આજથી એડીલેડમાં આખરી ટેસ્ટ ઃ કેપ્ટન ક્લાર્કનો પડકાર
સેહવાગની કેપ્ટન્સી અને તેંડુલકરની ઓસ્ટ્રેલિયાની ભૂમિ પરની આખરી ટેસ્ટ પર નજર
દ્રવિડ,ગંભીર અને લક્ષ્મણની ઇમેજ માટે નિર્ણાયક ટેસ્ટ
મેચનો સવારે ૫.૩૦થી પ્રારંભ ભારતને માટે અનુકૂળ ગ્રાઉન્ડ
એડીલેડ, તા. ૨૩
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ ક્લાર્કે આવતી કાલથી શરુ થતી ચોથી અને આખરી ટેસ્ટ પૂર્વે ભારતને માનસિક રીતે પડકારતા કહ્યું હતું કે, 'અમે ભારતને ૪-૦થી વ્હાઇટ વોશ કરવા માટે ઉતરીશું'
ભારતીય ટીમનું મનોબળ જે હદે ત્રણેય ટેસ્ટમાં પરાજય ખાધા બાદ તળિયે છે તે જોતાં ક્લાર્ક માટે આ સ્વપ્ન સાકાર કરવું અઘરૃં નથી.
હજુ ગયા મહિને જ ૨૬ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો હતો તે અગાઉ ભારતના સિનિયર બેટ્સમેનો સહિતની ઘરખમ બેટિંગ લાઇન જોતાં મુકાબલો બરાબરીનો રહેશે તેમ મનાતું હતું. ઓસ્ટ્રેલિયા અંદરખાનેથી થોડું ચિંતિત અને સતર્ક પણ જણાતું હતું. તે પછી ભારતે કઈ હદે શરમજનક દેખાવ કર્યો તે બધા જાણે છે.ભારતે સ્લો ઓવર રેટ નિયત સમય મર્યાદામાં બીજી વખત બતાવતાકેપ્ટન તરીકે ધોનીને એક ટેસ્ટ નહીં રમવાની સજા થઈ છે. જે અંતર્ગત તે આવતીકાલથી શરુ થતી ટેસ્ટ નથી રમી રહ્યો. તેના સ્થાને સેહવાગ કેપ્ટન્સી કરશે. જ્યારે વિકેટકીપર તરીકે સહાને તક મળશે.
ભારત ઓસ્ટ્રેલિયામાં આવ્યું ત્યારે તેના ક્રિકેટ ઇતિહાસને સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પરનો શ્રેણી વિજય મેળવી શકે તેમ મનાતું હતું. હવે આખરી ટેસ્ટમાં આશ્વાસન સમાન વિજય મળે તેવી તઓની અંતિમ ઇચ્છા છે. ભારત એડીલેડમાં ટેસ્ટ રમાતી હોઈ આવું વિચારી પણ શકે કેમ કે અગાઉના બે પ્રવાસમાં ભારત અનુક્રમે અહીં ભારત જીત્યું હતુંે અને તે પછીની ટેસ્ટ ડ્રોમાં ખેંચી હતીે.
આખરી ટેસ્ટમાં કેટલીક રસપ્રદ ઇંતેજારી પણ છુપાયેલી છે. જેમ કે આ શ્રેણીની છ ઇનિંગમાં માત્ર એક જ અડધી સદી ફટકારીને સરિયામ નિષ્ફળ ગયેલો સેહવાગ તેની કેપ્ટન્સી હેઠળ બેટિંગમાં ખીલી ઉઠશે ખરો ? સેહવાગની કેપ્ટન્સી ધોની કરતા કઈ રીતે જુદી પડશે ? ધારો કે ભારત વિજય મેળવે તો ભવિષ્યમાં ધોનીના સ્થાને કેપ્ટન તરીકે સેહવાગને વિકલ્પ તરીકે વિચારાશે ખરો ? તેંડુલકર તેની ૧૦૦મી સદી બ્રેડમેનના વતન એવા એડીલેડમાં જ ફટકારીને મહાસિદ્ધિ મેળવી શકે છે કે કેમ તેના પર પણ ક્રિકેટ વિશ્વની નજર રહેશે જ.
લક્ષ્મણ આ ટેસ્ટ પછી નિવૃત્તિ જાહેર કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. ભારતના સિનિયરોની નિશ્ચિતપણે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પરની આ આખરી ટેસ્ટ તો કહી જ શકાય.
ઓસ્ટ્રેલિયા તરફથી પોન્ટિંગ આ ટેસ્ટ પછી નિવૃત્તિ જાહેર કરે તેવી હવા પણ છે. કદાચ નિવૃત્તિ જાહેર ના કરે તો પણ પોન્ટિંગ અને હસી તેમની ઓસ્ટ્રેલિયામાં આખરી ટેસ્ટ રમશે તેમ મનાય છે.માર્શના ભાવિ માટે પણ આ ટેસ્ટ નિર્ણાયક છે કેમ કે વોટસન ઇજા બાદ પુનરાગમન કરશે ત્યારે પણ માર્શ તેનું સ્થાન જાળવી શકે તેવો દેખાવ કરવો તેને માટે જરૃરી છે.
એડીલેડની પીચ સ્પિનરો માટે અનુકૂળ છે. વિશેષ કરીને ઓફ સ્પિનર નથાન લીઓએ ઘરઆંગણાની ક્રિકેટમાં અહીં ઘણી સફળતા મેળવી છે. તેને તેંડુલકરની વિકેટ ઝડપવાનું સ્વપ્ન પણ વ્યક્ત કર્યું છે. ભારત સંભવ છે કે અશ્વિન અને ઓઝા બંનેનો ટીમમાં સમાવેશ કરે.ઓસ્ટ્રેલિયાએ ફાસ્ટ બોલર સ્ટાર્કને ૧૨મો ખેલાડી જાહેર કરીને હેરિસને જારી રાખ્યો છે.જો વોર્નરને ભારત સસ્તામાં આઉટ નહી કરે તો તે બે સેશનમાં જ ભારતના હાથમાંથી બાજી ખૂંચવી જશે તેવી દહેશત છે. તેણે પર્થ ટેસ્ટમાં તેનો પરચો બતાવી દીધો છે. વિકેટકીપર હેડીનના ભાવિ સ્થાન માટે પણ આ ટેસ્ટ નિર્ણાયક છે.
ભારત તરફથી પર્થ ટેસ્ટમાં ૪૪ અને ૭૫ રનની ઇનિંગ રમનાર કોહલી તેનું સ્થાન મજબૂત કરવાની તક ઝડપશે. જો સિનિયરો નિષ્ફળ જશે તો દ્રવિડ અને લક્ષ્મણની હકાલપટ્ટી કરવી પડે તે હદે ટીકાપાત્ર બન્યા છે.ભારત તરફથી ઉમેશ યાદવ સિવાય ફાસ્ટ બોલરો ખાસ પ્રભાવ નથી પાડી શક્યા.જોઈએ, ભારત થોડી આબરૃ જાળવતો દેખાવ કરે છે કે નહીં.
એડીલેડમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી ચારમાંથી એક જ ટેસ્ટ જીત્યું છે
* સેહવાગે અગાઉ ત્રણ વખત ભારતની કેપ્ટન્સી કરી છે જેમાં બેમાં ભારતનો વિજય અને એક ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.
* પોન્ટીંગને ટેસ્ટ ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન પૂરા કરવા માટે ૮૧ રનની જરૃર છે.
* ઓસ્ટ્રેલિયા ૧૯૯૯- ૨૦૦૦ પછી ફરી ભારતનો 'વ્હાઇટ વોશ' કરવાનું લક્ષ્ય ધરાવે છે.
* એડીલેડમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી ચારમાંથી એક જ ટેસ્ટમાં જીત્યું છે.
* ૨૦૦૦ થી ૨૦૧૦ દરમ્યાન એડીલેડમાં ઓસ્ટ્રેલિયા ૧૨ ટેસ્ટ રમ્યું છે જેમાં સાતમાં ઓસ્ટ્રેલિયા જીત્યું છે. બેમાં હાર્યું છે અને ત્રણ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે.
* છેલ્લે ઓસ્ટ્રેલિયા એડીલેડમાં ૨૦૧૦માં રમ્યું હતું જેમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો એક ઇનિંગથી પરાજય થયો હતો. વિન્ડિઝે તે અગાઉ ૨૦૦૯માં ટેસ્ટ ડ્રો ખેંચેલી, ૨૦૦૮માં ભારતે ડ્રો કાઢી હતી. જયારે તે પછી ન્યુઝીલેન્ડ એડીલેડમાં હાર્યું હતું.
૨૦૦૩ના પ્રવાસમાં એડીલેડ ટેસ્ટ ભારત ૪ વિકેટે જીત્યું હતું
૨૦૦૩ના પ્રવાસમાં ભારત એડીલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ૪ વિકેટથી જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પોન્ટીંગના ૨૪૨ રનની મદદથી ૫૫૬ રન ખડકયા હતા. જવાબમાં ભારતે દ્રવિડના ૨૩૩ અને લક્ષ્મણના ૧૪૮ રનના સહારે ૫૨૩ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં અગરકરની ૬ વિકેટના તરખાટ સામે ૧૯૬ રનમાં ખખડી ગયું હતું.
ભારતને જીતવા માટે ૨૩૦ રનનો પડકાર આવ્યો હતો. જે તેઓએ સેહવાગના ૪૭, દ્રવિડના ૭૨ રન અને તેંડુલકરના ૩૭ રનની મદદથી ૬ વિકેટે નોંધાવીને જીત્યું હતું.