| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
| રાજકીય ધૂમ્મસ |
| |
ઠંડીનો ચમકારો ચાલુ રહેવાની સાથે ધૂમ્મસની માત્રામાં પણ કોઈ ઘટાડો થયો નથી. જેમ વાતાવરણમાં ધૂમ્મસ છે એમ રાજકીય ક્ષેત્રે પણ ધૂમ્મસ છવાયેલું છે. યુપીએ સરકાર અને સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસ આ રાજકીય ધૂમ્મસમાં ટકરાઈ ના જાય તેનું ધ્યાન કોંગ્રેસના મેનેજરો રાખી રહ્યા છે. મમતા બેનરજી બેફામ હાંકી રહ્યા છે એટલે કોંગ્રેસ એલર્ટ બની ગઈ છે.
મમતાને ખુશ કરવા રેલવે બજેટનો સહારો
મમતા બેનરજી તરફથી ઉપરા છાપરી ઝાટકા સામે કોંગ્રેસ અકળાયેલી છે. સરકારના સૂત્રો માને છે કે મમતાને સમજાવવા ૨૦૧૨-૧૩ના રેલવે બજેટનો સહારો લેવામાં આવશે. આ રેલવે બજેટ મમતાના પક્ષના દિનેશ ત્રિવેદી રજૂ કરવાના છે. રેલવે બજેટમાં ૫૦૦૦ કરોડની સહાય માટે સરકાર સંમત થઈ મમતાને પટાવશે. ત્રિવેદી અને નાણા પ્રધાન વચ્ચેની તાજેતરની બેઠકમાં ત્રિવેદીએ ૧૦ હજાર કરોડ માગ્યા હતા. સરકારી સૂત્રોએ યાદ અપાવ્યું હતું કે જ્યારે મમતાએ રેલવે બજેટ જાહેર કર્યું ત્યારે ૪૦ હજાર કરોડની સહાય માગી હતી પરંતુ સરકારે ૨૦ હજાર કરોડ ફાળવ્યા એટલે તે નારાજ થયા હતા.
લોકપાલ-ભાજપ અને અણ્ણા
મજબૂત લોકપાલ માટે ભાજપ અણ્ણા હજારેની ટીમને સપોર્ટ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે ઉત્તરાખંડની જેમ ઉ.પ્રદેશમાં પણ લોકાયુક્ત નીમાશે. ભાજપ લોકાયુક્ત નીમવા રાજ્ય સાથે ચર્ચાનો આગ્રહ રાખે છે અને કેન્દ્રમાં લોકપાલની પેનલમાં સરકારી અધિકારીઓની બહુમતી ના હોવી જોઈએ એમ પણ ઈચ્છે છે. હજુ તો કેટલાક મહિના પહેલાં જ ગેરકાયદે માઈનીંગના કેસમાં લોકાયુક્ત સંતોષ હેગડેના રીપોર્ટના આધારે પક્ષે કર્ણાટકના મુખ્યપ્રધાન યેદુઆરપ્પા સામે પગલાં લેવા પડયા હતા. કમનસીબી તો એ છે કે હેગડે હવે ટીમ અણ્ણાના એક સભ્ય છે. ભાજપને આ મુદ્દે છેલ્લો ફટકો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાએ માર્યો છે.
વી.કે. સિંહ એટલે વિવાદનો વંટોળ
લશ્કરના વડા વી.કે. સિંહની જન્મ તારીખનો વિવાદ સરકારી અધિકારીઓમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. સીનિયર અધિકારીઓ વી.કે. સિંહ સુપ્રીમ કોર્ટમાં ગયા તે અંગેના ઓપીનીયનમાં બે ભાગે વહેંચાયેલા છે. જ્યારે યુવા અધિકારીઓ તેમના ટેકામાં છે. આ યુવા અધિકારીઓ કહે છે કે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ મનમાની કરે છે અને લશ્કરને માન આપતા નથી. જોકે એક સમયે જનરલ રહી ચૂકેલા અધિકારી સહિતના અધિકારીઓ સુપ્રીમ કોર્ટમાં જવાના નિર્ણયથી નારાજ છે. તેઓ માને છે કે આમ કરવાથી ખોટી પ્રણાલી પડશે.
રાજપુત સાંસદો વી.કે.ની સાથે
માહિતગાર સુત્રો જણાવે છે કે ૨૦ રાજપુત સાંસદો ગયા વર્ષે ઓગસ્ટના અંતમાં વડાપ્રધાનને મળ્યા હતા અને જનરલ વી.કે. સિંહને તેમનો ટેકો છે એમ જણાવતું આવેદન આપ્યું હતું. જોકે વડાપ્રધાને તે આવેદન સ્વીકાર્યું નહોતું. કોંગ્રેસ આ વી.કે.સિંહના મુદ્દે જાળવીને પગલાં લે છે. કેમકે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ચૂંટણીમાં રાજપૂતો નારાજ ના થાય તે પર ધ્યાન અપાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ સિંહ રાજપુત સમાજના છે.
કેસ ટકશે કેમ તે અંગે મૂંઝવણ
કેટલાક સીનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મીલેટરી એકેડેમીના ૧૯૬૯ના રેકોર્ડ પ્રમાણે જનરલ વી.કે. સિંહની બર્થ-ડેટ ૧૯૫૦માં હોઈ તેમનો કેસ નબળો પડી જવાની વકી છે. જનરલ સિંહ એવો દાવો કરે છે કે નેશનલ ડીફેન્સ એકેડેમીમાં (૧૯૬૫) પ્રવેશ વખતે ૧૯૫૦ ખોટી રીતે લખાયું છે. એનડીએમાં પ્રવેશ માટે પોતાના હસ્તાક્ષરમાં ફોર્મ ભરવાનું હોય છે માટે તેમની બર્થડે અંગે પોતે જ જવાબદારી લેવી પડે.
બીજા નંબરની સૌથી મોટી એનજીઓ
ભારતની સૌથી મોટી બીજા નંબરની એનજીઓ કારીટસ ઈન્ડિયા એ કેથોલીક ચર્ચ દ્વારા ચાલતી સોશ્યલ સંસ્થા છે. દેશભરમાં વિકાસના પ્રોગ્રામ દ્વારા તેણે ૧૦૦૦ કરોડ વાપર્યા છે. ૩૫૦ પાર્ટનર દ્વારા ૪૦૦ પ્રોજેક્ટમાં તે સક્રિય છે. ફર્નાન્ડીસ વર્ગીસ માત્તામન્નાએ આ માહિતી સમાચાર માધ્યમોને આપી હતી. તેઓ સંસ્થાના સિલ્વર જ્યુબીલી સેલિબ્રેશનના નેશનલ ડિરેક્ટર છે. આવતીકાલે રૃરલ ડેવલોપમેન્ટ મીનીસ્ટર જયરામ રમેશ તેનું ઉદ્ધાટન કરવાના છે.
સુબ્રમણ્મય સ્વામી માત્ર ઘરનું પાણી પીવે છે
પાંચ વાર સાંસદ બનેલા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન તેમજ જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી કોઈને કોઈ વિવાદ હેઠળ ચમકતા રહે છે. અહીં તેમના વિશે કેટલુંક વધુ. એક અખબારને મુલાકાત આપતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ તે સુપ્રિમ કોર્ટમાં જાય છે ત્યારે એન્ટ્રીપાસ માગવામાં આવે છે. તેમની પત્નિ એડવૉકેટ છે છતાં આ સ્થિતિ છે. આના ઉપાયરૃપે એક તબક્કે તે તેમની પત્નિના ક્લાર્ક બનીને જવાનો પ્રયાસ કરતાં સમાચાર માધ્યમોની આંખે ચઢી ગયા હતા. તેમણે મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે હું બહારનું ખાતો નથી તે તો ઠીક પણ પાણી પણ મારું પોતાનુંજ સાથે રાખું છું!!
ઈન્ડીયન-ઈન્ટરનેશનલ આર્ટ ફેર
ફેરમાં ૧૦૦૦ ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ આર્ટીસ્ટનું કામ ૯૧ આર્ટ ગેલેરીમાં જોવા મળશે. ૪૩ આર્ટ ગેલેરીમાં ભારતના આર્ટીસ્ટોનું વર્ક હશે જ્યારે બાકીની ગેલેરીમાં ઈન્ટરનેશનલ આર્ટીસ્ટનું વર્ક હશે. ગયા વર્ષે આ ગેલેરી પૈકી ૮૦ ટકા ગેલેરીમાં સારું વેચાણ રહ્યું હતું.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|