| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
કતલ ક્યાં થઈ? કતલ કોની થઈ? કાતિલ કૌન? પ્રશ્નોનો જવાબ નથી
નર્મદા કેનાલમાંથી માથું તથા હાથના પંજા કાપી નાંખેલી યુવકની મળેલી લાશનું રહસ્ય આજે ય અકબંધ રહ્યું...!! |
| ક્રાઇમવોચ - જયદેવ પટેલ
|
અમદાવાદ શહેરના નરોડાના પતિ-પત્નીએ મૃતક યુવાન પોતાનો પુત્ર હોવાનો દાવો કર્યો ઃ ફોરેન્સીક સાયન્સ લેબ.માં ડી.એન.એ. ટેસ્ટ કરવા છતાં ઓળખ ના થઈ
ખૂન તથા પુરાવાના નાશનો ગુનો આજેય પોલીસ તપાસમાં પડકારરૂપ બની રહ્યો છે
ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના કડી પોલીસ મથકમાં એક અજાણ્યા યુવકની દર્દનાક ઘાતકી હત્યા તથા પુરાવાનો નાશ કરવાના નોંધાયેલ ગૂનાનો ભેદ આજદિન સુધી હજુયે અકબંધ રહ્યો છે. આ કમનશીબ યુવક કોણ હતો? કયા સ્થળે તેની હત્યા કરવામાં આવી? તેના જાલીમ હત્યારા કોણ હતા? છેલ્લે હત્યા પાછળનો ઈરાદો કે મકસદ શું હતા? આ બધાં મુંઝવી રહેલા પ્રશ્નોનો તાગ મેળવવા સ્થાનિક પોલીસની સર્વ દિશા તથા સંભવિત શક્યતાઓ વચ્ચે જારી રહેલી સઘન તપાસ છતાંયે તેના કોઈ જ જવાબો સાંપડી શક્યા નથી.
સહુથી દુઃખદ તથા આઘાતજનક હકીકત તો એ છે કે હત્યાનો ભોગ બનેલ યુવક પોતાનો હોનહાર કુળદીપક હતો તેવો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના પતિ-પત્ની કરી રહ્યા છે. હાલના તબક્કે તો આ વ્યથિત માતા-પિતા પ્રત્યે પોલીસ સહાનુભૂતિ દાખવીને તેમને ધીરજ ધરવા આશ્વાસન બંધાવવાની કોશિશ કરી રહી છે. આ યુવકની ઓળખ પ્રસ્થાપિત કરવા પોલીસે ગુનો સંશોધનની છેલ્લામાં છેલ્લી આઘુનિક પઘ્ધતિનો આધાર લઈને જહેમતભરી તપાસ જારી રાખી છે... પરંતુ આજેય બદનસીબ યુવક પોલીસ માટે બેનામ બની રહ્યો છે અને તેના ઘાતકી હત્યારા ગુમનામ બની ગયા છે. કડી પોલીસની તપાસ માટે પડકારરૂપ બની ગયેલ આ સનસનાટીભરી ઘાતકી હત્યાની કહાણી અત્રે પ્રસ્તુત કરી છે.
કડી પોલીસ મથકની હદના કરણનગરની સીમમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. ગત તા. ૨જી નવેમ્બરના રોજ આ કેનાલના ‘વાય’ જંક્શનના ધસમસતા જલપ્રવાહમાં કોઈની લાશ તરી રહી હોવાનો પોલીસને સંદેશો મળ્યો હતો. આ સાથે જ કડી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અલ્પેશ રાજગોર તેમના સ્ટાફને સાથે લઈને કેનાલ ઉપર આવી પહોંચ્યા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડ સ્ટાફ તથા કુશળ તરવૈયાની મદદથી લાશને જળપ્રવાહમાંથી મહામહેનતે બહાર કાઢીને કિનારા ઉપર લાવવામાં આવી ત્યારે તેની ખૌફનાક અવદશા નિહાળીને પોલીસ પાર્ટી પણ સ્તબ્ધ તથા હતપ્રભ બની ગઈ હતી.
લાશનું માથું તથા બન્ને હાથના પંજા ધારદાર હથિયારથી જાલીમ હત્યારાએ કાપી નાંખીને માત્ર ધડને કેનાલમાં પધરાવી દીઘું હતું. દિવસો સુધી પાણીમાં પડી રહેવાથી લાશ ભયાનક કહી શકાય તેટલી હદે ફોગાઈને વિકૃત બની ગઈ હતી. લાશની પાંસળીના ભાગમાંથી નાના-નાના શંખલા તથા છીપલા મળી આવ્યા હતા. યુવકના શરીર ઉપર માત્ર જીન્સ પેન્ટ હતું. આ સિવાય ધડ નગ્ન હાલતમાં હતું. યુવકની બેરહમીપૂર્વક કતલને આખરી અંજામ આપનાર ઘાતકી હત્યારાઓએ લાશને કેનાલમાં ફેંકી દેતા પહેલા બન્ને પગ કાથીની દોરીથી બાંધી દીધા હશે તેનો નિર્દેશ પૂરો પાડતો કાથીની દોરીનો ટુકડો એક પગમાં બાંધેલો જોવા મળ્યો હતો. યુવકના ફદફદી ગયેલા શરીરમાંથી ક્યાંય લોહીનું ટીપું સરખુંયે મળ્યું ન હતું. આ અજીબોગરીબ હત્યાના ગુનાની પ્રાથમિક તપાસમાં સહાયભૂત બની રહેવાના આશયથી પોલીસ ઈન્સ્પેક્ટર અલ્પેશ રાજગોરે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા કડી હૉસ્પીટલના ડૉક્ટર બકુલભાઈને કેનાલ ઉપર બોલાવી લીધા હતા. પંચનામા વગેરેની કાનૂની વિધિ પૂરી કર્યા બાદ કડી પોલીસ મથકમાં આ બનાવ અંગે ઈ.પી.કો. કલમ ૩૦૨ એટલે કે ખૂન તથા કલમ ૨૦૧ હેઠળ પૂરાવાના નાશનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ ભયાનક એવી હત્યાના આ ગુનામાં કદાચ કોઈ મહત્ત્વની કડી મળી આવે તે આશયથી તપાસ અધિકારીએ પોસ્ટમોર્ટમ કરાવવા લાશને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં રવાના કરી હતી. જ્યાં બી.જે. મેડીકલના નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં આ અજાણ્યા યુવકને બેથી ચાર સપ્તાહ પહેલા મોતને ઘાટ ઉતારી દઈને લાશને કેનાલમાં પધરાવી દેવામાં આવી હશે તેવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે યુવકની ભાળ મેળવવા માટે નર્મદા કેનાલના બન્ને કિનારા ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. એટલું જ નહીં મહેસાણા તથા ગાંધીનગર જીલ્લા ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ તંત્રના પોલીસ મથકોમાં ગુમ થનાર વ્યક્તિઓની કરવામાં આવેલી જાહેરાતોની નોંધની વિગતો એકત્રિત કરી હતી. તેમજ સમાચાર માઘ્યમો તથા ટેલિવિઝન દ્વારા આ ઘટનાની પ્રસિઘ્ધિ કરાવી હતી. આ કડી પોલીસે યુવકની ઓળખ મેળવવા શરૂ કરેલા સઘન પ્રયાસોમાં મદદરૂપ થઈ શકાય તેવો કોઈ જ આધાર સાંપડી શક્યો ન હતો. આવી પરિસ્થિતિમાં પોલીસે પણ યુવક તેના જાલીમ હત્યારા કોણ હશે તેનો તાગ મેળવવા માત્ર તર્ક-વિતર્કોમાં અટવાઈને જે કાંઈ માહિતી મળે તેને નજર સમક્ષ રાખીને તપાસનો દોર જારી રાખ્યો હતો.
પોલીસ માટે આ ગૂનાની તપાસ દિવસો પસાર થવાની સામે પડકારરૂપ બની ગઈ હતી ત્યારે જ એક ઘટના બની ગઈ હતી. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા શાહ કિશનભાઈ નામના એક સજ્જન કડી પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને તપાસ અધિકારી અલ્પેશ રાજગોરને મળીને આ લાશ કદાચ પોતાના રહસ્યમય સંજોગોમાં ગૂમ થયેલ યુવાન પુત્ર મિતેશ (ઉ.વ. ૧૯)ની હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
એક મહિનાથી ગૂમ થયેલા પોતાના પુત્રની શોધખોળ ચલાવીને થાકી-હારી ગયેલા પિતા કિશનભાઈએ પોલીસને માહિતી આપતા ઉમેર્યું હતું કે - તેમના પુત્ર મિતેશ કલોલ તાલુકાના ભોયણ ગામે યુનિવર્સલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તા. ૧૧-૧૧-૨૦૧૧ના દિવસે કોલેજમાં પરીક્ષા હોવાથી તે ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો. આ પછી તે પાછો નહીં ફરતાં અમે ચંિતિત બન્યા હતા અને નરોડા પોલીસ મથકમાં મિતેશ ગૂમ થયાની નોંધ ઠરાવી હતી. અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે - કદાચ હત્યાનો ભોગ બનેલા યુવકના નામ-ઠામનો પત્તો મળી જાય તેવી આશાથી પોલીસે સિવિલ હોસ્પીટલના કોલ્ડરૂમમાં લાશને જાળવી રાખવાની વ્યવસ્થા કરી હતી. આથી પોલીસ મથકના કર્મચારી સાથે કિશનભાઈને અત્રેની સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં માથુ તથા બન્ને હાથના પંજા વગરની પડેલી લાશનું ભયાનક દ્રશ્ય નિહાળીને કિશનભાઈ તથા તેમની સાથેના કેટલાક સ્વજનો પણ હેબતાઈ ગયા હતા. માથાનો ભાગ જ ગાયબ હોવાથી આ સહુ માટે પણ ઓળખાણ પ્રસ્થાપિત કરવાનું કાર્ય અત્યંત કઠીન બની ગયું હતું. મૃતક યુવકે પહેરેલ જીન્સ પેન્ટ પોલીસે કિશનભાઈને બતાવ્યું ત્યારે તેમણે આવું જ પેન્ટ તા. ૧૧મી નવેમ્બરના દિવસે કોલેજ જતાં મિતેશે પહેર્યું હતું તેવી ભારપૂર્વક રજુઆત કરી હતી. આથી વીસ-વીસ દિવસોથી પોલીસ માત્ર અનુમાનોમાં અટવાતી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો કરી રહી હતી તેના માટે કાંઈક આશાનું કિરણ જાગ્યું હતું. પરંતુ કોલેજ જતાં મિતેશે આવું જ જીન્સ પેન્ટ પહેર્યું હતું તેવી વાત કરવાથી ઓળખની કાર્યવાહી પરીપૂર્ણ થઈ જતી નથી તેનો પોલીસને પણ પૂરેપૂરો ખ્યાલ હતો.
આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પોલીસ ઈન્સ્પેક્ટર એ. રાજગોરે ગુના સંશોધનની છેલ્લામાં છેલ્લી ટેકનિક એટલે કે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. કિશનભાઈ શાહ તથા તેમની પત્નીના લોહીના નમૂના મેળવીને પોલીસે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ સાથે જ સિવિલ હોસ્પીટલમાં કોલ્ડ રૂમમાં સાચવી રખાયેલી યુવકની લાશમાંથી હાડકાનો એક ટુકડો કાઢીેને તેને પણ ન્યાય સહાયક પ્રયોગશાળા (એફ.એસ.એલ.)માં મોકલી આપ્યો હતો. હવે પોલીસ પ્રયોગશાળાના અહેવાલની કાગના ડોળે રાહ જોઈ રહી હતી. પરંતુ જ્યારે અહેવાલ મળ્યો ત્યારે યુવકની ઓળખ હવે મળી જશે તેવી પોલીસની અપેક્ષાને વઘુ એક આંચકો લાગ્યો હતો.
ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં લાશના હાડકાનો જે ટૂકડો પોલીસે મોકલ્યો હતો તેના આધારે લોહીના નમૂના સાથે ‘મેચંિગ’ કરવું કઠીન હોવાનો રીપોર્ટ મળ્યો ત્યારે પોલીસ પણ ફરી પાછી આટાપાટામાં અટવાઈ ગઈ હતી. હવે શું કરવું? આ પ્રશ્ન પોલીસ માટે કોયડા સમાન બની ગયો છે. આમ છતાં લાશની અવશ્ય ઓળખ થઈ શકશે તેવી આશા પોલીસે હજુ ગૂમાવી નથી. આથી નવેસરથી ડી.એન.એ. ટેસ્ટ કરવાની તપાસ અધિકારીએ એફ.એસ.એલ.ને ફરી એકવાર વિનંતી કરી છે. સાથે જ લાશનું બીજું હાડકું તથા કેટલાક અવયવ મોકલી આવ્યા છે.
જ્યારે આ આશા ફળીભૂત થાય તેવી આશાથી એક મહિનો વીતી જવા છતાંયે પોલીસે હજુ લાશને હોસ્પીટલના કોલ્ડરૂમમાં જાળવી રાખી છે. પોલીસના આ સઘળા પ્રયાસોમાં સફળતા સાંપડશે કે નહીં? આ પ્રશ્નનો જવાબ હવે માત્ર સર્વ શક્તિમાન પરમેશ્વર પાસે જ કદાચ હશે... કારણ કે વિશ્વભરમાં આ અગાઉ પણ રહસ્યમય હત્યાના ઢગલાબંધ બનાવો બની ચૂક્યો છે. જેમાં મૃતક કે પછી કાતિલની ક્યારેય ઓળખ થઈ શકી નથી. હાલ તો આ કાવ્ય પંક્તિ પર્યાપ્ત છે -
કતલ કી કઈ ઐસી કહાનીયા હુઈ હૈ ।
જીસમેં મરનેવાલોં કી કભી પહચાન ન હુઈ હૈ ।।
કતલ કી વજહ ક્યા થી? કીસી કો નહીં માલૂમ ।
ગૂમનામ કાતિલોં કી કહીં પર મહેફિલે સજી હુઈ હૈ ।।
નોંધ ઃ- ભલભલા હૈયાને ઘડીભર માટે હચમચાવી મૂકે તેવી આ ભયનાક હત્યાની ઘટનાને ૫૦-૫૦ દિવસો પસાર થઇ ગયા. સિવિલ હોસ્પીટલના કોલ્ડરૂમમાં પોલીસે કદાચ ઓળખ થઇ જશે તેવી આશા સાથે લાશને જાળવી રાખવાની વ્યવસ્થા કરી. સાથે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની મદદ મેળવી. એફ.એસ.એલ. દ્વારા ડી.એન.એ. ટેસ્ટના એકવારના પરીક્ષણમાં પોલીસને નિરાશા સાંપડી. આથી પ્રોયગશાળાના સૂચન મુજબ મૃતક યુવકના હાડકાનો વઘુ એક ટૂકડો પોલીસે મોકલી આપ્યો. આ યુવક પોતાનો ગૂમ થયેલ પુત્ર જ હોવાનો દાવો કરી રહેલા નરોડા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીના પરીક્ષણ માટે મેળવેલા નમૂના સાથે આ બીજીવારના પરીક્ષણમાં સામ્યતા જણાતી માહિતી પ્રયોગશાળાના સૂત્રો દ્વારા પોલીસને પ્રાપ્ત થઇ હોવાની તપાસ અધિકારીએ માહિતી આપવા સાથે કહ્યું હતું કે- અમે એફ.એસ.એલ.ના ફાઇનલ રીપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. છેલ્લાં પચાસ દિવસોથી હોસ્પીટલના કોલ્ડરૂમમાં સાચવી રાખવામાં આવેલી લાશની અંતિમ સંસ્કાર વિધિનો માર્ગ હવે મોકળો બચી જશે. એટલું જ નહીં યુવકના ગૂમ થવાથી લઇને છેલ્લાં ૭૦-૭૦ દિવસોથી બેફિકરાઇથી મોજમસ્તી માણી રહેલા અસલી કાતિલ કોણ હતા તેમને શોધી કાઢવાનો રસ્તો પણ કાંઇક અંશે સરળ બની જશે...!!!
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|