| Last Update : 23-Jan-2012,Monday |
|
|
| |
|
|
|
|
પાટલીબદલુઓના પ્રતાપે ચૂંટણી વખતે એનસીપીનું પલ્લુ ભારે
|
| |
પક્ષપલ્ટાની મૌસમ પૂરબહારમાં છે
મુંબઇ, તા.૨૨
મહાપાલિકા અને જિલ્લા પરિષદોની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ પૂરજોશમાં પાટલીબદલુઓ ઠેકાઠેકી કરવામાં લાગી ગયા છે. આને કારણે એનસીપીનું પલ્લુ ભારે બન્યું છે. એક વખતે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ ગણાતા કલ્યાણના શિવસેનાના સાંસદ આનંદ પરાંજપે સહિત ઓછામાં ઓછા ૨૫ અગ્રણી રાજકારણીઓ વિરોધી પાર્ટીમાં જોડાઇ ગયા છે અથવા તો જોડાવાની તૈયારીમાં વાડ પર બેઠાં છે.
પાટલી ટપવાના આ ખેલમાં સૌથી મોટો ફટકો ભારતીય જનતા પક્ષે ખમવો પડયો છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગોપીનાથ મુંડેના મોટાભાઇ પંડિત અણ્ણા મુંડે ભાજપ સાથે છેડો ફાડીને એનસીપીમાં જોડાઇ ગયા છે. ગોપીનાથ મુંડેનો ભત્રીજા અને વિધાન - પરિષદનો સભ્ય ધનંજય મુંડે પણ કોઇ પણ ઘડીએ પક્ષપલ્ટો કરે એવી અટકળ થઇ રહી છે. ધનંજયે તો ભાજપને પડકાર કર્યો છે કે પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે તાકાત હોય તો મને સસ્પેન્ડ કરો અથવા હકાલપટ્ટી કરો.
કલ્યાણના શિવસેનાના સાંસદ આનંદ પરાંજપેએ હજી સત્તાવાર રીતે એનસીપીમાં પ્રવેશ નથી કર્યો. પરંતુ એનસીપીના સમારંભમાં શરદ પવાર સાથે એક જ મંચ ઉપર પરાંજપેની હાજરીને કારણે શિવસેનાના પેટમાં તેલ રેડાયું હતું.
થોડા દિવસ પહેલાં જ આનંદ પરાંજપે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના 'માતોશ્રી' બંગલે હાજર હતા એ જ વખતે એનસીપી છોડીને શિવસેનામાં સામેલ થયેલા વિધાન પરિષદના સભ્ય સુભાષ ભોઇર, થાણેના કોર્પોરેટરો દશરથ પાટિલ અને સુધીર ભગત ત્યાં આવ્યાં હતાં. ત્યાર પછી આનંદ પરાંજપે પવાર સાથે એક મંચ ઉપર દેખાયા હતા અને તેમણે કહ્યું હતું કે શિવસેનાએ તેમને અન્યાય કર્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શિવસેના અને ભાજપમાંથી જ નહીં કોંગ્રેસમાંથી પણ પક્ષપલ્ટો કરાવી કેટલાયને એનસીપીમાં ખેંચી લાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્લાન ઘડયો છે. આ પ્લાન અમલમાં મુકાતાની સાથે જ તેઓ સિનિયર નેતાઓને એનસીપીમાં લાવવામાં સફળ થયા હતા. નાશિકના ભૂતપૂર્વ પ્રધાન તુકારામ દિઘોલે, ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજાભાઉ દેશમુખ, મરાઠવાડાના વરિષ્ઠ કોંગ્રેસી નેતા બાળાસાહેબ પાટિલ, ડીએન શેળકે અને મનોહર પટવારી એનસીપીમાં જોડાઇ ગયા છે. બે વાર કોંગ્રેસી વિધાન સભ્ય રહી ચૂકેલા પુષ્પસેન સામંતે સાતવાર કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલા ઉત્તમરાવ પાટિલની સાથે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયો હતો. થોડા મહિના પહેલા અજિત પવાર જ શિવસેનાના વિધાનસભ્ય કિરણ પાવસકરને એનસીપીમાં ખેંચી લાવ્યાં હતાં. જ્યારે કોંગ્રેસવાળા ઘાટકોપરના નગરસેવક પ્રવીણ છેડાને ભાજપમાંથી કોંગ્રેસમાં લાવવામાં સફળ થયાં હતાં. |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|