નવી દિલ્હી, તા. ૨૨
પંજાબમાં આગામી ૩૦મી જાન્યુઆરીએ વિધાનસભાની ચુંટણી યોજાઈ રહી છે. શિરોમણી અકાલી દળે રવિવારે પોતાનો ચુંટણી ઢંઢેરો બહાર પાડયો હતો. જેમાં તેમણે રાજ્યના તમામ ધોરણ દસ તેમજ બારમા ભણતા વિદ્યાર્થીઓને ડેટા કાર્ડ સાથે લેપટોપ પુરા પાડવાનું વચન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહના પક્ષ સમાજવાદી પાર્ટીએ પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન આપ્યું છે.
ચૂંટણી ઢંઢેરામાં વિકાસને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે. જેમાં આગામી એક વર્ષમાં રાજ્યને વીજળીનો વધારો ધરાવતું રાજ્ય બનાવવાની તેમજ માલવાને ટેક્સટાઈલ હબ તરીકે વિકસાવવાનું વચન અપાયું છે. લુધીયાણા ખાતે નાયબ મુખ્યપ્રધાન સુખબીરસિંહ બાદલે પક્ષનો ચુંટણી ઢંઢેરો ખુલ્લો મુક્યો હતો જેમાં નદી અને પાતાળકુવામાંથી પાણી લેતા ખેડૂતોને મફત વિજ સુવિધા આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
ઢંઢેરામાં કોમી એકતા, ભ્રષ્ટાચારને સહેજ પણ ચલાવી ન લેવો. સેવા મેળવવાનો અધિકાર, જન લોકપાલની જેવી જ સત્તા ધરાવતા લોકાયુક્ત લાવવા. ગરીબોને બે લાખ સુધીની મફત સારવાર, તેમજ ગરીબોને ચાર કીલો લોટ અને ૨૦ કિલો દાળ આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું છે. અકાલી દળે હાલ ભાજપ સાથેના ગઠબંધન સાથે ફરી સત્તામાં આવવાની આશા વ્યક્ત કરી હતી.
એક્ઝિટ પૉલ પર પ્રતિબંધ
દેશનાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગેના એક્ઝિટ પૉલ, તમામ ચૂંટણીમાં મતદાન પૂરૃં ન થાય ત્યાં સુધી પ્રસિદ્ધ કરવા ઉપર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો છે.આ અંગે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં, ઉત્તરાખંડના ચીફ ઈલેકટોરલ ઓફીસર, રાધા રાતરીએ જણાવ્યું છે કે, રેપ્રિઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૧ની કલમો અનુસાર, ભારતનાં ચૂંટણી પંચે, જાન્યુઆરી ૨૮, ૨૦૧૨ના સવારના ૭ વાગ્યાથી, માર્ચ ૩, ૨૦૧૨ના સાંજના ૫.૩૦ સુધીના ગાળામાં, (જ્યારે વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાશે તે દરમિયાન) એક્ઝિટ પૉલ્સ કે, સંભવિત પરિણામો જાહેર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
જાન્યુઆરીની ૨૮મીએ મણિપુરમાં સૌથી પહેલાં મતદાન થવાનું છે. જ્યારે માર્ચની ૩જીએ ગોવા અને ઉત્તર પ્રદેશમાં સૌથી છેલ્લાં મતદાનો થવાનાં છે.
આ અંગે રાતુરીએ જણાવ્યું હતું કે, આ કલમો અનુસાર ચૂંટણી સંબંધી, સંભવિત પરિણામો સહિત કોઇ પણ ઑપિનિયન પૉલ કે, અન્ય કોઇ પણ પ્રકારનાં સર્વેક્ષણો, ઈલેકટ્રોનિક માધ્યમો સહિત કોઇ પણ માધ્યમો દ્વારા પ્રસિદ્ધ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.