
હાથની તાકાત જ્યાં ઉપચાર છે... હસ્તરેખા ત્યાં બધી લાચાર છે !! - કવિ સૌમ્ય
(ગતાંકથી ચાલુ)
‘તને શ્રીમંતનો કોઈ છોકરો પસંદ નથી ?’ ધનવંતરાય શેઠનો આ સવાલ એકવાર નહિ, એકાવન વાર એમની લાડલી દીકરી અનુભૂતિના કાને અથડાઈ ચૂક્યો હતો... શેઠ ધનવંતરાય વજનદાર માણસ ગણાતા હતા. સમાજમાં એમનું વજન ભારે હતું. ને અનુભૂતિની આ હઠ સમાજમાં ચર્ચાનો વિષય પણ બની ગઈ હતી.
કેટલાક કહેતા હતા ઃ ‘શેઠ સાચા છે !’
કેટલાક કહેતા હતા ઃ ‘અનુભૂતિ સાચી છે !’
પછી પાછો પાયાનો સવાલ આવીને ઊભો રહેતો ઃ ‘પણ કેમ ?’
‘કારણ કે શેઠનું સ્ટેટસ ખૂબ ઊંચું છે. એમના બંગલામાં આવીને શોભે એવો જમાઈ તો જોઈએ ને ? ગામડામાં કર્મકાંડ કરીને માંડ પેટિયું રળી ખાતો માણસ શેઠ ધનવંતરાયનો વેવાઈ શી રીતે બની શકે ? શેઠનાં માન ઊંચાં છે, શેઠનાં કામ ઊંચાં છે ને શેઠનો દમામ ઊંચો છે. ગામડાના ગરીબ વિપ્રનો શેઠને ત્યાં ગજ જ ન વાગે !’ એક પક્ષ ‘પણ કેમ ?’ ના જવાબમાં દલીલ કરે છે.
‘અરે, એમ તે હોતું હશે ? અનુભૂતિની પસંદગીને શા માટે પ્રાધાન્ય ન અપાય ? લગ્નમાં શું પૈસો મહત્વનો છે ? સંબંધ બાંધવામાં ગરીબ-અમીરના ભેદ જોવાય ખરા ? પૈસો જોવાય કે પ્રેમ ? શું આર્થિક સ્થિતિ જ જમાઈ તરીકેની લાયકાતનો એક માત્ર માપદંડ છે ? જ્યાં દિલ જ ના પાડતું હોય ત્યાં અબજોપતિના દીકરાને શું કરવાનો ? આત્મા કહે તેની સાથે જ સંબંધ બંધાય. શ્રીમંત દીકરા સાથે મન વગર લગ્ન કરીને અનુભૂતિએ તો આજીવન આગમાં જ જલ્યા કરવાનું ને ?’ બીજો પક્ષ દલીલો કરતો.
અનુભૂતિ ખોટી છે.
ના, શેઠ ધનવંતરાય ખોટા છે.
હવે તો સમાજમાં પણ આ વાત જ જુદા જુદા સ્વરૂપે કહેવાતી ઃ ‘વિપ્ર એટલે વિપ્ર... એમાં એના આર્થિક સ્તરની વાત ક્યાં આવી ?’
રોજ રોજની વાતો.
રોજ રોજની એક જ દલીલો.
અનુભૂતિના કાન આ બધી વાતો સાંભળીને પાકી ગયા હતા... મારી વાત જ કોઈ વિચારતા જ નથી ? મેં જેને ચાહ્યો છે, એની સાથે જંિદગી કેમ ન જોડી શકું ? ના, પપ્પા કહે છે એમ કદી નહિ બને. મેં સંજોગને ચાહ્યો છે. મેં સંજોગને ઓળખ્યો છે. મેં એને ધનથી નહિ, જ્ઞાનથી ઓળખ્યો છે. મેં એને સ્થિતિથી નહીં, એની આત્મસમૃદ્ધિથી ઓળખ્યો છે. મેં પૈસો નહિ, પ્રેમ જોયો છે... મારા આત્મા પર માત્ર અને માત્ર સંજોગના નામનો જ રંગ ચઢી ગયો છે !
બેય મળે છે.
‘અનુભૂતિ...!’
‘સંજોગ !’
‘તારા પપ્પા-’
‘પપ્પાની ચંિતા ન કર, સંજોગ ! એ જરૂર માનશે.’
‘ક્યારે ?’
‘સમયને આવવા દે.’
શેઠ ધનવંતરાય જિદ્દી છે. એમ કોઈની વાત માને તેવા નથી. પકડી વાત છોડે તેવા નથી. ‘મારું કહ્યું થવું જ જોઈએ’ એવી માન્યતા એમને વળગી છે. ગાઁઠ વળાઈ ગઈ છે. ગાંઠ છૂટતી નથી.
‘હવે હું શું કરું ?’
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી એકાંત મિલનમાં સંજોગે અનુભૂતિને પ્રેમભર્યા સ્વરે કહ્યું.
‘તું ઘણું કરી શકે છે.’
‘પણ શું ?’
‘એક કામ કરીશ ?’
‘શું ?’
‘તું આઈ.એ.એસ.ની પરીક્ષા પસાર કરી દે... પછી જોયું જશે ! બોલ કરીશ ?’
‘જેવી મેડમની મરજી. અમારું ક્યાં કશું ચાલે છે ? તમારો શબ્દ, અને અમારું એક્શન...’
‘તો મારા પ્રસ્તાવને મૂકી દે એક્શનમાં...’
‘ભલે ! પણ તું ?’
‘હું ય એ જ માર્ગે... તારો માર્ગ, એ મારો માર્ગ...’
‘તો ચાલો, વગાડી એ ફતેહના ડંકા...’
એક છોકરો...એક છોકરી.
એક યુવાન.. એક યુવતી.
બેઉ જણાં કરી બેઠાં ગજવેલ જેવો સંકલ્પ... બસ, આઈ.એ.એસ. થવું છે... કારકિર્દીને નવી ઉંચાઈ આપવી છે. એ દિવસની પાણીદાર પ્રતીક્ષા કરવી છે, કે જે દિવસે શેઠ ધનવંતરાયનું અકડું માથું. ‘હા...’ કહીને નમતું હોય ! બે ય કારકિર્દી ઘડવાના કામમાં ડૂબી જાય છે.. સખત મહેનત કરે છે. ગહનતાને સ્પર્શવા મથે છે... સપનાં રચે છે... મહેનત રંગ લાવેલ છે ને પરિણામ ?
સંજોગ. આઈએએસની પરીક્ષામાં અવ્વલ આવે છે.
અનુભૂતિય આઈએએસ થઈ જાય છે.
- ને આખરે ગામડા ગામનાં તદ્દન ગરીબ, કથાવાર્તા કે કર્મકાંડ દ્વારા પેટિયું રળી ખાતા, માટીના સાધારણ ખોરડામાં રહીને ય તુલસી ક્યારે હર સવારે દીવો પ્રગટાવવા, સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્રનો ગુંજારવ કરતાં વિપ્ર મા-બાપનો છોકરો કલેક્ટર બની જાય છે... કલેક્ટર તરીકે જિલ્લા મથકે તેની નિમણૂંક થાય છે..
હવે ?
આઈએએસ થયેલી અનુભૂતિ શેઠ ધનવંતરાયને અર્થાત્ પોતાના ધનના ગુમાનમાં રાચતા તાતશ્રીને પૂછે છે ઃ ‘પપ્પા, હવે ?’ ધનવંતરાય થોડીવાર મૌન રહે છે... આખાય સમાજના નક્શા પર એમના મનની નજર ફરી વળે છે ઃ સમાજમાં કલેક્ટર થયો હોય એવો બીજો કોઈ નથી. આ પ્રથમ યુવાન છે ? શ્રીમંત પુત્રો જરૂર છે, પણ બાપના પૈસાથી અંજાઈ ગયેલા બાઘા જેવાય છે ! સંજોગ જ એવો છે કે જે તેજતર્રાર દિમાગવાળો છે, કારકિર્દીની અધધધ ઊંચાઈ પ્રાપ્ત કરી છે એણે. અને પ્રથમવાર શેઠના મનમાં વિચારોની આંધી ઊઠી ઃ ‘મારી જીદમાં મેં ભૂલ તો નથી કરીને ? કદાચ એમ જ થયું છે...’ એમણે નવેસરથી વિચારવા માંડ્યું. પત્ની મનકુંવર સાથે ચર્ચા કરી લીધીને દીકરીના માથે હાથ મૂકીને એમણે કહી દીઘું, ‘જા બેટી, તારી ઇચ્છા પ્રમાણે જ થશે.’
લગ્ન થઈ ગયાં.
પતિ-પત્ની બંને ય વહીવટી ઊંચાઈવાળા મદ પર સ્થાપિત થયાં હતાં. છતાં બે ય વચ્ચેના પ્રેમા દરિયામાં ક્યારેય ઓટ આવી નથી. મહોબતનો મહેરામણ ઉછાળા મારે છે... પ્રેમનો પ્રતિઘ્વની સતત ઊઠે છે. સમાજમાં આ બે નામોની ચર્ચા આદરપૂર્વક થાય છે ઃ ‘વાહ, અનુભૂતિ અને સંજોગે તો સમાજનું મસ્તક વહેંત ઊંચું કરી દીઘું !’
‘નામ રોશન કરી નાખ્યું સમાજનું.’
‘તો કરો બે ય નું સન્માન.’
ને બે ય જણાંએ પ્રાપ્ત કરેલી ઉચ્ચત્તમ સિદ્ધિઓને નવાજવા માટે સમગ્ર સમાજ દ્રઢનિશ્ચયી બને છે. વિશાળ હોલમાં સન્માન-સમારંભ ગોઠવાય છે... હારતોરા થાય છે. સન્માનપત્ર અપાય છે. સન્માન સમારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સી. કે. મજુમદાર ઉર્ફે કવિ સૌમ્ય પણ પધાર્યા છે. પોતાના પ્રવચનમાં કવિ સૌમ્ય હસીને કાવ્યકંડિકાઓ રજુ કરે છે ઃ
હાથની તાકાત જ્યાં ઉપચાર છે !
હસ્તરેખા ત્યાં બધી લાચાર છે !
(કથા બંિદુ ઃ દાનાભાઈ બી. પઢાર, ચાળવા)
|