
જોન સાથેના સંબંધોના અંત બાદ પ્રેમ વિશે પાઠ ભણાવવાનું જ્ઞાાન આવ્યું
(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૨૨
અભિનેતા જોન અબ્રાહમ સાથેના આઠ વર્ષના પ્રેમ સંબંધોનો અંત આવી ગયાં છતાં અભિનેત્રી બિપાશા બાસુ માટે હજુયે પ્રેમ 'જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા' છે, બિપ્સ માને છે કે, પ્રેમમાં વ્યક્તિએ પ્રામાણિક રહેવું જોઈએ.
પોતાની આગામી ફિલ્મ 'જોડી બ્રેકર્સ'ના સંગીતની રજૂઆત માટેના એક કાર્યક્રમમાં હાજર અભિનેત્રીએ કહ્યું હતું કે, 'હું પ્રેમની ભાષા સારી રીતે ભણાવી શકું છું. મારા માટે પ્રેમ ખૂબ મહત્ત્વ ધરાવે છે. જ્યારે પ્રેમની વાત આવે ત્યારે,... મારા જીવનમાં પ્રેમને સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પ્રેમ એટલે માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનો જ નહિ. પરંતુ પરિવાર, મિત્રો અને જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ તેના સહ-કલાકારો માટે પણ પ્રેમને પ્રાથમિકતા હોવી જોઈએ. મારા જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે તેથી હું, પ્રેમના પાઠ પણ ભણાવી શકું છું.'
બિપ્સે વધુમાં કહ્યું હતું કે, પ્રેમમાં પ્રામાણિકતા હોવી જ જોઈએ. તેના જણાવ્યા મુજબ, 'જ્યારે તમે પ્રેમ કરો ત્યારે... માત્ર પ્રેમ કરો, દિલથી કરો. મને લાગે છે જ્યારે તમે સાચા પ્રેમી હો તો તમે જેને પ્રેમ કરતા હો તેને વફાદાર રહો અને દિલના ઊંડાણથી પ્રેમ કરો.'
ગયા વર્ષે જ્હોન સાથે સંબંધોનો અંત આવ્યા બાદ આ અભિનેત્રીનું નામ રાણા દગુબટ્ટી, શાહિદ કપૂર અને જોશ હારનેટ જેવા સહ અભિનેતાઓ સાથે જોડાયેલું રહ્યું હતું. કહેવાય છે કે, જ્હોન સાથે લગ્ન કરવાનો આગ્રહ કરતાં જ્હોને તેને તરછોડી દીધી હતી.
રસપ્રદ વાત એ પણ છે કે, જ્હોન હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકર પ્રિયા રૃંચાલના પ્રેમમાં છે અને પ્રિયા સાથે ટૂંક સમયમાં પરણી જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી રહ્યો છે.