(પીટીઆઈ) ઇસ્લામાવાદ, તા. ૨૧
અફઘાનિસ્તાનમાં રહેલાં નાટો અને આઈએસએએફ દળોને પાકિસ્તાનમાંથી પૂરવઠો પૂરો પાડનારા દરેક ટ્રક ઉપર ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેવા પાકિસ્તાન સરકાર વિચારી રહેલ છે અને આ ચાર્જ પાકિસ્તાનનાં ભૂમિદળનાં નેશનલ લોજીસ્ટિકસ સેલ દ્વારા લેવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.
મુશર્રફના શાસનમાં કોઈ ચાર્જ નહોતો આ પછી માત્ર નાની રકમ લેવાતી હતી
પાકિસ્તાનના ૨૪ સૈનિકો જેમાં માર્યા ગયા હતા તેવા અમેરિકાના ડ્રોન હુમલા પછી પાકિસ્તાને તેના દેશમાંથી અફઘાનિસ્તાન સ્થિત પશ્ચિમના દેશોનાં દળોને, પૂરવઠો પહોંચાડવા ઉપર બંધી કરી હતી. પરંતુ હવે તેમાં છૂટછાટ મૂકી, દરેક ટ્રક દીઠ ડોલર ૧૦૦૦નો ચાર્જ લઈ તે જવા દેવાનો સરકારે વિચાર કર્યો છે.
વાસ્તવમાં પાકિસ્તાનનાં ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ દ્વારા તેના કસ્ટમ્સ એક્ટ ૧૯૬૯માં ગત વર્ષે જ ફેરફાર કરવામાં આવ્યો હતો. જે દ્વારા આ ટ્રકો પાસેથી ટ્રાન્ઝિટ ફી લેવાની પાકિસ્તાનની સંસદે મંજૂરી પણ ચાલી હતી. પરંતુ હવે, આ દરમાં વધારો કરવાની કાર્યવાહીને પણ સંસદની મંજૂરી આવશ્યક છે. જે મળી પણ જશે તેવી આશા એફબીઆર રાખી રહ્યું છે. કારણ કે, અત્યારે લેવાનો ચાર્જ તો નામ માત્રનો જ છે.
આ પૂર્વે પાકિસ્તાનના પૂર્વ લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફે ત્રાસવાદ સામેનાં યુદ્ધમાં અમેરિકા સાથે જોડાવાના કરેલા કરારો પછી નાટો અને આઈએસએએફ દળોને પહોંચાડવામાં આવતા પૂરવઠા ઉપર કોઈ પણ ટ્રાન્ઝિટ ફી લેવાતી ન હતી. પરંતુ પછીથી થોડી એવી રકમ લઈ નો-ઓબ્જેક્શન સર્ટિફીટેક આપ્યા પછી આ ટ્રકોને મોલન ઘાટ કે ખૈબર ઘાટ મારફત અફઘાનિસ્તાન જવા દેવાના હતા. હવે, આ રકમમાં પાકિસ્તાન સરકારે ધરખમ વધારો કરવા નિર્ણય લીધો છે. તેનું એક કારણ પાકિસ્તાનની તદ્દન નબળી બની ગયેલી આર્થિક સ્થિતિ પણ હોવાનું નીરિક્ષકો માની રહ્યા છે. કરારથી દર મહિને આશરે ૪,૦૦૦ કન્ટેનર ટ્રક અને ૧૦૦૦ ઓઈલ ટેન્કર્સ બોલન ઘાટ અને ખૈબર ઘાટના માર્ગે અફઘાનિસ્તાન પહોંચે છે. તે સર્વવિદિત છે. |
|