| (પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ડીટીસીની નવી જાહેર થયેલા સાઇટમાં રફના ભાવમાં ૭ થી ૯ ટકાનો ઘટાડો જાહેર કરતાં પોલીશ્ડના બજારને અસરની ભીતિ છે. આમેય, પોલીશ્ડ ૧૫ થી ૨૦ ટકા ઓછા ભાવે ઓફર કરવામાં આવ્યા છતાં, લેવાલી ન હોઇ, રફના ભાવમાં ઘટાડાથી ભાવો વધુ તૂટવાની ગણતરી મૂકવામાં આવે છે.
પોલીશ્ડનું માર્કેટ છેલ્લા થોડા દિવસોથી ખૂબ દબાયું છે. પોલીશ્ડમાં કોઇ ખરીદી ન હોવાથી ભાવો ખૂબ જ દબાયા છે. પાછલા થોડા દિવસોમાં ડોલરની મજબૂતાઇને કારણે પોલીશ્ડનું બજાર વધુ દબાયું હતું. હીરાબજારને એક ટેકાની જરૃર હતી, ત્યાં ડીટીસીએ રફના ભાવોમાં ઘટાડો આપતાં, વાતાવરણ વધુ ડહોળાવાની આશંકા સૌને છે, એમ હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
હીરા બજારમાં કામકાજ કરતાં એક વેપારીએ જણાવ્યું કે, ડીટીસીના રફના નવા ભાવો જાહેર થયા પછી મોટા ટ્રેડર્સ અને વેપારીઓ પોલીશ્ડની ખરીદી ઉપર બ્રેક મારશે. રફ સસ્તી થવાને કારણે પોલીશ્ડમાં પણ એટલો ફરક પડશે જ. એક્ષ્પોટર્સ પણ હવે પોલીશ્ડની નવી ખરીદી ટાળવાનું વલણ અખત્યાર કરશે. સમગ્રતયા પોલીશ્ડનું માર્કેટ હજુ વધુ નીચું જવાની ભીતિ વેપારીઓને છે. |