| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
નથી વીજળી, નથી પાકું મકાન, છતાં મેળવીએ ટોચનું સ્થાન
|
પ્રાઈમ ટાઈમ |

વિશ્વવંદ્ય ગણાયેલા મોટા ભાગના મહાનુભાવો કોઇ સાધન-સામગ્રી વિના ભણ્યા છે અને દુનિયાભરમાં નામના મેળવી છે.
ઉત્તર ભારતમાં બે રાજ્ય બધી રીતે દરિદ્ર છે. ગરીબી, ભૂખમરો, બેકારી અને જીવનજરૂરી ચીજોનેા કાયમી અભાવ. એ છે ઉત્તર પ્રદેશ અને બિહાર. આવો, બિહારના ગોપાલગંજ જિલ્લાના ચમનપુરા નામના ગામમાં લટાર મારીએ. આવતી કાલે દેશ આખો પ્રજાસત્તાક દિન ઊજવશે પરંતુ આઝાદી આવ્યાને છ દાયકા થયા છતાં આ ગામમાં હજુ વીજળી નથી આવી. સ્કૂલનાં પાકાં મકાન નથી, પીવા માટે ડહોળું ગંદું પાણી મળે છે. અને છતાં આ ગામના લોકો ટટાર છાતી રાખીને ઉન્નત મસ્તકે ફરી શકે છે. કારણ ? આ ગામના ઓછાંમાં ઓછાં છ બાળકો ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ (આઇએમઓ)માં દુનિયાભરનાં બાળકો સાથે સ્પર્ધા કરવા માટે પસંદ થયાં છે. એનો યશ અલબત્ત, ચૈતન્ય ગુરુકૂળ અને એના સંચાલકોને ઘટે છે. જો કે અહીં વાત ગુરુકૂળની નહીં પણ આપણાં તેજસ્વી બાળકોની કરવી છે. પ્રાચીન કાળના ૠષિમુનિઓએ એક શ્વ્લોકમાં કહ્યું છે વિદ્યાર્થીનઃ કુતઃ સુખઃ, સુખાર્થીનઃ કુતઃ વિદ્યા...જો કે સુખસગવડ અને સાધનો હોય તે જ ભણી શકે અને જિનિયસ ગણાઇ શકે એવો ભ્રમ સેંકડો વરસથી આપણે ત્યાં રહ્યો છે.
હકીકત એ છે કે વિશ્વવંદ્ય ગણાયેલા મોટા ભાગના મહાનુભાવો કોઇ સાધન-સામગ્રી વિના ભણ્યા છે અને દુનિયાભરમાં નામના મેળવી છે. દર વર્ષે આપણે અખબારોમાં એસ એસ સી કે એચ એસ સીનાં પરિણામો જોઇએ છીએ ત્યારે રિક્શાવાળા, મિલ મજૂર કે રેલવે સ્ટેશન પર હમાલી કરતા સાવ સાધારણ પરિવારના છોકરાઓ ભદ્ર લોકોનાં બાળકોને શરમાવે એવાં રિઝલ્ટ લાવીને દેખાડે છે. આંતરરાષ્ટ્રીય લેવલે યોજાતી ગણિત કે વિજ્ઞાનની સ્પર્ધામાં આવાં બાળકોને જતાં જોઇએ ત્યારે એમના માટે માન જાગે. ગણિતની આ કોમ્પિટિશનમાં દુનિયાના ૮૫ દેશોના એક લાખ બાળકો ભાગ લેવાના છે. ચમનપુરાની સ્કૂલનાં બાળકો લેવલ-ટુની ગણિતની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામો લાવીને સ્પર્ધા માટે ક્વોલિફાઇડ જાહેર થયાં છે. એમાંય એક બાળક સની કુમાર તો રોજિયા મજૂરનો છોકરો છે જેના પિતાનો રોજનો પગાર માંડ પચીસ-ત્રીસ રૂપિયા છે. એય કાયમી નથી. જે દિવસે કામ મળે એ દિવસે પગાર મળે. આ છોકરો ફક્ત ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. વઘુ રસપ્રદ બાબત એ છે કે મોટા ભાગનાં બાળકો એવી સ્કૂલનાં છે જે હજુ બે વરસ પહેલાં એટલે કે ૨૦૧૦માં જ ખુલી છે. ગોપાલગંજ, સિવાન અને છપરા જિલ્લાનાં કુલ પચાસ ગામોનાં ૪૬૧ બાળકો આ ગુરુકૂળમાં ભણે છે. ગામમાં વીજળી નથી એટલે ગુરુકૂળના સંચાલકોએ બે જનરેટર્સ વસાવ્યાં છે. એ જનરેટર્સ દ્વારા કોમ્પ્યુટર્સ ચાલે છે. સ્કૂલમાં કોઇ કાયમી શિક્ષક નથી. બેંગલોરમાં બેઠેલાં ચૈતન્ય ગુરુકૂળ ટ્રસ્ટના વિદ્વાનો લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા બાળકોને દૂર બેઠાં ભણાવે છે.
આ બાળકોને આઇઆઇટીના સ્નાતકો હોંશે હોંશે ટેક્નોલોજીની મદદતી ભણાવે છે.
અને છતાં ગયા વરસે સાયન્સ ઓલિમ્પિયાડમાં પણ આ સ્કૂલનાં બાળકોની પસંદગી થઇ હતી. ગુરુકૂળના ટ્રસ્ટીઓ જાતે જે તે ગામની મુલાકાત લે છે અને પરિવારોની આવકની વિગતો મેળવીને બાળકોની ફી કેટલી રાખવી એનો અંદાજ કાઢે છે. જો કે આવાં ગામોમાં મોટા ભાગના પરિવારો બાળકોને પોતાની સાથે મજૂરીમાં લઇ જવાનો આગ્રહ રાખે છે જેથી કુટુંબની કુલ આવક વધે.
એટલે ટ્રસ્ટીઓ માબાપને ધીરજભેર સમજાવે છે કે કેળવણી તમારાં બાળકોને વઘુ આવક મેળવવામાં ઉપયોગી સાબિત થશે.
સાચી સમજાવટ છતાં કેટલાંક માબાપ હા પાડ્યા પછી પણ બાળકને મોકલતાં નથી કારણ કે સ્કૂલમાં કોઇ શિક્ષક તો હોતાં નથી. પણ બાળકો જાતે બીજાં બાળકોને જોઇને જિદ પકડે છે કે અમારે સ્કૂલમાં જવું છે. તેજસ્વી બાળકોની ફી તો પૂરેપૂરી માફ કરી દેવામાં આવે છે.
આગલાં વરસોનાં પરિણામોની વિગતો તમે અખબારો કે ટેલિવિઝન પર જોઇ હોય તો આપણાં ઘણાં બાળકો મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ અને સાયન્સ ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત કે કાંસ્ય ચંદ્રક લઇને જ આવ્યાં છે. એમાં આપણા ક્રિકેટર્સ જેવું નથી થતું કે દશેરાને દિવસે જ ઘોડું દોડે નહીં. હકીકતમાં આપણો એક એક ક્રિકેટર ધારે તો આવાં ગરીબ ગામોનાં બાળકોનો ખર્ચ ઉપાડી શકે. પરંતુ વો દિન કહાં કે મિયાં કે પાંવ મેં જૂતિયાં...આ લોકો તો આપણા ભોગે કરોડો રૂપિયા કમાઇને પાછા ધબડકો વાળે છે. એમના કરતાં વીજળી-પાણી વિનાનાં આ બાળકો ઘણાં ચઢિયાતાં લાગે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|