જીવનની સામે જેટલા પ્રશ્નાર્થો મુકવા હોય તેટલા મૂકો. પ્રશ્નોની આદત છે કે તે નવા નવા પ્રશ્નો સર્જતા જ જશે. આવા પ્રશ્નોના ચબરાક માણસો ઉત્તરો પણ આપતા હોય છે. બુદ્ધિશાળીઓની મોટા ભાગની બુદ્ધિ આવા ચબરાકી ઉત્તરો આપવામાં જ ખર્ચાઈ જતી હોય છે. પ્રશ્ન હોય એટલે ઉત્તર હોય એ સાદી બાબત છે. પ્રશ્ન ન જ થવો એ વસ્તુ પણ સારી નથી. પણ પ્રશ્નમાં વજૂદ હોવું જોઈએ. ઉત્તર આપીએ ત્યારે પણ તેમાં વજૂદ હોવું ઘટે. બુદ્ધિના દાવપેચથી સઘળું કરી શકાય. પણ હૃદયને શાતા તો મળે છે સત્યથી, ભાવસત્યથી. માણસની જેમ જેમ જરૂરિયાતો બદલાઈ, અપેક્ષાઓ વધતી ચાલી, સંબંધોમાં જેમ જેમ ગણિત ઉમેરાતું ગયું, સ્વાતંત્ર્ય વિશેની સમજણ છેક સ્વચ્છંદતાના સીમાડા સુધી પહોંચતી ગઈ તેમ તેમ તે હૃદયથી દૂર સરતો ગયો છે. બુદ્ધિનું તે પછી ઓઠું લેવા લાગ્યો છે. જે બુદ્ધિ વસ્તુલક્ષી વિચાર માટે જન્મી છે, એ જ બુદ્ધિ પછી સત્યને કે અસત્યને ઢાંકવાના ઉપયોગમાં લેવાતી રહી. પરિણામે આપણી સામે જે જગત, જગતના પ્રશ્નો, તેનાં પરિરૂપો આવતાં રહ્યાં એ સર્વ તેના સેળભેળિયારૂપે આવતાં રહ્યાં. પછી તે વાત છેક અંગત જીવનના પ્રશ્નો કે બાબતો સુધી વિસ્તરી રહી! આપણે સારું બોલી શકીએ છીએ, પણ સાચું બોલવાનું ટાળીએ છીએ. આપણે હામાં હા અને નામાં ના ભણીએ છીએ પણ સાચું શું છે તે વિશે ફોડ પાડતા નથી. કહો કે આપણી સંવેદનાઓ સાથે આપણે એક નવા પ્રકારનો ખિલવાડ શરૂ કરી દીધો છે. સગા-સંબંધી, નોકરી ધંધા એ બધાંથી એ રસ્તો છેક બે વ્યક્તિના અંગત સુધી પહોંચ્યો છે! કહો કે એકે એક માણસને એક બીજી ભાષા, અધર લેંગ્વેજનો ઉપયોગ કરતા આજે જોઈએ છીએ.
આવું સમયે સમયે બનતું જ હશે, બને છે. રામાયણ-મહાભારતથી છેક આજના સમય સુધી. પણ આપણા આ ગ્લોબલ સમયમાં તેવું વઘુ બનવા માંડ્યું છે. ભાષા બચાવવા નીકળેલા માણસો, પ્રેમની દુહાઈ દેનારા વ્યક્તિઓ, પારદર્શિતાનો પોતાના વર્તનમાં ઝંડો લઈને નીકળનારાઓ, શિક્ષણની સતત ચંિતા દેખાડનારા સમૂહો, પ્રજાની સેવાની વાત કરનારા કે ગુજરાત-ભારતની ચંિતા કરનારા રાજકીય ખેપિયાઓ બધા આ અધર લેંગ્વેજના તૂંબડે અત્યારે તરી રહ્યા છે. સંસ્કૃતિ-સંસ્કાર કે ધર્મની વાતો કરનારો પણ બાકાત નથી. સાહિત્યની પોતાની જાતે જ રખેવાળી લઈને બેસી જનારાઓની લાળમાંથી પણ આ બીજી જ ભાષા પ્રકટે છે. પેલા આદિવાસીઓને જ સાચા માનનારા, તેમની ભાષા કે સંસ્કારને જ અગ્રિમતા આપનારા પણ ગાંજ્યા જાય તેમ નથી. એક કાંકરે બે પક્ષી મારવાનું ત્યાં પણ ભારે નાટક ચાલી રહ્યું છે. ન્યાલાલયોના પાયા તો હચમચી જ ગયા છે પણ ન્યાયાધીશોના જે ચુકાદાઓ આવે છે તેમાં પણ પેલી અધર લેંગ્વેજ જ ભારોભાર જોવાય છે. શાળા-કોલેજો તો જાણે આ અધર લેંગ્વેજને વિસ્તારનારાં કેન્દ્રો હોય એ રીતે વર્તી રહ્યાં છે. યુનિવર્સિટીઓના દ્રષ્ટિહીન મુખિયાઓ રાજકીય ભાષા જ બોલતા થઈ ગયા છે.
આ સર્વનું પરિણામ શું આવ્યું ? આપણે માણસ છીએ અને માણસ નથી પણ. સાડી સત્તરવાર નથી! છેહ દેવો, છદ્મ આચરવું, છેતરવું, છાનાછાની કરવી, છાનગપતિયાં કરવાં- બસ, આ સર્વ હવે નિત્યનો ક્રમ બની ગયો છે. વધારે શરમજનક તો એ છે કે શરમજનક કૃત્ય વિશે પણ હવે કોઈને શરમ રહી નથી! હું આ અને આવું લખું છું ત્યારે રખે માનતા કે હું સકારાત્મક કશું જોઈ શકતો નથી. સકારાત્મક આપણી આસપાસ સાવ નથી જ એવું પણ નથી. હજી ઠંડી ભરેલી રાત્રિમાં તળાવ મઘ્યે ઊબા રહી રાત્રિ કાઢી શકીએ એવો ક્યાંક હૂંફાળો દીવો દૂર દૂર પ્રકાશતો જણાય છે. પણ એવા દીવાને ય શણો કરવાના કીમિયા શોધાઈ રહ્યા છે. કહો કે માનવ રહીને, માનવ થઈને, આપણે જ આપણું તળિયું બહારની દુનિયાને વ્યાપકરૂપે દેખાડી રહ્યા છીએ. આપણી આખી દોડ પૈસા તરફની છે, પૈસાથી સજાવેલી જંિદગી તરફની છે, બુદ્ધિના દાવપેચની પરાકોટિ તરફની છે. આપણું શરીર, આપણું મન, શરીરના અંગો, આપણી ભાષા, આપણું લેખન - એકેએક બાબતને આપણે બજાર વચ્ચે મૂકીને બજારના ત્રાજવે તોળતા થઈ ગયા છીએ. આપણે આપણો જ ઉપયોગ કરતા થઈ ગયા છીએ. પ્રેમ પણ ઉપયોગનો જ એક ભાગ બની ગયો છે. કદાચ આપણે એવા દિવસોના નિર્માણ તરફ ધસી રહ્યા છીએ જ્યાં રોબોટ માનવ સાચા માણસ કરતાં કંઈક વઘુ શ્રઘ્ધેય પુરવાર થશે.
આપણે પેલી ટોલ્સ્ટોયની એક વાર્તાની જેમ સાંજ સુધી જેટલું દોડવું હોય તેટલું ભલે દોડી લઈએ. પણ વઘુ જમીન પ્રાપ્ત કરવાના મોહમાં સાંજે મુકામ ઉપર શરતના ભાગરૂપે પહોંચવાનું એ બાબત સાવ ભૂલી ગયા છીએ. પહોંચીએ અને ત્યાં જ લોભમાં પ્રાણપંખેરૂં ઊડી જાય ત્યારે વાત તો છેવટે પાંચ-છ ફૂટ જમીન ઉપર જ અટકી જવાની! ગ્લોબનો ચમત્કાર, ઝાકમઝોળ, શક્યતાઓ, સિદ્ધિઓ, શિખરો, ઝગમગતું ભવિષ્ય, ઊજળી આવતીકાલ વગેરે સંખ્યાબંધ શબ્દો વાપરવા હોય તેટલા વાપરો. પ્રશ્ન તમે તેને ત્યારે સાચી રીતે એન્જોય કરી શકો એવાં તમારાં તન-મન રહ્યાં હશે ખરાં ? અધર લેંગ્વેજથી તમે તમોને છેતરતાં છેતરતાં એટલા મોટા ‘ચીટ’ થઈ ગયા હશો કે પછી ‘આજ’ ઉપર સ્થિર જ નહિ રહી શકો. આજનો તકાજો એ છે કે ‘આજ’ ઉપર થોભો, વિચારો, થોડુંક ‘પાછળ’ જુઓ, પાછળનાને પ્રત્યક્ષ કરો. ‘આજ’ અને ‘ગઈકાલ’નો સરવાળો કરો અને પછી આગળની દિશા તરફ નજર માંડો. ‘હું કોણ છું ?’ એવા પ્રશ્નની સાથે ‘હું શું છું ?’ અને ‘હું ક્યાં છું ?’ એવા બીજા બે પ્રશ્નો પણ જાતને કરવા પડશે. કદાચ એ ત્રણે પ્રશ્નો આજે બુનિયાદી પ્રશ્નો બન્યા છે. જો એ ત્રણેનો સાચો ઉત્તર કદાપિ, મળ્યો તો સમજવું કે દરેક પુષ્પ એને છોડ ઉપરથી ચૂંટી લેવા તમોને નિમંત્રી રહેશે. અધર લેંગ્વેજને પૂળો મૂકો. મહર્ષિ અરવંિદ કહે છે ઃ મ્ી ારી જીનક રીીિ ચહગ ર્હુ.
|