| (પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, સોમવાર
ગુજરાત સરકાર સાથે ૨૦૦૭, ૨૦૦૯ અને ૨૦૧૧ની વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં એમઓયુ કરનારા ૫૦૦ જેટલા કહેવાતા રોકાણકારોનો અત્તોપત્તો જ મળતો નથી. રાજ્યના મુખ્ય સચિવ અચલકુમાર જોતિએ છેલ્લી ત્રણ પરિષદોમાં જુદા જુદા પ્રોજેક્ટો માટે ખાનગી કંપનીઓ સાથે થયેલા એમઓયુની સમીક્ષા કરવા ગત શુક્રવારે યોજેલી બેઠકમાં આ ચોંકાવનારી બાબત બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે.
૨૦૦૭, ૨૦૦૯ અને ૨૦૧૧ની પરિષદોમાં થયેલા MOU ની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં બહાર આવેલી વિગતો
આ સમીક્ષા બેઠકમાં હાજર રહેલા ટોચના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ની વાઈબ્રન્ટ પરિષદોમાં ગુજરાત સરકારે ખાનગી સાહસિકો-કંપનીઓ સાથે લગભગ ૫ હજાર જેટલા એમઓયુ કર્યા હતા, જે પૈકી ૫૦૦ જેટલા રોકાણકારો એમઓયુ કર્યા પછી ફરક્યાં નથી એટલે આ રોકાણકારો પ્રોજેક્ટમાં આગળ ધપી રહ્યા છે કે કેમ તેની જાણકારી નથી, અધુરામાં પૂરું, આ કહેવાતા પ્રમોટરોનો સંપર્ક ક્યાં કરવો તેની વિગતો પણ ઉપલબ્ધ નથી, એટલે આખરે જે સરકારી નોડલ એજવ્સી મારફતે આ એમઓયુ થયા છે, તે એજન્સી મારફતે કહેવાતા પ્રમોટરો સુધી પહોંચવાનું નક્કી થયું છે.
અન્ય એમઓયુમાં રોકાણની સ્થિતિનું ઉદાહરણ આપતાં આ સૂત્રોએ જણાવ્યું હતું કે, દહેજમાં પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન-પીસીપીઆઈઆર કાતે ૭૮ હજાર કરોડ રૃપિયાના કુલ મૂડીરોકાણ માટે એમઓયુ થયા હતા, તે પૈકી અત્યાર સુધીમાં રૃા. ૧૪૧૨ કરોડનું રોકાણ આવ્યું છે, જે કુલ સૂચિત રોકાણના પૂરા ૨ ટકા પણ રોકાણ નથી ! પ્રવર્તમાન મંદીને કારણે આ અસર હોઈ શકે તેમ ઉલ્લેખતા સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે, સાણંદ સિવાયના વિસ્તારોમાં પ્રોજેક્ટો વિલંબમાં પડી રહ્યા છે, જ્યારે સાણંદમાં તાતાના નેનો પ્રોજેક્ટને પગલે ફોર્ડ અને પ્યૂજોટ કંપનીઓએ જમીન ખરીદ્યા બાદ બીજી દસેક કંપનીઓએ જીઆઈડીસી પાસેથી ચોરસ મીટર દીઠ રૃા. ૨૬૫૦ના ભાવે આશરે કુલ ૩૦૦ હેક્ટર જેટલી જમીન ખરીદી છે. |