છાને છપને ધારા સાથે લગ્ન કરી લઇશ તો તારી જંિદગી બહુ બૂરી તરેહથી ડિસ્ટર્બ થઇ જશે. તારો સંસાર માત્ર ‘કજિયા ઘર’ બનીને રહી જશે!
અનન્ય દીકરા, ધારા સાથે લગ્નનો વિચાર તારા મનમાં આવ્યો, એનો અર્થ એ થયો કે તારા દિમાગમાં વિકૃતિઓએ જન્મ ધારણ કરી લીધો છે!
પંડિતજી,
મારું નામ અનન્ય છે. મારી ઉંમર ૪૭ વર્ષ છે. હું પરિણીત બે સંતાનોનો પિતા છું. હું ટૂંકા પગારને કારણે સાઇડમાં નાનકડો ધંધો કરું છું. પત્ની પ્રેમાળ અને સંસ્કારી છે. જીવનમાં હું ખુશ છું... તમને થશે કે તો પછી સમસ્યા શી છે?
બન્યું એવું કે આજથી પાંચ વરસ પહેલાં મારા જીવનમાં એક સ્ત્રીનું આગમન થયું તે વિધવા છે ને એક સંતાનની માતા છે. હું જ્યાં ધંધો કરતો ત્યાં તે રહે છે. તે મને દરરોજ જોયા કરતી. પણ હું બેખબર હતો પણ અચાનક એક દિવસે ફોન કરીને એણે મને જણાવ્યું કે ઃ ‘હું તમને ચાહું છું.’ આમ આટલા વરસે કોઇ ઓચંિતુ આમ કહે તે મારી કલ્પનામાં જ આવતું નથી. પણ બન્યું તે હકીકત છે. મેં તેને કહ્યું કે ઃ ‘મેડમ, હું પરણેલો છું. ને બે બાળકોનો પિતા છું.’ તેણે કહ્યું કે ઃ ‘તમે મને ચાહો કે ન ચાહો પણ હું તમને ચાહું છું તમારા માટે મારા દિલમાં પ્રેમ ક્યારેય ઓછો નહિ થાય.’ બસ, આમ તે ફોન કરતી રહી. ને હું તેની સાથે વાતો કરતો રહ્યો.
ને બન્યું એવું કે આમ વાત વાતમાં જ હું પણ તેને ચાહવા લાગી ગયો. હવે તેનો ફોન ન આવે તો હું બેચેન બની જતો. અને તેના ફોનની રાહ જોયા કરતો. તે ક્યારેય મળવાનું કહેતી ન હતી. એટલે એક દિવસે મેં જ તેને હંિમત કરીને મળવાનું કહ્યું. ને અમે બંને એક ગેસ્ટહાઉસમાં મળ્યાં. લગભગ છ કલાક અમે વાતો કરી. મને મનમાં હતું કે નાની ઉંમરની વિધવા છે એટલે કદાચ સેક્સ માટે મને ચાહતી હશે.. પણ પંડિતજી, તમે માનશો? એણે આવું કંઇ જ ન કહ્યું. ને મેં પણ એને સ્પર્શ સુઘ્ધાં ન કર્યો. પછી લગભગ છ સાત મહિનાના અંતરે અમે આમ એકાદવાર મળતાં. પણ અમે ક્યારેય એકબીજાને સ્પર્શ કર્યો નથી. માત્ર મિલન.. માત્ર વાતો. હું મનમાં વિચારતો કે એ કહે તો શારીરિક સુખ માણીએ. પણ આવું કશું જ બન્યું નહિ. એ મને અઠવાડિયે એકાદવાર ફોન કરતી. પછી તો મારો ધંધો બંધ થઇ ગયો.. એટલે એકબીજાને જોવાનું પણ મહિના સુધી ન બનતું. એ ફોન કરીને રડતાં રડતાં કહેતી કે ઃ ‘અઠવાડિયે- દસ દિવસે એકાદવાર તમારું મોઢું બતાવો તો સારું.’ બસ, આનાથી વિશેષ યાચના એણે મારી પાસે કરી નથી.
મારી પાસે કંઇ જ માગ્યું નથી.
મિલ્કતની વાત કરું તો તે કદાચ મારા કરતાં વધારે ધનવાન છે. એટલે પૈસા માટે મને પ્રેમ કરે છે એવો મારો ભ્રમ પણ ભાંગી ગયો. પણ પંડિતજી, હવે હું એના વિના રહી શકતો નથી. ધારા- હા, એનું નામ ધારા છે. ધારા વિના મારે જીવવું પણ અઘરું છે. આ કળિયુગમાં આવો સાચો અને નિઃસ્વાર્થ પ્રેમ કદાચ બીજે ક્યાંય જોવા ન મળે. પણ મેં આવો અલૌકિક પ્રેમ જોયો છે, અનુભવ્યો છે. પંડિતજી, હું ધારાને મારી પત્ની બનાવવા માગું છું. પણ મારી પત્નીને આ વાત હું કેવી રીતે જણાવું? હું બંનેમાંથી કોઇનેય અન્યાય કરવા માગતો નથી. હું એવા ધર્મસંકટમાં આવી પડ્યો છું કે મને કોઇ રસ્તો જડતો નથી. પંડિતજી, તમે જ મને જે સાચો હોય તે માર્ગ બતાવો.
ૃ- અનન્ય
અનન્ય, એક વાત શરૂઆતમાં જ તને કહી દઉં કે જો ધારા જ તારી સમક્ષ લગ્નની પ્રપોઝલ મૂકતી નથી, તો તું શા માટે એની સાથે પરણવા માટે થનગની રહ્યો છે? તું કહે છે કે પત્નીથી હું સંતુષ્ટ છું, પત્ની પ્રેમાળ અને સંસ્કારી છે. સંસાર વાડીમાં બે ફૂલ પણ તમારા પ્રસન્ન જીવન બાગને મહેકાવી રહ્યાં છે. જો આટલું સુખ છલકાતું હોય તો, એક પરાયી વિધવા સ્ત્રીની પ્રપોઝલ ન હોય ત્યારે ૪૭ વરસે પોતાની જાતે જ તું લગ્નના લાડવા વાળવા બેસી જાય, ત્યારે દોષ કોને દેવો? ધારાએ એવી કશી જ ચેષ્ટા કરી નથી કે આછકલાઇ પણ બતાવી નથી. તો પછી એને લઇને ગેસ્ટહાઉસના રૂમમાં છ-સાત કલાક ગાળવાની શી જરૂર હતી? ઝેરનાં પારખાં ન હોય, અનન્ય! ઝેર એ ઝેર છે. હા, એક યુવાન રૂપાળી વિધવા ઓરતના રૂપાળા બદનનો નશો તને ચઢવા લાગ્યો છે. વ્યસનના નશાનું મારણ હોય, પણ સ્ત્રી દેહના ખેંચાણનું કોઇ મારણ નથી. છતાં દીકરા, તેં તારા હાથ ધધકતી આગમાં નાખવાની ચેષ્ટા કરી છે.
જોકે ધારાના પક્ષે પણ મારે સાચી વાત જણાવવી જોઇએ. એ વિધવા છે, એક બાળકની માતા છે, ને મનમાં પુરુષ સંસર્ગની ઝંખના જાગતી હોય તો ‘હું તને માત્ર ચાહું છું’ એવા નિર્દોષ પ્રેમના પતંગો ઉડાડવાના બદલે કોઇ વિઘુર કે ડીવોર્સી પરુષ સાથે પુનર્લગ્ન કરી લેવાના પ્રયાસો કરવા જોઇએ. સ્ત્રી-પુરુષનો એકાંતિક પ્રેમ ક્યાં સુધી નિર્મલ રહી શકે? તારી વાત કર. ગેસ્ટહાઉસોનાં એકાંતોમાં રહ્યા પછી તારા મનમાંય એને જીવનસાથી બનાવવાના કોડ ક્યાં નથી જાગ્યા?
દોસ્ત તું ગમે તેટલી સુફિયાણી વાતો કરે ને ગમે તેટલી શુઘ્ધ અને સાચા પ્રેમની દુહાઇઓ દે, છતાંય તારી નજર તો એના યુવાન તનને માણવાની દિશા તરફ જ દોડી રહી હતી! ને ધારા?
ધારાએ માત્ર આગ પાસે ઊભા રહેવાનું જ કર્યું નથી. આગ સાથે રમત કરવાનું પણ કર્યું છે. જ્યાં સાચો પ્રેમ હોય, માત્ર અને માત્ર ચાહ્યા કરવાનું હોય ત્યાં ગેસ્ટહાઉસોના એકાંત મિલનોની જરૂર ખરી? કાં તો તું કશુંક છુપાવે છે, કાં તો સાચી વાતને તું શબ્દોના વાઘા પહેરાવી રહ્યો છે! વળી તું લખે છે કે તું પત્ની અને ધારા એ બેમાંથી કોઇને અન્યાય કરવા માગતો નથી. વાહ! ધારા સાથે લગ્ન કર્યા પછી તારી પત્નીને તું ન્યાય શી રીતે આપી શકીશ? ને એક પત્ની હયાત હોવા છતાં ધારા સાથે તું લગ્ન કેવી રીતે કરીશ?
બેટા અનન્ય, મને તારા પત્રમાં નરી બાલિશતા લાગે છે... ધારા સાથે લગ્નનો વિચાર તારા મનમાં આવ્યો, એનો અર્થ એ થયો કે તારા દિમાગમાં વિકૃતિઓએ જન્મ ધારણ કરી લીધો છે ને છતાંય તું આંધળુકિયાં કરીને ધારા સાથે છાને-છપને લગ્ન કરી લઇશ તો તારી જંિદગી બહુ બૂરી તરેહથી ડિસ્ટર્બ થઇ જશે ઃ મનની શાંતિ ચાલી જશે. તારો સંસાર માત્ર ‘કજિયા ઘર’ બની જશે ને એક વાત કહું? ધારા હોય કે બીજું કોઇ, પણ તારે શા માટે તારી પ્રેમાળ પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓને ન્યાય કરવાનો ઈજારો રાખવો જોઇએ? ધારાને તો બોલવા દે, બેટા! કદાચ તારા પ્રભાવથી તારી પત્નીને તું ચૂપ કરી દઇશ, પણ એને અન્યાય કરી બેઠેલા મનને તું કેવી રીતે ચૂપ કરી શકીશ?
એક જ ઉપાય છે.
ધારાને મન ખોલીને સાચી સલાહ આપ. એના કોઇ અન્ય પુરુષ સાથે પુનર્લગ્નનો માર્ગ મોકળો કર. તું સમજાવ. સાચો પ્રેમ હશે તો એ તારી વાત જરૂર સ્વીકારશે. હા, એના પુનર્લગ્ન પછી તું એ દિશા તરફ કદી મુખ પણ ન ફેરવતો. ઓલ ધ બેસ્ટ. |