માત્ર અમદાવાદમાં જ ટ્યુશનીયા શિક્ષકોનો ૨૦૦ કરોડથી વઘુ બિઝનેસ ટર્ન ઓવર છે. આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે પણ અમદાવાદના એકસોને દસ વિસ્તારોમાં મિનિમમ પાંચ ટ્યુશન ક્લાસીસનો અંદાજ કાઢતા એક સર્વેમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ટ્યુશન ક્લાસીસ આજે પણ ફેક્ટરીઓની જેમ જ ત્રણ પાળીઓમાં ધમઘમી રહ્યા છે.અમદાવાદનું એક બાળક સરેરાશ આઠ કલાક શાળા અને ટ્યુશનમાં કાઢે છે એ પછીના કલાકોમાં પણ તેના પર મા-બાપનું સતત દબાણ કરવામાં આવે છે.
દસ વર્ષ અગાઉ તૈયાર કરાયેલા નિયમને આજે શહેરના ટ્યુશનીયા ટીચરોએ પસ્તી ભેગો કરી દીધો છે. સાત વર્ષ અગાઉ ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું કે સરકારી કે ગ્રાન્ટ મેળવતી શાળાના ટીચર પ્રાઇવેટ ટ્યુશન કલાસીસ કે ખાનગી ટ્યુશન કરાવી ન શકે. આજે માત્ર ઔપચારિક્તા ખાતર જ ‘હું ટ્યુશન નથી કરતો ’ એવું શિક્ષકો પાસે હસતા હસતા લખાવવામાં આવે છે. જો કોઇ ટીચર આ નિયમને ભંગ કરે તો સ્કૂલ મેનેજમેન્ટ સરકારને જાણ કરી તે ટીચર સામે પગલાં લેવા.. આજે જ્યારે ૨૦-૨૦ ભારતની વાત કરી રહ્યા છીએ ત્યારે શહેરની સ્કૂલો જાણે કે આ નિયમને ભૂલી જ ગઇ છે અને ઠેર ઠેર બિલાડીના ટોપ સમાન ઘરોમાં કે પ્રાઇવેટ ટ્યુશનમાં ટીચર શિક્ષણમાંથી નફો રળી રહ્યાં છે. એક તરફ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓએ ઉઘાડી લૂંટ તો આદરી જ છે સાથે ત્યારે કરોડોનો કહી શકાય તેવું આ અનઓર્ગેનાઈઝ સેક્ટર ગુજરાતના શિક્ષણને ડામાડોળ કરી નાંખશે.
અત્યારે ધોરણ ૧૦,૧૧,૧૨ના વિદ્યાર્થીઓ ટ્યુશન કલાસીસમાં વઘુ જતાં હોય છે. ફિઝિક્સ, સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લીશ જેવા વિષયો માટે વિદ્યાર્થીઓ ટ્યુશન કલાસીસ જોઇન્ટ કરે છે. શહેરમાં ટ્યુશનનો સૌથી વઘુ કાળો કારોબાર નારણપુરા અને વસ્ત્રાપુરમાં વિસ્તરેલો છે. જે વિસ્તારમાં સારી શાળાઓ છે ત્યાંજ આ દૂષણે માઝા મૂકી છે. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કે યુનિવર્સિટીના પ્રાઘ્યાપકો પણ આ પ્રથામાં શામેલ છે. દરેકને ઝડપથી પૈસાદાર થવા માટે આ ક્ષેત્ર વઘુ અનુકૂળ લાગે છે અને એટલા માટે જ એન્જિનીયરીંગ કરીને શિક્ષક બનીને વિદ્યાર્થીઆને ખેંચનારો આગવો શિક્ષક વર્ગ શહેરમાં એક્ટિવ છે.
પ્રાઇવેટ ટ્યુશન કલાસીસ ખોલવા માટે કોઇ મંજૂરીની જરૂર પડતી નથી. ટ્યુશન કલાસીસમાં સરકારી કે ગ્રાન્ટેબલ સ્કૂલના શિક્ષક જો સર્વિસ કરતાં હોય તો સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જણાવવામાં આવે તો શિક્ષક સામે પગલાં લઇ શકાય તેવું જણાવતાં જિલ્લા શિક્ષણ અધિકારી આર.આઇ. પટેલ કહે છે કે શહેરમાં અનેક ટ્યુશન કલાસીસ છે પરંતુ જો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવે તો અમે શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લઇ શકીએ છીએ બાકી અમે કોઇ કાર્યવાહી ટ્યુશન કલાસીસમાં જઇને ન કરી શકીએ. હાલની પરિસ્થિતિએ છે કે ગઇ સાલે સરકારી શિક્ષકો બે પકડાયાં હતાં
શહેરની પ્રાઇવેટ ટ્યુશન કલાસિસમાં શિક્ષકને સવા બે કલાકનાં દસ હજાર રૂપિયા મળે છે તો શા માટે કલાસીસનો સહારોના લે તેવું એક શિક્ષકે નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું. આ અંગે એક શિક્ષક કહે છે હજુ પણ ઘણી ગ્રાન્ટ મેળવતી સ્કૂલોમાં ટીચરને લધુતમ વેતન કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. શહેરની ૮૦% સાયન્સ અને ઇંગ્લીશ સ્કૂલોના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જતાં હોય છે. હજૂ પણ વિદ્યાર્થીના માતા-પિતા એવું માની રહ્યાં છે કે સ્કૂલમાં ભણાવાતું નથી અને પૈસા ખર્ચીને બાળકને ટ્યુશનમાં મૂકવામાં આવે તો સારું શિક્ષણ મળે છે. ટ્યુશનમાં જ બાળક મહેનત કરી શકે છે. જો કે કેટલાંક મા-બાપ પણ આ પ્રથાને મહત્વ આપવા માટે જવાબદાર છે.
શહેરની એક ટ્યુશન કલાસીસના સંચાલક કહે છે કે અમારા ત્યાં સાયન્સના ટ્યુશનમાં વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો વિદ્યાર્થીએ ત્રણ વર્ષ અગાઉ પોતાનું રજિસ્ટ્રેશન કરાવું પડે છે. એટલે કે વિદ્યાર્થી આઠમાં ધોરણમાં ભણતાં ભણતાં જ સાયન્સ માટે અગાઉથી એડમિશન લઇ લેવાનું હોય છે નહીતર દસ પછી તમે અમારે ત્યાં એડમિશન લેવા આવો તો અમારા ટ્યુશનમાં એડમિશન ન મળે.
છેલ્લે શિક્ષણ તંત્ર કેટલું ફૂટલું અને વામણું છે તેનો સીધો દાખલો તમને સેટેલાઈટ ખાતે આવેલા અને ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં કામ કરતા પ્રો.સથવારાના ૩૦૦થી વઘુ વિદ્યાર્થીઓથી ધમઘમતા ક્લાસીસથી જાણવા મળે. આ તો એક નાનું ઉદાહરણ છે પણ શિક્ષણ વિભાગના મહાનુભાવો પણ એમના બાળકોને ભણાવવા માટે ટ્યુશનપ્રથાથી બાકાત નથી. અને છેલ્લે એક વાત...
શાળામાંથી ઘરે જતા શિક્ષકને પૂછવામાં આવે છે...‘આજની નોકરી પુરી થઈ ’ તો શિક્ષક જવાબ આપે છે... ના હવે શરૂ થઈ.
જવાબદાર કોણ?
- પહેલો જવાબદાર- શિક્ષક
- બીજો જવાબદાર -વાલી
- ત્રીજો જવાબદાર- શિક્ષણ વિભાગ અને
- છેલ્લે સમાજિક સરખામણી કરવાની પ્રથા
ટ્યુશન કલાસીસમાં જઇને કાર્યવાહી ન કરી શકીએ
શહેરમાં અનેક ટ્યુશન કલાસીસ છે પરંતુ જો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવે તો અમે શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લઇ શકીએ છીએ. બાકી અમે કોઇ કાર્યવાહી ટ્યુશન કલાસીસમાં જઇને ન કરી શકીએ. હાલની પરિસ્થિતિએ છે કે ગયા વર્ષે બે સરકારી શિક્ષકો પકડાયાં હતાં. પરંતુ અમે પણ આ પ્રથા સામે ફરીયાદી વગર લાચાર છીએ.
- આર.આઇ. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી |