Last Update : 23-Jan-2012,Monday
 

૧૨૩ વર્ષ જૂની કોડાક કંપની કેમ દેવાળું કાઢી રહી છે?

 

ડિજિટલ ટેકનોલોજીના યુગ સાથે તાલ ન મિલાવી શકવાને કારણે કેમેરાની શોધ કરનારી કંપની પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે

અમેરિકાનું અર્થતંત્ર એવી મુસીબતમાં છે કે એક પછી એક પ્રસિદ્ધ કંપનીઓ દેવાળું ફૂંકવા મજબૂર બની રહી છે. તેમાં હવે ૧૨૩ વર્ષ જૂની કોડક કંપનીનું નામ પણ ઉમેરાયું છે. કોડક કંપની કેમેરાનો અને ફોટોગ્રાફીનો પર્યાય ગણાય છે હાથમાં પકડવાના કેમેરાની શોધનો યશ કોડાકને ફાળે જાય છે. હોલિવૂડની ફિલ્મોની કોડક વિના કલ્પના પણ કરી શકાય નહીં. હોલિવૂડની મોટા ભાગની ફિલ્મોની પ્રિન્ટ કોડાકની ફિલ્મ ઉપર જ તૈયાર થતી હતી. ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં ડિજીટલ ફોટોગ્રાફી અને ડિજીટલ પ્રિન્ટનો જમાનો શરૃ થયો તેની સાથે કોડાકના ધંધામાં ઓટ આવવા લાગી. સમય સાથે તાલ ન મિલાવી શકવાને કારણે કોડક કંપનીએ અમેરિકાના કાયદા મુજબ ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી છે. આજથી માત્ર નવ વર્ષ અગાઉ કોડકમાં ૬૩,૯૦૦ કર્મચારીઓ નોકરી કરતા હતા. આજની તારીખમાં તેમની સંખ્યા સંકોચાઇને ૧૭,૦૦૦ની રહી ગઇ છે.
કોડક કંપનીની સ્થાપના જ્યોર્જ ઇસ્ટમેને ઇ.સ. ૧૮૮૯ની સાલમાં કરી હતી. જ્યોર્જ ઇસ્ટમેનની સાથે ડેવિડ હ્યુસ્ટન નામનો ફોટોગ્રાફર હતો, જેની પાસે કેમેરા બાબતના ઘણા આઇડિયા હતા. ડેવિડ હ્યુસ્ટન નોર્થ ડાકોટા સ્ટેટનો રહેવાસી હતો એટલે તેણે પોતાની કંપનીનું નામ નોડક રાખ્યું હતું. હ્યુસ્ટન પાસે કેમેરાની ઘણી પેટન્ટો હતી. આ પેટન્ટો તેણે ઇસ્ટમેનને વેચી દીધી. ઇસ્ટમેને આ પેટન્ટો સાથે નોડક નામ પરથી પ્રેરણા લઇને કોડક કંપનીની સ્થાપના કરી. કોડક નામકરણમાં ઇસ્ટમેનની માતાનો પણ મહત્વનો ફાળો હતો. કોડક કંપનીએ અમેરિકામાં સસ્તા કેમેરા વેચવાની શરૃઆત કરી. તેઓ કેમેરાની સાથે ફોટો ફિલ્મો અને પ્રોસેસીંગ માટેનાં કેમિકલ્સ પણ વેચતા હતા. આ રીતે તેમનો ધંધો ઝડપથી વધવા લાગ્યો. એક સમયે અમેરિકામાં ફોટોગ્રાફી અને કોડક શબ્દો એકબીજાના પર્યાય ગણાતા હતા. ઇ.સ. ૧૯૭૬ની સાલમાં અમેરિકામાં જેટલા કેમેરા વેચાતા હતા તેમાંના ૮૫ ટકા કોડક કંપનીના વેચાતા હતા અને ૯૦ ટકા ફોટો ફિલ્મ પણ કોડક કંપનીની વેચાતી હતી.
ઇ.સ. ૧૯૮૦ના દાયકામાં જપાનની ફુજીફિલ્મ કંપનીએ અમેરિકાના બજારમાં પ્રવેશ કર્યો તેના સાથે કોડકના પતનનો પ્રારંભ થયો હતો ફુજી ફિલ્મ કંપની કોડક જેવી જ પ્રોડક્ટ સસ્તી કિંમતે વેચી રહી હતી. કોડકના મેનેજરો એવા ભ્રમમાં હતા કે અમેરિકાના ગ્રાહકો તેમના માટે પવિત્ર ગણાતી કોડક બ્રાન્ડનો કદી ત્યાગ નહીં કરે. આ આશાવાદ ઠગારો પુરવાર થયો. ફુજી કંપનીએ અમેરિકામાં જ ફિલ્મનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાંખ્યો. ફુજીના આક્રમક વેચાણ અને ઓછા ભાવના કારણે તેનો બજારમાં હિસ્સો સતત વધતો ગયો. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં અમેરિકાની બજારમાં ફુજીફિલ્મનો હિસ્સો ૧૦ ટકા હતો તે ઇ.સ. ૧૯૯૭માં વધીને ૧૭ ટકા ઉપર પહોંચી ગયો. આ ગાળામાં કોડકનો હિસ્સો ૮૦ ટકા પરથી ઘટીને ૭૪ ટકા ઉપર આવી ગયો હતો. કોડકે જપાનની માર્કેટમાં પ્રવેશવાની કોશિષ કરી પણ તેને ધારી સફળતા ન મળી.
ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં કોડકના સંચાલકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે ફોટો ફિલ્મનો જમાનો પૂરો થયો છે અને ડિજીટલ પ્રિન્ટનો જમાનો આવી રહ્યો છે. આ કારણે કોડકના તત્કાલિન સીઇઓ જ્યોર્જ ફીશરે ડિજીટલ ટેકનોલોજી તરફ પ્રયાણ કરવા માટે એક દાયકાની યોજના તૈયાર કરી હતી,પણ આ યોજનાનો તેઓ અસરકારક રીતે અમલ કરી શક્યા નહોતા. ઇ.સ. ૧૯૯૪માં એપલ કંપનીએ 'ક્વિકટેક' નામના ડિજીટલ કેમેરા બજારમાં મૂક્યા તેનું ઉત્પાદન હકીકતમાં કોડકે કર્યું હતું. તેઓ પોતાની જ પ્રોડક્ટનો લાભ લેવામાં નિષ્ફળ ગયા હતા.
ઇ.સ. ૨૦૦૦ની સાલ સુધીમાં બજારમાં જાતજાતના ડિજીટલ કેમેરા મળવા લાગ્યા હતા. જપાનની સોની કંપનીએ તેની આગેવાની લીધી હતી. કોડકનો ફોટોગ્રાફિક ફિલ્મનો ધંધો ખતમ થઇ રહ્યો હતો પણ તેનો કેવી રીતે મુકાબલો કરવો એ કંપનીના સંચાલકોને સમજાતું નહોતું. ઇ.સ. ૨૦૦૧માં ટ્વીન ટાવર ઉપર હુમલો થયો તેને પગલે અમેરિકામાં આર્થિક મંદીનો માહોલ ઊભો થયો અને કેમેરાનું વેચાણ ઘટવા લાગ્યું. ડિજીટલ કેમેરાના પડકારને પહોંચી વળવા કોડકે મોડે મોડે 'ઇઝીશેર'ની બ્રાન્ડ હેઠળ ડિજીટલ કેમેરા બનાવવાનું શરૃ કર્યું. આ કેમેરાથી પાડવામાં આવેલી તસવીરો સહેલાઇથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાતી હતી. અમેરિકામાં ડિજીટલ કેમેરાની બજારમાં કોડકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ઇ.સ. ૨૦૦૫ની સાલમાં કોડકે અમેરિકામાં ૫.૭ અબજ ડોલરના ડિજીટલ કેમેરાઓ વેચ્યા હતા.
ડિજીટલ કેમેરાના ધંધામાં પણ જપાનની સોની વગેરે કંપનીઓ કોડક કરતાં આગળ નીકળી ગઇ. આ કંપનીઓ સસ્તા ડિજીટલ કેમેરાઓ વેચતી હતી અને તમાં નિતનવા ફીચર્સ ઉમેર્યા કરતી તી. કોડક કંપની આ ક્ષેત્રમાં નંબર વન હતી પણ તે પ્રત્યેક કેમેરા ઉપર ૬૦ ડોલરની ખોટ ખાતી હતી. કોડક કંપનીને ફોટો ફિલ્મના ધંધામાં વધુ નફો થતો હતો, પણ તેનું વેચાણ સતત ઘટયા કરતું હતું.
ઇ.સ. ૨૦૧૦ના દાયકામાં મોબાઇલમાં કેમેરા આવવા લાગ્યા, જેને કારણે ડિજીટલ કેમેરાની ડિમાન્ડ ઓછી થવા લાગી. ઇ.સ. ૨૦૦૭માં કોડકમાં કોડક કંપનીનો ડિજીટલ કેમેરાના વેચાણમાં હિસ્સો ૯.૬ ટકા હતો અને તેનું ચોથું સ્થાન હતું. ઇ.સ. ૨૦૧૦ની સાલમાં તે સાતમાં સ્થાને ધકેલાઇ ગઇ અને તેનો માર્કેટ શેર ઘટીને સાત ટકા થઇ ગયો હતો. આજની તારીખમાં કેનોન, સોની અને નિકોન જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં કોડક કરતાં આગળ નીકળી ગઇ છે.
ઇ.સ. ૨૦૦૭ની સાલથી કોડક કંપનીના સંચાલકો તેને ઉગારવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી કોડક કંપની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતાની ફેકટરીઓમાં જ કરતી હતી. સીઇઓ એન્ટેનિયો પેરેઝે એક પછી એક ફેકટરીઓ બંધ કરવા માંડી અને બહારની કંપનીઓ પાસે ઉત્પાદન કરાવવા માંડયું. આ પ્રક્રિયામાં તેણે ૨૭,૦૦૦ કામદારોને છૂટાકરી દીધા. તેણે પોતાના બધા પ્રયાસો નવી ટેકનોલોજી શોધવામાં કેન્દ્રિત કર્યા. ફોટો ફિલ્મના વેચાણમાં આવેલી ઓટને સરભર કરવા તેમણે પ્રિન્ટરની ઇન્કના બજારમાં ઝંપલાવી દીધું. એચપી કંપનીના પ્રિન્ટરની મોંઘીદાટ ઇન્ક સામે ટક્કર આપવા તેમણે સસ્તી ઇન્ક ધરાવતાં પ્રિન્ટરો બજારમાં મૂક્યા. આ માટે નવી ટેકનોલોજી પાછળ તેણે ધૂમ ખર્ચાઓ કર્યા. હવે એવી પરિસ્થિતિ આવી રહી છે કે લોકો પ્રિન્ટરનો ઉપયોગ કરવાને બદલે કોમ્પ્યુટરમાં અને મોબાઇલમાં જ માહિતી સાચવી રાખે છે, જેને કારણે પ્રિન્ટરોનું વેચાણ પણ ઘટી રહ્યું છે. આ બાબતમાં પણ નસીબ કોડક કરતાં બે ડગલાં આગળ ચાલી રહ્યું છે.
કોડક કંપનીમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ખર્ચાઓ સતત વધતા રહ્યા છે અને આવકના સાધનો ઘટતાં રહ્યાં છે. કોડક દ્વારા જે નવી ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવે છે તે ગણતરીના વર્ષોમાં જૂની થઇને નકામી બની જાય છે.
આ કારણે કોડક કંપનીના કેશ રિઝર્વમાં સતત ગાબડાં પડી રહ્યાં છે. ઇ.સ. ૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં તેની પાસે ૧.૬ અબજ ડોલરની રોકડ હતી તે જૂનમાં ઘટીને ૯૫.૭ કરોડ ડોલર ઉપર આવી ગઇ હતી.
સપ્ટેમ્બર મહિનાના અંતે કોડક કંપનીની અસ્કયામતો ૫.૧ અબજ ડોલરની હતી અને તેની જવાબદારીઓ વધીને ૬.૭૫ અબજ ડોલર પર પહોંચી ગઇ હતી. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કોડકના શેરના ભાવો સતત ગબડી રહ્યા હતા. આ સંયોગોમાં કોડક પાસે નાદારી નોંધાવવા સિવાય કોઇ વિકલ્પ જ બાકી નહોતો રહ્યો. કોડક કંપનીએ નાદારીની પ્રક્રિયા દરમિયાન પોતાના વ્યવહારો ચલાવવા સિટી જૂથ પાસેથી ૧૮ મહિના માટે ૯૫ કરોડ ડોલરની લોન પોતાની મિલકતો ગિરવે મૂકીને મેળવી છે.
આજથી ૧૫ વર્ષ અગાઉ કોડક કંપનીના શેરોની બજારકિંમત ૩૧ અબજ ડોલર હતી, જે આજે ઘટીને ૧૫ કરોડ ડોલર રહી ગઇ છે. કોડક કંપની પાસે અત્યારે જે મૂડી છે તેમાં મુખ્યફાળો તેની પાસે રહેલી ૧,૧૦૦ જેટલી ડિજીટલ ફોટોગ્રાફીની પેટન્ટોનો છે. આ પેટન્ટોનો ઉપયોગ લગભગ દરેક ડિજીટલ કેમેરા, સ્માર્ટફોન અને ટેબ્લેટ પીસીમાં થઇ રહ્યો છે. જો કોડક કંપની આ પેટન્ટો વેચીને મૂડી ઉભી કરવાની કોશિષ કરશે તો તેના ધંધામાં હજી વધુ ઘટાડો થશે. કોડક કંપનીએ નાદારી નોંધાવી તેને કારણે તેના ૧૭,૦૦૦ વર્તમાન કર્મચારીઓના અને હજારો ભૂતપૂર્વ કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા છે.
આ કર્મચારીઓને હવે પગાર મળશે કે નહીં તેનો કોઇ ભરોસો રહ્યો નથી. વળી અગાઉ જે કર્મચારીઓએ પેન્શન અને નિવૃત્તિ પછીના લાભોના લોભમાં નોકરી છોડી તેમણે પણ હવે રાતા પાણીએ રોવાનો વારો આવશે.
બહુ આશ્ચર્યની વાત એ છે કે કોડકના એક એન્જિનિયરે છેક ૧૯૭૦ના દાયકામાં ૦.૦૧ મેગાપ્રિકસલનું રિસોલ્યુશન ધરાવતો ડિજીટલ કેમેરા બનાવ્યો હતો, પણ કોડક કંપનીને ડર હતો કે આ કેમેરા તેમના ફિલ્મના ધંધાને ખાઇ જશે. આ કારણે કોડક કંપનીએ છેક ઇ.સ. ૨૦૦૧ની સાલમાં ડિજીટલ કેમેરા બનાવવાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે કેનોન કંપનીના ડિજીટલ કેમેેરા બજારમાં મળતા થઇ ગયા હતા. આ રીતે પોતાની પાસે નવી ટેકનોલોજી હોવા છતાં તેનો યોગ્ય રીતે તેમજ યોગ્ય સમયે ઉપયોગ ન કરવાને કારણે કોડક કંપની દેવાળું ફુંકવાને આરે આવી ઉભી છે. આજનું વિશ્વ એટલું ઝડપથી બદલાઇ રહ્યું છે કે જેઓ આ દોટમાં પાછળ રહી જાય તેમનો વિનાશ નક્કી છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved