી. હવે દામડીમાં એક માત્ર બોર જ હોય તેવી ફેશન આવી છે. લગ્નની વિધિમાં પહેરાતા કલાત્મક મહોડીયા પણ ‘‘મીની’’ એડીશનમાં બનતા થયા છે. મહેંદી રસમમાં હાઈપફ સાથે વાળને પાછળથી બાંધી દેવામાં આવે છે. જેથી વારંવાર વાળ ચહેરા પર ન આવે. સંગીતસંઘ્યામાં ડીઝાઈનર ચોટલા, ખુલ્લા વાળ અને તેમાં ડાયમંડની સેર અદ્ભુત લાગે છે.
દુલ્હન મેકઅપ અંગે વિચારતા નેચરલ લુક મેકઅપનો ટ્રેન્ડ સ્વીકાર્ય છે. વધારે પડતો ચોકી, થપેડાયુક્ત મેકઅપ હવે સ્વીકારાતો નથી. લગ્ન અને ‘ભવાઈ’ મેકઅપ વચ્ચેનો ભેદ લોકો સમજતાં થયા છે. હજુ પણ મેકઅપ જ્ઞાન અંગે જાગૃતિ ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે નેચરલ લુકમાં જે રીતે કરાતી હોય તે રીતમાં હેર સ્ટાઈલ અને ફ્રન્ટમાં નેચરલ લુક આપીને વાળ પાછળથી ઉપર બાંધવાની ફેશન હાલ ચાલે છે. સાથે સાથે લોન્ગકર્લર્સ સાથે ખુલ્લા વાળ રાખવાની શૈલી પણ જાણીતી છે. ફ્રન્ટ હેર સ્ટાઈલ પ્રસંગ પ્રમાણે થવી જરૂરી છે.
હાઈડેફીનેશન મેકઅપના યુગમાં ઝીણવટભર્યો આંખોનો મેકઅપ પણ ખૂબ મહત્વનો બનવા લાગ્યો છે. બ્લશરને હાઈલાઈટ કરવાની પ્રક્રિયામાં પણ જાગૃતિ અને નવીનીકરણ આવ્યું છે. ચહેરો અતિ રંગબેરંગી ન દેખાય તે બાબતે મેકઅપ ડીઝાઈનર જાગૃત રહે છે. લગ્નની મોસમમાં હવે દરેક ક્ષેત્રે ટેકનોલોજીમાં આવેલ ફેરફાર તેની ફેશનમાં, નવીનતામાં નવો અંદાજ આપે છે.
- સવિતા તુષાર |