ગણપત પટેલ ‘સૌમ્ય’ પોતાની એક ગઝલમાં સાચા અર્થમાં જીવાતા માનવજીવનના અર્થને સ્ફુટ કરે છે. જીવનની વ્યાખ્યાઓ અનેક રીતે અપાઈ છે. પરંતુ કવિ એક જ પંક્તિમાં અહીં જીવનનો મર્મ સમજાવે છે. જાહોજલાલીમાં વ્યતીત થનાર જીવન એ જીવન નથી. બીજાના દર્દનો અહેસાસ કરનાર બીજાના દુઃખે દુઃખી થનાર કરૂણાવાન માણસનું જીવન જ સાચા અર્થમાં સાર્થક છે -
જીવતરનો અર્થ સાચો એ ઘડી સમજાય છે
અન્ય કાજે આંખ રૂએ ને હૃદય સોરાય છે
માણસ એના ઉદ્ભવકાળથી જ વિચિત્ર રહ્યો છે. ઇવ-આદમ જેવો પૂર્વજોને એમની સંદિગ્ધ પ્રકૃતિને કારણે સ્વર્ગમાંથી ધરતી ઉપર આવવું પડ્યું હતું. માનવના મનને કળવું મુશ્કેલ છે. તેથી જ કવિ કહે છે -
ઈવ-આદમના જમાનાથી મથામણ થાય છે
તોય માણસ જાત આ આજેય ક્યાં પરખાય છે!
નરી આંખે દેખાતું આ જગત એક ભ્રમણા છે. બંને આંખો સૃષ્ટિના જે દ્રશ્યોને જુએ છે એની પરખ આ સ્થૂળ દર્શનમાત્રથી થતી નથી. જે નિરખવા ચાહે છે એને માટે તો ત્રીજું નેત્ર આવશ્યક છે. કદાચ એનાથી આ સૃષ્ટિનું રહસ્ય પામી શકાય -
જે નિહાળી ના શકો ક્યારેક
બંને આંખથી
કોઈ ત્રીજી આંખથી એવું ઘણું દેખાય છે
જીવન જીવવા માટે અહીં માણસે કેટકેટલા રૂપ ધારણ કરવા પડે છે. જીવનરૂપી નાટકના મંચ પર પતિ, ભાઈ, પિતા, કાકા, મામા, દાદા, મિત્ર જેવા સામાજિક વેશની સાથે સાથે અન્ય અનેક વેશો ભજવવા પડતા હોય છે અને માણસે માણસે એવી ભૂમિકા વિભિન્ન હોય છે. આમ અનેક રૂપોમાં જીવનનું નાટક ભજવાતું હોય છે -
એક સરખો માનવી ક્યાં હોય છે કાયમ અહીં?
કેટલાં રૂપો ધરીને જીવતર જીવાય છે!
મનુષ્યનું આયખું પણ વૃક્ષ જેવું છે. જેમ બીજમાંથી ફણગો, છોડ, વૃક્ષ સુધી ક્રમશઃ વિકાસ થાય છે અને ફળ, ફૂલ ઉપલબ્ધ બને છે. તેમ માનવી પણ જન્મ, બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃઘ્ધત્વને પામીને વૃક્ષની જેમ જ કરમાઈને-મૃત્યુને વરીને વિલય પામે છે.
એક રીતે આયખું પણ ઝાડ જેવું હોય છે
એ ફળે છે, પાંગરે છે ને વળી સુકાય છે
- ડૉ. રશીદ મીર |