ભારતીય ફિલ્મો માટે પાકિસ્તાન એક મહત્ત્વનું દરિયાપારનું માર્કેટ બની રહ્યું છે
મુંબઇ, તા.૨૨
બોલીવુડની ખાન ત્રિપુટી માત્ર ભારતની જ નહીં પણ, પાકિસ્તાનની બોક્સ ઓફિસ પર પણ રાજ કરે છે. આમિર ખાનની 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મે પાકિસ્તાનમાં રૃા. પાંચ કરોડ તેમજ શાહરૃખ ખાનની 'માય નેમ ઇઝ ખાન'એ રૃા. ૫.૨૫ કરોડ અને સલમાન ખાનની 'બોડીગાર્ડ'એ આ બંને ફિલ્મથી આગળ વધીને રૃા. છ કરોડ મેળવ્યા હતાં.
શાહરૃખ ખાનની ફિલ્મ 'ડોન-બે' રૃા. ૭.૨૫ કરોડની કમાણી કરશે એવી અપેક્ષા છે. કેટલાક ટ્રેડ પંડિતોએ જણાવ્યા પ્રમાણે, હવે પાકિસ્તાન બોલીવુડમાં પાંચ મોટા દરિયાપાર માર્કેટમાનું એક છે અને ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાના બિઝનેસને ટક્કર મારીને આગળ વધી જશે.
૨૦૦૬માં ભારતીય ફિલ્મો પર મૂકેલો પ્રતિબંધ પાકિસ્તાન સરકાર ઉઠાવી લીધો હતો. પરંતુ એક વર્ષ પછી ત્યાં ભારતીય ફિલ્મોનો બિઝનેસ ઉંચકાયો હતો. પાકિસ્તાનના એક પ્રતિષ્ઠિત ડીસ્ટ્રીબ્યુટર રિફ્ફાત સિદ્દીકીએ જણાવ્યા પ્રમાણે, ''૨૦૦૭ની સાલથી ભારતીય ફિલ્મો દેશના સિનેમાને નવજીવન આપવાનો એક સ્રોત બની હતી. ચાર વર્ષની અંદર જ બોક્સ ઓફિસ પર મનોરંજન બિઝનેસમાં ૩૦૦ ટન જેટલો વધારો થઇ ગયો હતો.
એક દરિયાપારના માર્કેટ તરીકે હવે બોલીવૂડ પાકિસ્તાનની અવગણના કરી શકે તેમ નથી ટ્રેડ પંડિતોએ જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના બિઝનેસના બોક્સ ઓફિસ પરના બિઝનેસને ભારતની પંજાબની ટેરિટરી સાથે સરખાવી શકાય છે.
પ્રતિબંધ ઉડાવ્યા પછી ૨૦૦૭ના નવેમ્બર મહિનામાં જ્હોન અબ્રાહમ અભિનિત ફિલ્મ 'ગોલ' ત્યાં રિલિઝ થયેલી સૌ પ્રથમ ભારતીય ફિલ્મ હતી.
હવે દર વર્ષે પાકિસ્તાનમાં સરાસરી ૫૦ હિંદી ફિલ્મ રિલિઝ થાય છે. ખાન ત્રિપુટીની ફિલ્મો રૃા. એક કરોડથી દોઢ કરોડમાં વેચાય છે. જ્યારે હૃતિક રોશન, સૈફ અલી ખાન અને અક્ષય કુમારની ફિલ્મોના રૃા. ૩૭.૫ લાખથી રૃા. ૭૫ લાખ મળે છે.
ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનમાં ઘણી ટેલન્ટ છે. જેને ભારતીય ફિલ્મ સર્જકોએ તક આપવાની જરૃર છે. તેમજ સાથે મળીને ફિલ્મો બનાવવાથી પણ બંને દેશને લાભ થશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
|