વોશિંગ્ટન, તા. ૨૩
ગૂંચવાયેલા રાજ્યતંત્ર અને નિર્બળ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને લીધે અમેરિકા અન્ય દેશો કરતાં આર્થિક રીતે ઓછું સ્પર્ધાત્મક બની રહ્યું છે તેમ એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે આ અંગે હાથ ધરેલાં સર્વેક્ષણમાં અમેરિકા અને અન્ય ૧૨૧ દેશોમાં રહેલા તેના ૯૭૫૦ જેટલા પૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. તેમના મતે અમેરિકા વિકસતાં અર્થતંત્રોના તેના સ્પર્ધકો સાથેની સ્પર્ધામાં પાછળ પડી રહ્યું છે. જ્યારે અન્ય વિકસિત અર્થતંત્રો સાથે માંડ માંડ કદમ મિલાવી રહ્યું છે.
દેશમાં ૨ કરોડ બેકાર ઃ કંપનીઓ દ્વારા કર્મચારીઓ છુટા કરવાનું ચાલુ
આ સર્વેક્ષણમાં ૭૧ ટકાએ જણાવ્યું હતું કે અમેરિકાની સ્પર્ધાત્મકતા ઘટી રહેશે. તેટલું જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં તેની કંપનીઓની સ્પર્ધાત્મકતા પણ ઘટતી રહેશે. કારણ કે, તેઓ તેના કર્મચારીઓને ઊંચા પગારો કે અન્ય લાભો આપી શકશે નહીં.
દુર્ભાગ્યપૂર્ણ વાત તો તે છે કે અમેરિકામાં અત્યારે બેકારી સૌથી ગંભીર પ્રશ્ન બની રહ્યો છે અને દેશના ૨ કરોડ ૩૭ લાખ જેટલા લોકો બેકાર છે અથવા તો, અર્ધ-બેકાર છે. બીજી તરફ નવેમ્બર મહિનામાં જ, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવે છે, તેમાં બેકારી મુખ્ય મુદ્દો બની રહેવાનો છે.
આ સર્વેક્ષણના સહ-લેખક અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર માઈકલ પોર્ટરે જણાવ્યું છે કે અમેરિકા વ્યાપારી સ્થળો સંબંધી નિર્ણયો ચિંતાજનક ગતિએ ગુમાવી રહ્યું છે.
અમેરિકન કંપનીઓએ ૨૦૦૭-૨૦૦૯નાં વર્ષની મંદી દરમિયાન કર્મચારીઓની મોટા પાયે છટણી કરી હતી, પરંતુ તે કંપનીઓ ફરી તેમને કામ ઉપર લેવામાં ઢીલાશ દર્શાવી રહી છે. તો બીજી તરફ કેટલીક કંપનીઓ હજી પણ કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ મહિને જ આર્ચર ડેનીયલ્સ મિડલેન્ડ કું. (એડીએમએન) ક્રાફ્ટ ફૂડ્ઝ આઈએનસી (કેએફટી-એન) અંતે નોવારટિસ એજી એનઓવીએમ વગેરે કંપનીઓએ જણાવ્યું છે કે, તેઓ આ વર્ષે પણ અમેરિકામાં તેના કર્મચારીઓ ઘટાડશે. |
|