| |
૭ દેશ, ૧૧ રાજ્યોમાંથી ૨૧ લાખ લેઉવા પાટીદારો શિલાન્યાસમાં ઉમટયા
મંદિરમાં લેઉવા પાટીદાર સમાજનાં ૧૪ કુળદેવીઓનું સ્થાપન કરાશે ઃ હાથ મિલાવવાનો અનોખો વિશ્વ વિક્રમ પણ સર્જાયો, હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ થઇ
અમદાવાદ, રવિવાર.
૨૫૦ કરોડના ખર્ચે, ૧૦૦ એકરમાં લેઉવા પાટીદાર સમાજનું આસ્થા સ્થાન ખોડલધામ, કાગવડનું નિર્માણ થશે. જેની શિલાન્યાસ વિધિમાં શનિવારે ગુજરાત સહિત દેશ-વિદેશથી ૨૧ લાખ લેઉવા પાટીદારો શિલાપૂજન વિધિમાં ઉમટી પડયા હતા અને જય જય ખોડલ માં - નામનો જયઘોષ સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠયો હતો. આ શિલા પૂજન દરમિયાન અનોખો ગિનિઝ બુક દ્વારા વિશ્વ વિક્રમ થયો હતો અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ થઇ હતી.
૫૦થી વધુ સંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શિલાપૂજન વિધિ થઇ હતી. જેમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ટેલિફોનિક આશીર્વાદ પણ મળ્યા હતા. ખોડલધામના ૨૫૦ કરોડના પ્રોજેક્ટની સામે દેશ-વિદેશથી ઉપસ્થિત રહેલા લેઉવા પાટીદાર સમાજ દ્વારા માત્ર ત્રણ કલાકમાં ૨૦૦ કરોડ રુપિયા એકત્ર થઇ ગયા હતા. આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ દિવસે જે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. તેમાં હાથ મિલાવવાનો રેકોર્ડ હતો. જેમાં અગાઉ ૫૪૦૦ વ્યક્તિઓએ એક સાથે હાથ મિલાવ્યા હતા. આ શિલા પૂજન વિધિમાં ભાગ લેવા આવેલા ૨૪,૯૦૦ દંપતિઓએ એક સાથે હાથ મિલાવ્યા હતા. જે નવો વિશ્વ વિક્રમ થયો હતો અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝના સત્તાવાળાઓએ સ્થળ ઉપર જ સર્ટિફિકેટ આપ્યું હતું.
આ ખોડલધામના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજનાં નરેશભાઇ પટેલે જણાવ્યું કે ખોડલધામનો હેતુ સમાજના સંગઠન, ઉત્થાન માટેનો છે અને સાથે જ રાષ્ટ્રોત્થાન માટેનું કાર્ય થશે.
આ ખોડલધામ મંદિર વર્ષ-૨૦૧૫ સુધીમાં સંપન્ન થશે. જેમાં ભરતપુરના ગુલાબી પથ્થર વપરાશે. ૧૩૬ ફૂટ ઊંચુ માતાજીનું મંદિર બનશે. જેમાં લેઉવા પાટીદાર સમાજનાં ૧૪ કુળદેવીઓનું પણ સ્થાપન કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે આ ખોડલધામમાં ત્રણ તબક્કામાં કાર્ય થશે. જેમાં પ્રથમ તબક્કામાં સમાજનાં જરુરિયાતમંદ બાળકો માટે શિક્ષણ સંકુલ, હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે અને તેઓને પગભર કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્પોર્ટસ સંકુલ, સ્પર્ધાત્મક પરીક્ષા, ઉચ્ચ શિક્ષણ માટેનું ટ્રેનિંગ સેન્ટર બનશે. ત્રીજા તબક્કામાં કૃષિ સંશોધન કેન્દ્ર બનશે. જેમાં હરિત ક્રાંતિ દ્વારા રાષ્ટ્રોત્થાનનું કાર્ય થશે.
૫૦ હજાર સ્વયંસેવકો ખડે-પગે રહ્યા ઃ ઇવેન્ટ મેનેજમેન્ટ જોવા સરકારી અધિકારી આવ્યા
ખોડલધામના શિલા પૂજન વિધિના કાર્યક્રમમાં ૨૧ લાખથી વધુ લેઉવા પાટીદાર સમાજનાં ભાઇ-બહેનો ઉમટી પડયા હતા. તેઓ માટે ૫૦ હજાર સ્વયંસેવકો સતત ખડેપગે રહ્યાં હતાં અને આટલો મોટો ઇવેન્ટ કેવી રીતે થાય છે, તેનું મેનેજમેન્ટ જોવા માટે સરકારી અધિકારીઓ આવ્યા હતા.
|