Last Update : 25-Jan-2012,Wednesday
 

આત્મવંચનાનો અર્થ ગુગલમાં નહિ મળે

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

વાત એવા લોકોના દર્દની, જે ‘આપણી’ દુનિયાના નથી


વતનમાં ધીખતી ધરા થઈ હોય ત્યારે માણસ ક્યાં જાય? આ હિસાબે હિઝરત કરનારા માનવ ઈતિહાસના દરેક મસિહાને ગુનેગાર ગણશો?
એક તરફ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના શોરગુલ, બીજી તરફ ગુજરાતમાં રોજેરોજ રાજ્ય સરકારનું બ્લડપ્રેશર વધારતાં અદાલતી ચૂકાદાઓ અને ત્રીજી તરફ કાળઝાળ ઠંડી એમ સમાચારોની ત્રણ તરફી ભીંસમાં એક ઘ્યાને ચડવા જેવા સમાચાર દબાઈ ગયા. આમ તો એ સમાચારમાં ન તો કંઈ ગ્લેમર હતું કે ન તો ક્રિકેટ. અરે, અણ્ણા કે લોકપાલ પણ ન હતા એટલે કદાચ બીજો ન્યુઝ ફ્‌લો ઢીલો હોય તો ય આવા સમાચારની ન્યૂઝ વેલ્યુ ખાસ ગણાતી નથી. બન્યું હતું એવું કે, ઝારખંડમાં રાંચીથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર ગઢવા જિલ્લામાં થયેલા એક સુરંગ વિસ્ફોટમાં કેટલાંક પોલીસ જવાનો માર્યા ગયા. બીજા સમાચાર એવા હતા કે, આંધ્રપ્રદેશના ભદ્રાચલમ જિલ્લાના જંગલોમાં ત્રીશ-ચાલીશ ઝૂંપડાની એક ‘ગેરકાયદેસર’ વસાહત જંગલ ખાતાના જવાનોએ શોધી કાઢી અને એ વસાહતને સળગાવી દીધી તેમજ ‘ધુસણખોરો’ને હાંકી કાઢ્‌યા. બંને સમાચારોમાં લધુત્તમ સામાન્ય બાબત છે માઓવાદ. ઝારખંડ જેવું રાજ્ય હોય અને સુરંગ વિસ્ફોટ જેવી ઘટના હોય એટલે માઓવાદ આપોઆપ હોવાનો જ પણ બીજા સમાચારની પશ્ચાદ્‌ભૂ તપાસીએ તો એ ફરતી-ફરતી પહેલા સમાચાર ભણી જ નીકળે છે.
આંધ્રપ્રદેશના જંગલખાતાના જવાનોની ‘બહાદુરી’ની ભીતરમાં ખરેખર કંઈક બીજું છે. સરકારી ચોપડે ગણાવાયેલી ‘ધુસણખોરી’ ખરેખર તો આદિવાસીઓ માટે મજબૂરી છે. ભદ્રાચલમથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ગાઢ જંગલમાં ગેરકાયદે વસતાં પકડાયેલા આ ધુસણખોર આદિવાસીઓનું મૂળ ઝારખંડમાં નીકળે છે. આ આદિવાસીઓને કહેવાતી સભ્યતા ફાવતી નથી. શહેરી સંસ્કૃતિમાં ગોઠવાઈ નથી શકતાં અને મૂળ વતનમાં આપણે એમને રહેવા નથી દેતાં. હા, આપણે મતલબ આપણે જ. આ આદિવાસીઓ મૂળ ઝારખંડના ગઢવા, લાતેહાર અને પલામુ જિલ્લાના જંગલ વિસ્તારના રહેવાસીઓ. સૈકાઓથી, કદાચ હજારો વર્ષથી, તેમનું આ વતન. અહીં છેલ્લાં દાયકાથી જંગલો કપાતા ગયા. જંગલો બેફામ કાપતાં રહેવું હોય તો અહીં વસતા આદિવાસીઓને ભગાડવા પડે. એટલે આદિવાસીઓ પર જુલ્મો શરૂ થયા. સામંતશાહી તો હતી જ, હવે તેમાં સરકારશાહી પણ ભળી. આઝાદી પછી આ આદિવાસીઓનું એક ઘર એવું નથી જેનો પુરુષ સભ્ય જેલમાં ન ગયો હોય, દિવસો સુધી વગર વાંકે તેણે માર ન ખાધો હોય અને એક સ્ત્રી એવી નથી કે જેનાં પર... જવા દો.
દોઢ દાયકા પહેલાં ગઢવા, લાતેહાર અને પલામુ વિસ્તારમાં પોસ્ટંિગ મેળવવા માટે પોલીસ અને જંગલખાતામાં ઊંચા ભાવ બોલાતા હતા. પોલીસ જવાનોમાં કહેવાતું, ‘લાતેહારી વર્દી, ગડ્ડી આઈ જલ્દી’. મતલબ કે લાતેહાર-ગઢવા વિસ્તારમાં વર્દી પહેરવા મળે એટલે ગાડીનો જોગ થઈ જ ગયો સમજો. આજે દોઢ-બે દાયકામાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ ચૂકી છે. હવે આ વિસ્તારમાં પોસ્ટંિગ થાય તો તેને જંગલખાતા કે પોલીસ વિભાગના જવાનો પનિશમેન્ટ ગણે છે. તેમનું સૂત્ર છે, ‘લાતેહાર, પહેનાએ હાર’. અર્થ સાફ છે, લાતેહારમાં નોકરી કરવા ગયા એટલે તસવીર પર સુખડનો હાર પહેરાવાઈ ગયો જ સમજો. અત્યાર સુધી ભાગ્યે જ સમાચારોમાં ચમકતો આ વિસ્તાર હવે દર ત્રીજે દિવસે અખબારોમાં સ્થાન પામીને ઝારખંડ તો ઠીક, આખા હિન્દી બેલ્ટને મોંઢે થઈ ગયો છે. કારણ કે, હજુ ગઈકાલ સુધી વાહનની ઘરઘરાટી સાંભળીને કિલોમીટર છેટે જંગલમાં ઊભેલો આદિવાસી રિતસર થરથર કાંપી જતો હતો એ જ આદિવાસી હવે હાથમાં ઓટોમેટિક મશીનગન લઈને ફરે છે. એ આખો વિસ્તાર હવે માઓવાદનો ગઢ ગણાય છે.
નક્સલવાદી સંગઠન સાલ્વા જુડુમની આ વિસ્તારમાં આણ છે. અહીં એ સમાંતર સરકાર છે. ગઢવા અને લાતેહાર જિલ્લાની સરહદો ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને બિહારને સ્પર્શે છે એટલે મોટાપાયે ખુનખરાબા કરીને કોઈ એક રાજ્યમાં છટકી જવામાં માઓવાદીને સુગમતા રહે છે. અહીંનો એકપણ આદિવાસી માઓવાદી નથી અને તેમ છતાં ય છે. માઓવાદી એટલા માટે નથી કે તેને માઓ શું અને વાદ શું તેનું ય ભાન ન હતું. તેણે ફક્ત અત્યાચારો સહ્યા છે. કોઈ કારણ વગર, ફક્ત અહીં વસતો હોવાના કારણે અને બીજે ક્યાંય વસવાની તેની ત્રેવડ ન હોવાના કારણે બેરહેમ અત્યાચારો સહ્યા છે. અને એ માઓવાદી એટલા માટે છે, કારણ કે શરૂઆતમાં તેના રક્ષણ માટે, તેના પર થતાં જુલ્મોનો જવાબ દેવા માટે તેની ઝુંપડીની બહાર બંદૂક લઈને ઊભો રહેલો લાલ ઝંડાધારી તેને મસિહા લાગ્યો. ખાખી વર્દીની સામે તેણે લાલ ઝંડાની પનાહ લીધી. બસ, એ જ તેનો ગુનો. અત્યાર સુધી ખાખી વર્દીધારી ગમે ત્યારે તેને ઊઠાવી જતા હતા. મન ફાવે તે ગુનામાં ફીટ કરી દેતા હતા. પટણામાં થતી ચોરીના ખરા ચોર પકડાઈ જાય એટલે મુદ્દા માલ પડાવીને ચોર તરીકે આ આદિવાસીને ફીટ કરી દેવાતા હતા. ચોકી પર સાહેબ રાતવાસો કરે ત્યારે તેની બહેન-દીકરીને સેવા માટે ઉપાડી જતા હતા. હવે લાલ ઝંડાધારી આવ્યા પછી ખાખી વર્દીવાળા ફરકતા નથી.
- અને ખાખી વર્દીની ગેરહાજરીમાં લાલ ઝંડાધારી એ જ બઘું કરે છે, જે ખાખીવાળા કરતાં હતાં.
બંને બાજુના ત્રાસથી માર્યો-માર્યો ફરતો એ આદિવાસી સૈકા જુના વતનમાંથી સ્થળાંતર કરતો, બસ્તર, છત્તીસગઢના જંગલો ઓળંગીને હવે છેક આંધ્રપ્રદેશના ભદ્રાચલમ પહોંચ્યો છે. અહીં જંગલમાં તેણે પંદર-વીસ ઝૂંપડા બાંધીને રહેણાંક શરૂ કર્યો અને ફરીથી શરૂ થઈ ગઈ ખાખીવર્દીની હેરાનગતિ. શરૂઆતમાં તો તેમનાં ઝૂંપડા બાળી નંખાયા. મારી-મારીને તેમને તગેડી મૂકાયા. દરેક વખતે એ આદિવાસી પાછા આવ્યા. માર ખાઈને ય ફરીથી ઝૂંપડા બનાવ્યા. હવે જંગલ ખાતુ તેમને તગેડે છે અને આદિવાસીઓને જંગલથી આગળ કોઈ કેડી નથી મળતી.
આદિવાસીઓના પુનર્વસન માટે કામ કરતા આંધ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગના મતે, આ આદિવાસીઓ તેમના રાજ્યના નથી માટે તેમનાં માટે કશું ન થઈ શકે. વળી, આ આદિવાસીઓ કાનૂનના ગુનેગાર છે કારણ કે તેમના પર જંગલમાં ગેરકાયદેપ્રવેશ, જંગલમાં ગેરકાયદે વૃક્ષછેદન વગેરે ગુનાઓ નોંધાયેલા છે. આવા ગુનેગારોને મદદ ન કરી શકાય. જો આ ગેરકાયદે પ્રવેશ કહેવાતો હોય તો કાયદો ખરેખર ગધેડો છે. વતનમાં ધીખતી ધરા થઈ હોય ત્યારે માણસ ક્યાં જાય? આ હિસાબે હિઝરત કરનારા માનવ ઈતિહાસના દરેક મસિહાને ગુનેગાર ગણશો? ગોકુળ-વૃંદાવન છોડીને દ્વારકા વસનારા કૃષ્ણને ય ગુનેગાર ગણશો? નાઝરથ છોડીને બેથેલેહેમની ઉત્તરે ટેકરી પર વસનારા જીસસ પર કઈ કલમ લગાડશો? મક્કા ત્યજીને મદીના ગયેલા પયગંબર સાહેબને શું કહેશો? આ આદિવાસીઓ પર વૃક્ષછેદનનો ગુનો છે એ બાબત પણ જાણવા જેવી છે. જ્યારે જંગલ ખાતાના અધિકારીઓએ જાણે શું ય મોટું દાણચોરીનું રેકેટ પકડી પાડ્યું હોય તેમ આદિવાસીઓની વસાહતને ઘેરો ઘાલ્યો અને પૂછપરછ આદરી ત્યારે જાણવા મળ્યું કે તેમણે જંગલના લાકડા કાપીને, પાંદડા એકઠા કરીને અહીં ઝૂંપડા બનાવ્યા હતા. વાહ.. આ એમનો ગુનો!
એ જ દિવસોમાં કર્ણાટકના કુખ્યાત ખાણમાફિયા રેડ્ડીબંઘુઓના સાથીદાર શ્રીરામુલુને બે કેસમાં આગોતરા જામીન મળ્યાના સમાચાર હતા. - અને એ સમાચાર તો દરેક માઘ્યમોમાં હતાં જ. બસ તો પછી, આદિવાસીઓ તો આમે ય આઉટડેટેટ અને મિસંિગ જ છે ને! હા, સચીનની ૧૦૦મી સદી હોય કે મલ્લિકા શેરાવતે હોલિવૂડમાં નવી ફિલ્મ સાઈન કરી હોય કે વીણા મલિક હોટેલના બાથરૂમમાંથી ભાગીને બેડરૂમમાં મળી આવી હોય તો વળી જુદી વાત છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved