| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
જીવનમાં સ્વયંશિત અને વિવેક અનિવાર્ય |
જેમ જેમ ઇલેકટ્રોનીક સાધનોનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ગ્રાહક પણ ઇલેકટ્રોનીકની ઝડપથી સેવા માંગતો થઈ ગયો છે. પરિણામે ઘણા ગ્રાહકો અસહિષ્ણુ બની જાય છે. પહેલાના જમાનામાં ફોન કરવા માટે ફોનનાં ડાયલ ધુમાવવા પડતા હતા. આંગળીઓ દુઃખી જાય તેવા ફોન અને મોંઘા ફોન કોલને કારણે ગ્રાહક વિચારીને ફોન કરતો હતો. આજે મોબાઈલ ઉપર ઝડપથી અને કંિમત ઘણી ઓછી હોવાથી ગ્રાહક સેવા પામવા વારંવાર ફોન કરતો હોય છે પરિણામે મોટા ભાગની કંપનીઓ કોલ સેન્ટરોનો આશરો લેવા લાગ્યા છે. ઘણા કોલ આવતા હોવાથી ઘણી વખત ગ્રાહકને થોડો સમય રોકાવું પડતું હોય છે પણ તે રોકાવા તૈયાર હોતો નથી. જ્યારે જ્યારે તેને સેવા થોડી મીનીટ પણ મોડી મળે તો ગુસ્સે થઈ જાય છે. કોલ સેન્ટરોમાં કાર્ય કરતા યુવક યુવતીઓને આવી પરિસ્થિતિમાં વારંવાર મુકાવું પડે છે પરિણામે તેઓ પણ હતાશા અનુભવવા માંડે છે અને તેમના વર્તનમાં તેની અસર થવા માંડે છે. ઝડપથી સેવા મેળવવાના સ્વભાવને કારણે માનવી ઘણી વખત વિનયવિવેક પણ ગુમાવી દેતો હોય છે. પરંતુ માનવી અને કોમ્પ્યુટર અથવા મોબાઈલ વચ્ચે ઘણો મોટો ભેદ છે. કાઉન્ટરની પાછળ બેઠેલો માનવી કોઈ ગુગલ-સર્ચ નથી કે તે એટલી ઝડપથી સેવા આપી શકે કે જવાબ આપી શકે. તેણે વિચાર કરીને, પ્રશ્નને સમજીને જવાબ આપવાનો હોય છે, માટે એને થોડો સમય આપવો પડતો હોય છે પણ ઇન્ટરનેટની ઝડપથી ટેવાયેલ ગ્રાહક માનવી પાસે પણ એમ જ ઝડપની આશા રાખે છે માટે આજે મોલના કાઉન્ટરો ઉપર, ઓફિસોના કાઉન્ટર ઉપર ઘણા ગ્રાહકો બબડતા જોવા મળે છે.
આપણે ભણતર વધારતા જઈએ પણ સાથે સાથે રીતભાત અને વિનય ગુમાવતા જઈએ છીએ. ફેસબુક ઉપર વિનયભરી ભાષામાં ચેટ કરનાર માનવી વાસ્તવિકતાની વાતચીતમાં કર્કશતાથી વાત કરતો થઈ ગયો છે. ફેસબુક ઉપર બીજા દેશોમાં મિત્રો બનાવનાર વ્યક્તિને પોતાની જ સોસાયટી અથવા ફલેટની વ્યક્તિ સાથે ભાગ્યે જ પરિચય હોય છે. આવા સમયે જીવન એકલવાયું બનતું જાય છે. અને અવાસ્તવિક દુનિયામાં જીવતો થઈ જાય છે. પરિણામે વ્યવહારમાં ઉષ્મા અને પ્રેમભર્યું વર્તન ગુમાવતો જાય છે. માટે જ આજની મોટાભાગની ઓફિસોમાં માનવીઓ પોતાના લેપટોપ અથવા મોબાઈલ સાથે સંકળાયેલ હોય છે પરંતુ પોતાના સાથી કર્મચારીની તકલીફ સમજવાનો તેની પાસે ભાગ્યે જ સમય હોય છે.
દરેકને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે પરિણામે ઓફિસોમાં એક પ્રકારનો તનાવ કર્મચારીઓ ઉપર હાવી થઈ જતો હોય છે. આ તનાવ પણ તેમને ઘણી વખત ક્રોધિત કરે છે અને સંસ્થાઓમાં સંઘર્ષમય વાતાવરણ બની જતું હોય છે જે ખરેખર ટાર્ગેટ પૂરો કરવા માટે વધારે મુશ્કેલી ઊભી કરે છે.
ઘણી વખત કર્મચારીને પોતાની નોકરી એટલા માટે ગુમાવવી પડતી હોય છે કારણ કે તે ઇન્ટરનેટ અને મોબાઈલ ઉપર કામના નામે સમય બરબાદ કરતો હોય છે આ પણ એક પ્રકારની વિનય વિહીનતા છે. કામના સમયે ઇન્ટરનેટ ઉપર વીડીયો જોવા, પર્સનલ ઈ-મેલ કરવા, ફોન ઉપર વ્યક્તિગત વારંવાર મેસેજ મેળવવા અને મેસેજ કરવા, વારંવાર મિત્રોના અથવા કુટુંબીજનોના મોબાઈલ ઉપર ફોન રીસીવ કરવા અથવા કામના નામે અર્થવિહીન મોબાઈલ કર્યા કરવા એ પણ એક પ્રકારની કામચોરી છે. ફોન ઉપર ઇન્ટરનેટની સગવડને કારણે ઘણા કર્મચારીઓ ટેબલ ઉપર ફાઈલ અને પોતાના ખોળામાં મોબાઈલ ઉપર ઇન્ટરનેટ સર્ફીંગ કરતા હોય છે. દરેક વ્યક્તિનું સતત સુપરવીઝન શક્ય નથી. આવા સમયે કર્મચારીએ પોતાને જ પોતાની ફરજ સમજવાની હોય છે પરંતુ સસ્તા મનોરંજનનું આકર્ષણ એટલું બઘું હોય છે કે પોતાની ફરજ યોગ્ય રીતે નીભાવતો નથી. પરિણામે નોકરી ગુમાવવાનો વારો આવે છે. પરંતુ આ કર્મચારી ભૂલી જાય છે કે ખરેખર તે પોતાની જ કારકિર્દીને પોતાની જાતે જ નુકસાન કરતો હોય છે.
કોમ્પ્યુટર અને મોબાઈલે માનવને ઝડપનો ગુલામ બનાવી દીધો છે જે આજે મોટા ભાગના શહેરોના રોડ ઉપર જોવા મળે છે. વિનય વિવેક ફક્ત ઓફીસ અથવા ઘરમાં જ દર્શાવાતો હોતો નથી. એની જરૂર દરેક જગ્યાએ હોય છે. રોડ ઉપર ડ્રાઈવીંગના વિવેકના અભાવે આજે દરેક શહેરમાં ટ્રાફીકની સમસ્યા વધતી જ જાય છે. દરેક કહે છે કે લોકોમાં ડીસીપ્લીન નથી પણ દરેક જણ તેનો ક્યાંક ને ક્યાંય ભંગ કરતો જ રહે છે. તે જ પ્રમાણે દરેક વ્યક્તિ મોબાઈલ વિનય બીજામાં જોવા મળતો નથી એમ કહેતો હોય છે પણ તે જ વ્યક્તિ ક્યાં ને ક્યાંક મોબાઈલ વિનય ભંગ કરતો જ હોય છે. પરિણામે દરેક જગ્યાએ તેની આડઅસરો જોવા મળે છે.
‘સોરી’ અથવા ‘થેન્ક યુ’નો વારંવાર ઉપયોગ કરવાથી વ્યક્તિ વિનયી બની જતો હોતો નથી. બીજાને તકલીફ થશે એવું જાણ્યા પછી તેવું વર્તન કરવું અને પછી ‘સોરી’ કહેવું એ જ મોટો અવિનય છે. શાણી વ્યક્તિ જાણીને બીજાને તકલીફ પહોંચે, ખલેલ પહોંચે અથવા અપમાનિત થાય તેવું વર્તન કરતો નથી અને એવું વર્તન ના જ થવું જોઈએ એવું સ્વીકારીને જ જીવતો હોય છે.
ગ્રાહક અને કર્મચારી એકબીજાના સહારે જ હોય છે તે દરેક વ્યક્તિને ખબર છે માટે જ ગ્રાહકે ધીરજ રાખવાની અને કર્મચારીએ પ્રમાણિકતાથી અને કાર્યદક્ષતાથી પોતાની ફરજ બજાવવાની હોય છે. જ્યાં બંને વ્યક્તિઓ એક બીજા માટે વિનય જાળવે તેમાં જ સમાજની શાન છે. - રોહિત પટેલ |
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|