
મમતાએ બંગાળમાં કોંગ્રેસ માટે બહાર જવાના દરવાજા ખુલ્લા રાખ્યા હોવા છતાં ઉ. પ્ર.ની ચંૂટણીનાં પરિણામો સુધી કેન્દ્રીય નેતાગીરી સંબંધોમાં વધુ કટુતા પેદા નહીં થવા દે
''યસ, પહેલીવાર અમે મમતા બેનરજી અને તેના પક્ષનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. તેમણે સમજવું જોઈએ કે બંગાળની સરકાર તેની અંગત મિલકત નથી. અમારા સહકારથી જ તે ચૂંટણી જીત્યાં હતાં અને અમે ઘણીબધી બેઠકો તેમને ફાળવી હોવાથી જ તેમને સંપૂર્ણ બહુમતી મળી શકી હતી. કોંગ્રેસે હવે નક્કી કર્યું છે કે બસ, હવે બહુ થયું. અમને ઉતારી પાડતાં તેમનાં નિવેદનો હવે અમે જરાપણ સાંખી નહીં લઈએ.''
તૃણમૂલ કોંગ્રેસનાં જોરાવર નેતા મમતાના હાથે અનેક અપમાનાસ્પદ ટીકા-ટિપ્પણો સહન કર્યા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમના પર વળતા પ્રહાર કરવાની સંમતિ આપતાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસ-પ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્યે ઉપરોક્ત શબ્દોમાં મમતા સામેનો રોષ-આક્રોશ વ્યક્ત કર્યો હતો.
થોડાક મહિના અગાઉ બંગાળની ત્રણ દાયકાજૂની ડાબેરી મોરચાની સામ્યવાદી સરકારને ઉથલાવીને ઇતિહાસ રચનારાં આ તેજાબી નેતા સામે મમતાની સરકારમાંના કોંગ્રેસી પ્રધાનો પણ ઉકળી ઉઠયા છે. મમતાને 'દિશાવિહોણી' ગણાવતાં આ પ્રધાનોએ તેમની પર, સફળતાની બનાવટી વાતો દ્વારા જનાતને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂક્યો હતો.
જોકે પોલાદી અને મક્કમ મનોબળવાળાં મમતાએ આવા આક્ષેપોના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસ ચાહે તો સરકાર છોડીને જઈ શકે છે. અત્યારે રાજ્યના કોંગ્રેસી નેતાઓ સરકારમાંથી બહાર નીકળી જવા અને ચોક્કસ મુદ્દા પર આધારિત સહકાર આપવા માટે હાઈ કમાન્ડ પર દબાણ કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરી નામના એક સાંસદે કહ્યું હતું કે કોંગ્રેસે હવે સરકારમાંથી નીકળી જવા ગંભીરપણે વિચારવું જોઈએ. આ રીતે અપમાનિત થવાનું અમને પોસાય તેમ નથી.
તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યે કોંગ્રેસના બદલાયેલા વલણ માટે વિવિધ મુદ્દે મમતાનાં કેટલાંક ઉતાવળિયાં અને અસ્પષ્ટ વિધાનોએ બળતામાં ઘી હોમ્યું હતું. જેમ કે તીસ્તા નદીનાં પાણીની વહેંચણી વિશે બાંગલાદેશ સાથે વાટાઘાટ કરવાની કેન્દ્રની ઓફરનો વિરોધ, ભારતની રિટેલ બજારોમાં વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને છૂટ આપવાનો વિરોધ, પેટ્રોલના ભાવવધારાનો વિરોધ, ખેતી માટે સબસિડીના અભાવનો વિરોધ, લોકપાલ બિલ તથા જમીન-સંપાદન બિલનો વિરોધ વગેરે મુદ્દાનો એમાં સમાવેશ થાય છે.
તીસ્તા રિવર વોટર-શેરિંગ કરાર માટે ચર્ચા કરવા બાંગલાદેશ જઈ રહેલા વડા પ્રધાન મનમોહન સિંહની સાથે જવાની મમતાએ ના પાડતાં કેન્દ્ર સરકારને છેવટે આ કરાર રદ કરવો પડયો હતો, જ્યારે પેટ્રોલના ભાવવધારાના મુદ્દે યુપીએ સરકાર સાથે છેડો ફાડી નાખવાની ધમકીને પગલે સરકારે ભાવવધારો પાછો ખેંચી લેવો પડયો હતો. લોકપાલ બિલમાં લોકાયુક્ત નીમવાની કલમનો જોરદાર વિરોધ કરીને તૃણમૂલના સભ્યોએ રાજ્યસભામાં આ બિલમાં સુધારો કરવાની માગણી કરી હતી.
જોકે કોંગ્રેસે હંમેશાં મમતાને મનાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દિવંગત જ્યોતિ બસુ જ્યાં રહેતા હતા. એ કોલકાતાના સરકારી ગેસ્ટહાઉસ 'ઇન્દિરા ભવન'ને વિદ્રોહી બંગાળી કવિ કાઝી નઝરુલ ઇસ્લામનું નવું નામ આપવાનો જ્યારે મમતાએ નિર્ણય કર્યો ત્યારે કોંગ્રેસ હાઇ કમાન્ડનો પિત્તો ગયો, કેમ કે મમતાએ કોંગ્રેસ માટે સૌથી વધુ ગૌરવરૃપ ગણાતી નેહરુ-ગાંધી પરિવારની ગરિમા-મહિમા પર પ્રહાર કર્યો હતો. મમતાએ આવું એટલા માટે કર્યું હતું કે તેમનો પક્ષ યુપીએ સરકારમાં એકમાત્ર સૌથી મોટો યુતિ-પક્ષ હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી તેમને કશું નહીં મળ્યું હોવાની નારાજગી તે જાહેર કરવા માગતાં હતાં.
ઇન્દિરા ગાંધીને ઉતારી પાડનારી આ હરકત અંગે બીમાર કોંગ્રેસી નેતા પ્રિયરંજન દાસમુન્શીની પત્ની દીપાના નેતૃત્વ હેઠળની એક ટીમે તાબડતોબ હાઇ કમાન્ડમાં ધા નાખી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ વળતા પ્રહાર માટે સંમતિ આપી.
રાહુલે રાજ્યના તમામ કોંગ્રેસીઓને મમતાને જડબાતોડ જવાબ આપવા જણાવ્યું, જેને પરિણામે રાજ્યની કેબિનેટના પ્રધાનોસહિત નેતાઓ આગળ આવ્યા અને મમતાનાં ગતકડાં સખત શબ્દોમાં વખોડી કાઢ્યાં.
સિંચાઈ પ્રધાન માનસ ભૂઈયાને એક જાહેર સભામાં મમતાની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ''હું સૌથી પહેલાં એક કોંગ્રેસી કાર્યકર છું અને પ્રધાન પછી, ગાંધી પરિવારના વારસાનું અને રાજ્યમાં પક્ષની પ્રતિષ્ઠાનું જતન કરવું એ મારી ફરજ છે.''
દેખીતી રીતે કેન્દ્રીય નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ આ બાબતે રાહુલ સાથે ચર્ચા કર્યા બાદ ભટ્ટાચાર્યને મમતાવિરોધી સભાઓ યોજવા માટે જણાવ્યું હતું. હકીકતમાં થોડાક સમયથી કોંગ્રેસની નેતાગીરી મમતા પર વળતો પ્રહાર કરવા માટે કોઈક મોકાની વાટ જોતી હતી. અમે ઇન્દિરા ગાંધીના મુદ્દે કોઈની સાથે કશી બાંધછોડ કરીશું નહીં.
કોઈએ એ વિશે વિચારવું પણ નહીં,' એમ કોંગ્રેસ વર્કિંગ કમિટીના પશ્ચિમ બંગાળના ઇન્ચાર્જ શકીલ અહમદે કહ્યું હતું. ત્યાર પછી મમતાએ 'ઇન્દિરા ભવન'નું નવું નામકરણ કરવાની યોજના પડતી મૂકી હતી. પરંતુ ગેસ્ટહાઉસને 'નઝરુલ સ્મારક'માં ફેરવવાના પ્લાનને વળગી રહ્યાં.
ઇન્દિરા ભવન ૧૯૭૨માં કોંગ્રેસી કાર્યકરોએ બંધાવ્યું હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ એઆઇસીસીની બેઠક માટે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ત્રણ દિવસ માટે કોલકાતા આવેલાં તેમનાં આવાસ માટે તે બનાવાયું હતું. ત્યાર પછી પક્ષે તે રાજ્ય સરકારને સોંપી દીધું હતું.
૧૯૭૭માં ડાબેરી મોરચો સત્તા પર આવ્યા બાદ ભવનને સરકારી ગેસ્ટહાઉસમાં ફેરવી નખાયું હતું. પરંતુ 'ઇન્દિરા' નામ જાળવી રાખવામાં આવ્યું હતું, કેમ કે તત્કાલીન મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને ઇન્દિરા સાથે સારા સંબંધો હતા. પછી તો તે હાઉસ જ્યોતિ બસુનું સત્તાવાર નિવાસસ્થાન બની ગયું અને તેઓ ૨૦૦૯માં તેમના અવસાન પર્યંત ત્યાં જ રહ્યા હતા.
જોકે બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર મદન મિત્રાએ કહ્યું કે કોંગ્રેસી કાર્યકરોએ દાનમાં આપેલા અતિથિગૃહમાં જ્યોતિ બસુ રહેતા હતા તેની સામે કોઈએ ઊહાપોહ મચાવ્યો નહોતો. પરંતુ અમે તેને મહાન કવિ કાઝી નઝરુલનું નામ આપવા માગીએ છીએ ત્યારે કોંગ્રેસ કકળાટ કરે છે.
જોકે ભટ્ટાચાર્ય આ દલીલને અત્યંત હાસ્યાસ્પદ ગણાવતાં કહે છે કે શું કાઝી નઝરુલ માટે બીજું કોઈ સ્મારક ન બનાવી શકાય? ઇન્દિરા-નઝરુલ વચ્ચેનો આ વિવાદ લોકોનું ધ્યાન બીજે દોરવાનું ગતકડું છે.
દાસમુન્શી વળી આ વાતને એક ડગલું આગળ લઈ જતાં કહે છે કે મમતા સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાથી આવો વિવાદ ઊભો કરી રહી છે.
સાત મહિનાની આ સરકારે તેણે આપેલાં વચનોમાંથી સાત ટકાનું પણ કામ કર્યું નથી. દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ દરેક રીતે બાજી બગાડવાની રમત રમે છે. તેમણે લોકસભામાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ સાથે હાથ મિલાવ્યા છે.
બંગાળમાંનાં રાહુલ ગાંધીના નિકટનાં સાથી મૌસમ બેનઝીર નૂર કહે છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક મદદરૃપ યુતિ-પક્ષની જરૃર હતી અને ત્યાર પછી જ તે કોલકાતામાં તેમની તરફેણ કરી શકે.
પરંતુ કોંગ્રેસી કાર્યકરોને ડાબેરી શાસનકાળની જેમ અપમાનિત કરાય છે અને તેમની પર હુમલા કરાય છે. આ સંજોગોમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઇ (એમ)ના શાસન વચ્ચે શું ફરક છે?
રાજકીય નિરીક્ષકોના મતે કોંગ્રેસે મમતા સાથેના વર્તનમાં તેનો વ્યૂહ બદલાવ્યો છે. અમે મમતા સામે ટક્કર ઝીલીશું અને તેને 'ખબરદાર' કહીશું.
આના જવાબમાં મમતા હંમેશાં ઉદાસીન અને બેપરવા વલણ અપનાવતાં કહે છે કે યુપીએ સરકાર પાસેથી મને પછાત વિસ્તારો માટે થોડાક કરોડ રૃપિયાની મદદ સિવાય કશું મળ્યું નથી. આવી મદદ ઘણાં રાજ્યોને મળી છે. કોંગ્રેસે હવે મારી સામે એટલા માટે નિશાન તાક્યું છે કે મેં લોકસભામાં તેની પ્રજાવિરોધી નીતિઓને પડકારી છે. હું તેમને ચોખ્ખુંચટ કહેવા માગું છું કે તેઓ રાજ્ય સરકાર છોડી જવા માગતા હોય, તો મારા દરવાજા ખુલ્લા છે.
તૃણમૂલ કોંગ્રેસના બીજા એક નેતા કહે છે કે 'મમતા' બ્રાન્ડનો ઉપયોગ કર્યા વગર કોંગ્રેસ એકાદ ચૂંટણી તો જીતી બતાવે. અમે અમારા પગ પર સંપૂર્ણ બહુમતી મેળવી છે અને તેમને માટે સરકાર છોડી દેવાનીો સમય પાકી ગયો છે.
જોકે ભટ્ટાચાર્ય અત્યારે સરકાર છોડવા માગતા નથી. 'અમે મમતાની દયા પર નભતા નથી. લોકો ઇચ્છે છે એટલા માટે અમે સરકારમાં છીએ', એમ તે કહે છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ કોંગ્રેસ અત્યારે સરકાર છોડશે નહીં, કેમ કે તેનાથી કેન્દ્રમાં મમતા છેડો ફાડી નાખે તેવી ભીતિ છે અને તેને પરિણામે મધ્ય-સત્ર ચૂંટણીઓ યોજવાની નોબત આવશે. જોકે મમતા કદાચ એનડીએ (રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા)માં પાછી ફરે, જેમાં અગાઉ તે સભ્ય હતી.
મમતાદીદી કોઈ પણ પક્ષને મુદ્દા-આધારિત સહકારના વિચારની વિરુદ્ધ નથી. માત્ર તે ડાબેરી વિરુદ્ધ હોવો જોઈએ. તેને માટે એકમાત્ર એનડીએનો જ વિકલ્પ બચશે, એમ મમતાના એક નિકટના સાથીએ કહ્યું હતું. કોંગ્રેસ મમતાને બદલે અજિત સિંહના રાષ્ટ્રીય લોક દલ જેવા નવા પક્ષો સાથે યુતિ કરવાની કોશિશ કરી રહ્યાનું રાજકીય નિષ્ણાતોને લાગે છે. પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો ન આવે ત્યાં સુધી કોંગ્રેસ બંગાળમાં ડબલ રોલ ભજવશે. સાથી પક્ષનો અને વિરોધ પક્ષનો જે રોલ તૃણમૂલ કોંગ્રેસ દિલ્હીમાં ભજવી રહી છે. મમતા બેનરજી કોંગ્રેસ પ્રત્યે 'મમતા' નહીં દાખવતી હોવાથી કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસ યુતિ માટે એક ઉક્તિ સાચી ઠરે છે કે આવા મિત્રો હોય, તો પછી શત્રુઓની શી જરૃર છે?
કોંગ્રેસીઓ એવું પણ માને છે કે મમતા સારી પેઠે જાણે છે કે કેન્દ્ર સરકારની નબળાઈ તેને માટે રાજકીય રીતે લાભદાયી છે, કેમ કે તેનાથી તેને સ્થાનિક સ્તરે વધુ મહત્ત્વ મળે છે અને તેને પ્રાદેશિક રક્ષક બનાવે છે. મમતા પોતાને કોંગ્રેસ કરતાં 'અલગ' ચીતરે છે અને તેની પાછળ આગામી વરસે યોજાનારી પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૧૪માં થનારી લોકસભાની ચૂંટણીઓની પૂર્વતૈયારીનો વ્યૂહ છે એવું પણ કેટલાકને લાગે છે. કેન્દ્રીય નેતાગીરી પણ ઉ. પ્ર.ની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો સુધી રાહ જોવા માગે છે અને ત્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસ સાથેના સંબંધોમાં વધુ કટુતા લાવવા નથી માગતી. જોકે બન્નેની લવ-હેટ રિલેશનશિપમાં દેશહિત કરતાં અંગત હિત વધુ સમાયેલું છે.
- કાંતિલાલ