મંગળવારથી એડીલેઇડમાં શરૂ થનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ વિશે ઇંતેજારી રહેવાનું એકમાત્ર કારણ એ હોય કે ધોબીપછાડો ખાઇ ચૂકેલી ટીમમાં કશો ફેરફાર થાય છે? રાષ્ટ્રિય હીરો જેવું મહત્ત્વ અને કવચિત લશ્કરી હોદ્દા-માનદ્ ડિગ્રીઓ ખાટતા ભારતીય ક્રિકેટરોના લમણે જીત થાય ત્યારે અપ્રમાણસરની પ્રશંસા અને હાર થાય ત્યારે એટલી જ આકરી ટીકા લખાયેલાં હોય છે. પરંતુ છેલ્લા થોડા વખતથી ભારતીય ટીમ સાથે જે થઇ રહ્યું છે, તે જોતાં ખરેખર તો શું થઇ રહ્યું છે એ સમજવું અઘરું પડે એમ છે.
આખરે એવું શું બન્યું કે ટેસ્ટ ક્રિકેટમાં અવ્વલ નંબરનું સ્થાન ધરાવતી ભારતની ક્રિકેટટીમ ટૂંક સમયમાં એ સ્થાનેથી ગબડી પડી. એટલું જ નહીં, એવી ચત્તાપાટ પડી કે ઊભી જ ન થઇ શકે? આ સવાલ અત્યારે જવાબ મેળવવા કરતાં પણ વધારે રોષની અભિવ્યક્તિ માટે પૂછવામાં આવે છે. જેમની સફળતાએ અનેક થિયરીને જન્મ આપ્યો અને ચાલતી ગાડીએ ચડવામાં ઉસ્તાદ મેનેજમેન્ટ સંસ્થાઓને વિષયો પૂરા પાડ્યા, એવા ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્રસંિઘ ધોની ‘કૂલ’ને બદલે ‘ફ્રિઝ’ કેમ થઇ ગયા? તેમના કપ્તાનપદ હેઠળ ભારત વિદેશની ધરતી પર લાગલગાટ છેલ્લી એક-બે નહીં, પૂરી સાત ટેસ્ટમેચમાં ખરાબ રીતે હારી ચૂક્યું છે. હાર-હારમાં પણ ફરક હોય છે. વન ડેના વર્લ્ડ કપમાં વિશ્વવિજેતા બનેલી ‘ટીમ ઇન્ડિયા’નો સાતેસાત મેચમાં ફક્ત પરાજય થયો નથી, ખુરદો બોલી ગયો છે. તમામ સાત મેચ સદંતર એકતરફી નીવડી છે. ડ્રોમાં કાઢવાનો પ્રયાસ પણ ભારતીય ક્રિકેટરો- ખાસ કરીને બેટ્સમેન- તરફથી જોવા મળ્યો નથી.
છેલ્લી સાત ટેસ્ટ મેચમાંથી ચાર તો ભારતની ટીમ એક ઇનંિગથી હારી છે. બાકીની ત્રણમાંથી એકમાં ૩૦૦ કરતાં વઘુ રનથી, બીજીમાં લગભગ ૨૦૦ રનથી અને ત્રીજીમાં ૧૦૦ કરતાં પણ વધારે રનથી હાર થઇ છે. કાગળ પર બળુકી લાગતી બે ટીમ રમતી હોય ત્યારે લાગલગાટ સાત મેચ સુધી હારનો આટલો મોટો ગાળો જળવાઇ રહે, એ ભારતીય ટીમની શરમજનક ‘સિદ્ધિ’ છે. તેમાં ઉમેરો કરતી અને ભારતના મજબૂત- વિશ્વ કક્ષાના બેટંિગ ઓર્ડરના ધજાગરા કરતી હકીકત એ છે કે સાતમાંથી ફક્ત બે જ ટેસ્ટ મેચ પાંચમો દિવસ જોવા પામી છે. બાકીની પાંચે મેચમાં ચોથા દિવસ સુધીમાં ભારતનું ફીંડલું વળી ગયું છે. એમાં વળી છેલ્લી મેચ તો પૂરા ત્રણ દિવસ પણ ચાલી નથી.
બેફામ વ્યાવસાયિકરણ માટે કુખ્યાત ભારતીય ક્રિકેટરો એ બાબતનું આશ્વાસન લઇ શકે છે કે હજુ સુધી તેમના મોડેલંિગના કરાર ચાલુ છે. બહુમતી ક્રિકેટરોએ રમતને ભલે તજી દીધી હોય, પણ કંપનીઓએ તેમને તજી દીધા નથી. આ ચેષ્ટા પાછળ ઉદારતા નહીં, પણ વ્યાવસાયિક ગણતરી અને ભારતીય પ્રજાની ક્રિકેટઘેલછા પર કંપનીઓનો વિશ્વાસ કારણભૂત છે. એ જાણે છે કે ગમે તેટલી શરમજનક હાર પછી એકાદ સિરીઝ સારી જશે, એટલે પ્રજા બઘું ભૂલી જશે અને જયજયકાર બોલાવવામાં પડી જશે. અમથો પણ ઘણાખરા ક્રિકેટપ્રેમીઓને જેટલો રસ ભારતની જીતમાં હોય છે, એટલો ક્રિકેટની સારી રમતમાં હોતો નથી. એટલે જીત મળતાંની સાથે જ રમત વિશેની ચર્ચા અને તેનાં નબળાં-સબળાં પાસાં વિશેના પૃથક્કરણ પર પૂર્ણવિરામ મૂકાઇ જાય છે.
ભારતની ક્રિકેટટીમના ખરાબ દેખાવ માટે પહેલી આંગળી ઇન્ડિયન પ્રીમિયર લીગની મનોરંજક ટુર્નામેન્ટ ભણી ચીંધવામાં આવે છે. વીસ ઓવરની આઇ.પી.એલ.માં થોડાં કરતબ બતાવીને અઢળક નાણાં કમાઇ શકાતાં હોય, તો ટેસ્ટ મેચની પાંચ દિવસની ‘સાધના’માં કોને, કેટલો અને શા માટે રસ પડે? આઇપીએલ ફક્ત ક્રિકેટનો અલગ પ્રકાર નથી, એક પ્રકારની સંસ્કૃતિ (કે વિકૃતિ) છે, જેની અસર લાંબા ગાળે મુખ્ય ધારાની- ગંભીર રમત પર પડ્યા વિના રહેતી નથી.
અલબત્ત, દરેક હાર વખતે અને કોઇ પણ ખેલાડીની નિષ્ફળતા ટાણે આઇ.પી.એલ. પર દોષનો ટોપલો ઢોળી દેવાનું પણ યોગ્ય નથી. એ સિવાયનાં બીજાં ઘણાં કારણ જવાબદાર હોઇ શકે છે. દરેક વખતે હાર વેઠતી ટીમને શાબ્દિક ડફણાં ફટકારીને બેસી રહેવાથી પણ કામ સરતું નથી. પસંદગી સમિતિએ ગણતરીપૂર્વકનો જુગાર ખેલીને, ટીમમાં ફેરબદલ કરીને, હારવાનું નક્કી જ હોય ત્યારે નવા ખેલાડીઓને તક આપવી જોઇએ. પરંતુ ભારતમાં ટીમમાં પસંદગીનાં ધોરણ વિચિત્ર લાગે એટલી હદે વિશિષ્ટ છે. ૧૭ જણની બૃહદ ટીમમાં સ્થાન પામેલા નવોદિતોનો એટલે જ હાર ઉપર હાર ખાતી ટીમમાં ઝડપથી નંબર લાગતો નથી અને ઉપરાછાપરી નિષ્ફળ જતા જૂના-અનુભવી-પાકા ખેલાડીઓનું સ્થાન ટકી રહે છે. સવાલ એવો નથી કે નીવડેલા ખેલાડીઓની થોડી નિષ્ફળતા પ્રત્યે અસહિષ્ણુતા બતાવીને તેમને અપમાનપૂર્વક તગેડી મૂકવા. સાથોસાથ, જૂની-નીવડી ચૂકેલી અને નિવૃત્તિ તરફ આગળ વધી રહેલી હસ્તીઓને ક્યાં સુધી નવી પ્રતિભાઓના પ્રદર્શન આડે ધરી રાખવી? તેની વચ્ચેનું સંતુલન સધાય તો જૂનાના અનુભવ અને નવાના પ્રતિભાવિસ્ફોટનો લાભ ટીમને મળે અને પરાજયોથી વેરવિખેર બનેલી ટીમ ફરી હુંકાર ધરાવતી-સંગઠિત થાય.
|
|