| Last Update : 24-Jan-2012,Tuesday |
|
|
| |
|
|
|
|
કેરી જોઇને જ પેટ ભરવું પડે તેવી સ્થિતિ
જાન્યુઆરી પુરો થવાનો છતાં ૮૦ ટકા આંબા પર મંજરી ફૂટી નથી |
|
| દર વર્ષે ડિસેમ્બરના અંતમાં આંબાવાડીઓ આમ્રમંજરીઓથી લચી પડે છેઃ કેટલાક ખેડૂતોના મતે આ વર્ષે સિઝન એક મહિનો મોડી રહેશે
વલસાડ, સોમવાર
વલસાડ-નવસારી જિલ્લામાં આ વર્ષે કેરીના સ્વાદરસિયાઓએ કેરીને જોઇને જ પેટ ભરી લેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જાન્યુઆરી માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. છતાં ૮૦ ટકા આંબાઓ પર આમ્રમંજરીઓ ફૂટી નથી. જો કે કેટલાક ખેડૂતોએ સીઝન મોડી થવાની શક્યતાઓ પણ દર્શાવી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લો કેરી માટે વખણાય છે. વલસાડી હાફુસનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું છે. આ વલસાડી હાફુસ ઉપરાંત અન્ય કેરીઓ આ વર્ષે સ્વાદરસિકોને ખાવા મળે એમ લાગતું નથી. દર વર્ષે ડિસેમ્બર માસના અંતમાં આંબા વાડીઓ આમ્રમંજરીથી લચી પડે છે. જાન્યુઆરી પુરો થાય ત્યાં સુધીમાં તો આંબા પર કેરીનામોરવા ઝૂલવા માંડે છે. ત્યારે આ વર્ષે કેરીના મોરવા તો ઠીક પરંતુ જાન્યુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. છતાં આમ્રમંજરી દેખાતી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ વલસાડ-નવસારી જિલ્લાની આંબાવાડીઓમાં માંડ ૨૦ ટકા આંબાઓ પર આમ્રમંજરી આવી છે. જ્યારે કેટલીક આંબાવાડીઓમાં હમણાં ફુટ નીકળવાનું શરૃ થયું છે.
વલસાડ તાલુકના ઝૂઝવા ગામે રહેતા અને ૨૫૦ થી ૩૦૦ જેટલા આંબાઓ ધરાવતા સંજયભાઇ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે માંડ ૨૦ ટકા આંબાઓ પર આમ્રમંજરી આવી છે. દર વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં આબાવાડીમાં ૫ વાર દવાનો છંટકાવ કરી દેવાતો હતો. જે આ વર્ષે ૧ જ વાર કરાયો છે. જો કે હાલમાં આંબા પર પીલવણી આવી રહી છે. આ પીલવણીની સાથે આમ્રમંજરી પણ ફુટે તેવી શક્યતાઓ છે.જ્યારે ધરમપુર એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના ચેરમેન જીવાભાઇ આહિરે આ વર્ષે સીઝન ૧ મહિનો મોડી રહેશે એમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાછલા વર્ષની સરખામણીએ આંબાઓ પર આમ્રમંજરી દેખાતી નથી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આમ્રમંજરી ફુટવાની શરૃઆત થઇ છે. પરિણામે આમ્રમંજરી સારા પ્રમાણમાં આવે તો ખેડૂતોની લગ્નની મૌસમ સારી જાય એમ છે. ચીખલી-ખેરગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે આગામી ૧૦ દિવસમાં કેરીની મૌસમ કેવી રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે એમ કહ્યું હતું. જો કે, ગત વર્ષની સરખામણી હાલની સ્થિતિ જોતાં માંડ ૨૦ ટકા જ આમ્રમંજરીઓ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આંબા પર આમ્રમંજરી આવે તો ખેડૂતોની લગ્ન મૌસમ સારી જાય એમ છે. બાકી હાલની સ્થિતિમાં કેરીને જોઇને જ સ્વાદરસિયાએ પેટ ભરવા પડે તેવી સ્થિતિ છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|