૩ મિત્રોને કાતિલ ઝેર ભેળવેલી દાબેલી ખવડાવીઃ એકનું મોત
અમદાવાદ, સોમવાર
પોતાના વર્ષો જૂના ત્રણ મિત્રોને મિત્રએ 'કાતિલ ઝેર' આપી દીધાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. પોતાની બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતાં મિત્રોની હત્યાનું કાવતરૃં ઘડીને સાબરમતીના કમલ યાદવ નામના યુવકે તેના ત્રણ મિત્રોને દારૃ પીવડાવી ઝેર ભેળવેલી દાબેલી ખવડાવી દીધી હતી. કાતિલ ઝેરથી મંગલ પ્રજાપતિ નામના યુવકનું મૃત્યુ થયું છે. જ્યારે, પંકજ ઉપાધ્યાય અને મનિષ રાઠોડ નામના યુવકોને ઝેરની ગંભીર અસર પહોંચી છે. 'દોસ્તીમાં દુશ્મની'નો કારસો રચનાર કમલ યાદવને શોધવા ચાંદખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જન્મદિવસની પાર્ટીના બહાને દારૃ પીવડાવી 'કાતિલ ઝેર' આપનાર વર્ષો જૂનો મિત્ર કમલ યાદવ ફરારઃ સાબરમતીના બે યુવક ગંભીર
સાબરમતીના વેલજીભાઈનો કુવો અને મોટેરા રોડ વિસ્તારમાં રહેતા મનિષ પપ્પુભાઈ રાઠોડ (ઉ.વ. ૧૯), પંકજ અશોકભાઈ ઉપાધ્યાય (ઉ.વ. ૨૬), મંગલ મૈયાદ્દીન પ્રજાપતિ (ઉ.વ. ૨૧) અને કમલ ઉર્ફે રાજુ સુરેન્દ્રસીંગ યાદવ (ઉ.વ. ૨૭) વર્ષોથી મિત્રો છે. ચાર મહિના અગાઉ કમલે ત્રણ મિત્રોને કહ્યું હતું કે- 'તેની બહેન સાથે ગૌરાંગ નામના યુવકને સંબંધો છે. ગૌરાંગને સીધોદોર કરવા માટે માર મારવો છે.' ત્રણેય મિત્રોએ મારામારી કરવાના બદલે ઠપકો આપીને કામ ચલાવવા સલાહ આપી હતી. બસ, આ મુદ્દે 'દોસ્તીમાં દરાર' પડી હતી. પરંતુ, ત્રણ મિત્રો ગૌરાંગને મળતા હોવાનું જાણવા મળતાં કમલ યાદવે ખતરનાક યોજના ઘડી હતી.
મંગળવારે સાંજે કમલ યાદવ મોટેરા રોડ ઉપર અલ્કાપુરી રો હાઉસમાં રહેતા જૂના મિત્ર પંકજ ઉપાધ્યાયને મળવા ગયો હતો. આ સમયે જ મનિષ રાઠોડ પણ આવી ગયો હતો. જૂનો મિત્ર કમલ લાંબા સમયે મળતાં મનિષે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કમલે કહ્યું હતું કે- 'ગત દિવાળીએ મારો જન્મદિવસ ગયો તેની પાર્ટી આપવાની બાકી છે.' મિત્રો વચ્ચે પાર્ટી યોજવા નિર્ણય લેવાયો. કમલ અને મનિષ રામનગરમાં જઈ દારૃની બોટલ લાવ્યા હતા. રાતે ૯-૩૦ વાગ્યાના અરસામાં તમામ મિત્રો સેલ્સ ઈન્ડીયા સામે ખૂલ્લા બગીચા જેવી જગ્યામાં મળ્યા હતા.
કમલ, મનિષ, પંકજ અને મંગલે સાથે મળીને દારૃ પીધો હતો. દારૃ પીધા પછી કમલે સાથે લાવેલી ત્રણ દાબેલી ખોલીને મનિષ, પંકજ અને મંગલને આપી હતી. મંગલે અડધી દાબેલી કમલને ખાવા આપી હતી. પરંતુ, 'ઘરે દાબેલી ખાઈને આવ્યો છું, ખવાશે નહીં' તેમ કહીને કમલે દાબેલી ખાધી નહોતી. મંગલ અને પંકજ આખી દાબેલી ખાઈ ગયા હતા. પરંતુ, મનિષે અડધી દાબેલી ખાતા કંઈક વાંધાજનક જણાતાં ફેંકી દીધી હતી. 'નમક જ્યાદા હૈ, ઈસલીયે ઐસા લગતા હોગા' તેમ કહેનાર મંગલે ઉલ્ટી જેવું થતું હોવાની ફરિયાદ કરી હતી. મનિષ તરત જ આંગળા નાંખી દાબેલી કાઢી નાંખી હતી. પંકજ અને મંગલને પણ ઉલ્ટી થવા લાગી હતી.
કંઈક અજૂગતું જણાતાં મનિષે તેના મિત્ર જનકને બોલાવી લીધો હતો. જનક તુરત કાર લઈને આવ્યો હતો અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્રણ હોસ્પિટલો ફર્યા બાદ ચાંદખેડાના આઈ.ઓ.સી. રોડ ઉપર સત્યમ હોસ્પિટલમાં ત્રણેયને દાખલ કરાયા હતા. મોડીરાતે મંગલ પ્રજાપતિનું મૃત્યુ થયું હતુ. હોસ્પિટલમાં અફરાતફરીનો ગેરલાભ લઈ ઝેર આપનાર મિત્ર કમલ યાદવ પલાયન થઈ ગયો હતો.
ચાંદખેડાના પી.આઈ. એસ.બી. ત્રિવેદીએ જણાવ્યું કે, જન્મદિવસની પાર્ટીના બહાને દારૃ પીવડાવી નાસ્તામાં દાબેલી સાથે કાતિલ ઝેર ભેળવી હત્યાનો પ્લાન ઘડનાર કમલ યાદવને શોધવા પોલીસની ટીમો કાર્યરત કરાઈ છે. પોલીસે ઝેર આપી હત્યા, હત્યાની કોશિષ અને કાવતરાંની કલમો નોંધી કાર્યવાહી આરંભી છે.
મિનિટોમાં હૃદય બંધ કરી દે તેવું કાતિલ ઝેર ભેળવ્યું
* ત્રણ મિત્રોને દાબેલીમાં ભેળવીને અપાયેલું ઝેર એટલું કાતિલ હતું કે મિનિટોમાં હૃદય બંધ કરી દે. હોમીયોપેથીમાં દવા તરીકે વપરાતાં છોડના મૂળનો એક ગ્રામ અર્ક મૃત્યુ માટે પૂરતો છે. આ અર્ક પર કેમિકલ પ્રક્રિયા કરતાં એવું ઝેર બને છે કે, બેથી છ મિલિગ્રામ ઝેર મૃત્યુ માટે પૂરતું છે. ઝેર લોહીમાં ભળી હૃદય સુધી પહોંચતા મંગલ મૃત્યુ પામ્યો. જ્યારે, પંકજ અને મનિષ ઉલ્ટી કરતાં બચી ગયાં છે. કયુ ઝેર હતું તે એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. કમલ આવું કાતિલ ઝેર ક્યાંથી લાવ્યો? તેની તપાસ પોલીસ કરે છે.
મંગલને આર્મીમાં જોડાવું હતું પંકજને કાલે નોકરી મળી હતી
* મિત્રના કારસાનો ભોગ બનેલો ૨૧ વર્ષનો મંગલ પ્રજાપતિ ઈન્ડીયન આર્મીમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યો હતો. પકોડીની લારી ચલાવતા પિતાની મદદ માટે પૂરીનો લોટ બાંધી પરત ફરી મિત્રો સાથે પાર્ટીમાં ગયેલા મંગલનું મૃત્યુ થયું છે. બીજા યુવક પંકજ ઉપાધ્યાયને એક રિસોર્ટમાં નોકરી મળી હતી અને આજે જોઈન થવાનો હતો. જ્યારે, દાબેલીમાં કંઈક લોચો હોવાની શંકા વ્યક્ત કરનાર ફરિયાદી મનિષ રાઠોડ રિક્ષા ચલાવે છે.
આરોપી કમલ બેકારઃ પિતા ONGC માં કાર્યરત છે
* પોતાની બહેનના પ્રેમીને માર મારવાની ના પાડનાર ત્રણ મિત્રો સાથે બદલો લેવા હત્યાનું કાવતરૃં ઘડનાર કમલ યાદવ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બેકાર છે. અગાઉ અમદાવાદના જુદા જુદા મોલ્સમાં નોકરી કરી ચૂકેલો કમલ નોકરીની તલાશમાં હતો. પોલીસે ઉમેર્યું કે, કમલના પિતા મહેસાણા ઓ.એન.જી.સી.માં નોકરી કરે છે. આરોપી કમલ ઝેર ખવડાવ્યા બાદ મિત્રો સાથે હોસ્પિટલ સુધી ગયા બાદ નાસી ગયો છે.