સેહવાગે લડાયક બેટિંગ કરીને આત્મવિશ્વાસ પાછો મેળવવો પડશે
ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સેહવાગની સરેરાશ ૩૦ની પણ નથી તેણે છેલ્લી ૨૧ ઇનિંગમાં કુલ મળીને ૫૦૦ રન પણ નથી કર્યા
એડીલેડ,તા.૨૧
વિદેશની ધરતી પર સતત સાત પરાજય મેળવી ચુકેલી ભારતીય ટીમને એડીલેડમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટમાં હારની હતાશાનો સિલસિલો અટકાવવાની આશા છે. નિયમિત કેપ્ટન ધોની પર સ્લો ઓવરરેટનો પ્રતિબંધ હોવાથી તેના સ્થાને સેહવાગ કેપ્ટન્સી કરવાનો હોવાથી ટીમમાં નવી વ્યુહરચના અને પરિવર્તનનો અહેસાસ ખેલાડીઓમાં લડત આપવાનો જુસ્સો જગાવશે તેમ મનાય છે. જો કે વિદેશની ધરતી પર બેટ્સમેન તરીકે સેહવાગનો રેકોર્ડ કંગાળ રહ્યો છે અને તેમાંય કેપ્ટન્સીનો ભાર તેના દેખાવ પર વધુ અસર કરશે તેવી ચિંતા પણ કેટલાક વિવેચકોએ વ્યક્ત કરી હતી.
છેલ્લા ચાર વિદેશ પ્રવાસમાં સેહવાગનો બેટ્સમેન તરીકેનો દેખાવ સાવ કંગાળ રહ્યો છે. જો કે ભારતીય ચાહકો માને છે કે કેપ્ટન્સીને કારણે સેહવાગ વધુ જવાબદારી સાથે રમશે અને ટીમનો દેખાવ સુધરશે. ભારતના છેલ્લા ચાર વિદેશ પ્રવાસો અનુક્રમે ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રહ્યા છે અને આ ચારેયમાં સેહવાગની રન સરેરાશ ૩૦ સુધી પણ પહોંચી નથી. એક સમયે અનસ્ટોપેબલ રન મશીન ગણાતા સેહવાગનો વિદેશમાં આ હદનો કંગાળ દેખાવ ચિંતા જન્માવે તેવો છે.
સેહવાગની છેલ્લી ૨૧ ઇનિંગના રન ભેગા કરી તો તે કુલ મળીને ૫૦૦ પણ નથી થતાં. વળી આ ગાળામાં તેની માત્ર બે જ અડધી સદીઓ નોંધાયેલી હોવાનું આંકડાઓ દર્શાવે છે. ધોની અને રૈનાને એક બાજુએ રાખીએ તો હરભજનની સરખામણીમાં પણ સેહવાગનો આ દેખાવ શરમજનક લાગે તેવો છે. ફાયર બ્રાન્ડ ઇનિંગ રમવા માટે જાણીતો સેહવાગ ૨૧ ઇનિંગમાંથી ૧૬ વખત તો ફાસ્ટ બોલરો સામે આઉટ થયો છે. જો કોઇ ફાસ્ટ બોલરને અનુકૂળ પરિસ્થિતી મળે તો તે સેહવાગની વિકેટ આસાનીથી ઝડપી શકે.
ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ પ્રવાસની વાત કરીએ તો એકાદ બે ઇનિંગને બાદ કરતાં સેહવાગનો દેખાવ સાવ સામાન્ય સ્તરનો રહ્યો છે. સેહવાગે ૨૦૦૮માં એડીલેડ ટેસ્ટમાં પ્રભુત્વ સાથેનો દેખાવ કર્યો હતો. આ વખતે પણ એડીલેડથી તે ફોર્મ પાછું મેળવશે તેમ મનાય છે. સેહવાગને ઓફ સ્ટમ્પથી બહાર જતા બોલ પર તેમજ ઓન-સાઇડ પર સ્ટમ્પની નજીક હોય તેવા બોલ પર શોટ ફટકારવા ખુબ જ ગમે છે. સેહવાગને ઓફ સ્ટમ્પ પર શોટ ફટકારવા માટે જગ્યા મળે તે ગમે છે.
જો કે વિદેશના બોલરોએ સેહવાગને પરેશાન કરવા માટે તેને શોર્ટ ફટકારવા માટેની તક મળે તેવી બોલિંગ કરવી જ બંધ કરી દીધી છે. તેઓ સેહવાગને બેટ સ્વિંગ કરવાની તક જ આપતાં નથી અને તેના કારણે સેહવાગ જલ્દી આઉટ થઇ જાય છે.
કેપ્ટન્સીને કારણે સેહવાગ એડીલેડની બેટ્સમેન ફ્રેન્ડલી મનાતી પીચ પર જોરદાર દેખાવ કરતાં ટીમને વિજય અપાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો સેહવાગ પ્રથમ ઇનિંગમાં સારો એવો સ્કોર કરી શકશે તો તેની કેપ્ટન્સીમાં પણ નિખાર જોવા મળી શકે છે. સેહવાગે કેપ્ટન તરીકે અત્યાર સુધી ત્રણ ટેસ્ટમાં કેપ્ટન્સી કરી છે અને તેમાંથી બે ટેસ્ટ ભારત જીત્યું છે,જ્યારે એક ટેસ્ટ ડ્રો થઇ હતી.
કેપ્ટન તરીકે સેહવાગે ત્રણ ટેસ્ટમાં ૨૮.૩૩ની સરેરાશથી ૧૭૩ રન કર્યા છે. જો સેહવાગ ધીરજપૂર્વક બેટિંગ કરતાં ક્રિઝ પર બે કલાક ગાળે તો ભારત ૩૦૦થી વધુનો સ્કોર કરી શકે તેમ છે.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૦-૪થી વ્હાઇટવોશનો સામનો કરી ચુકી છે અને હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત આવી નાલેશી ખાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. સેહવાગની કેપ્ટન્સી અને એડીલેડનું મેદાન ભારતીય ક્રિકેટરોના ભાગ્યને સાથ આપનારૃ બની રહે તેવી પ્રાર્થના ભારતીય ચાહકો કરી રહ્યા છે. ટીમના સિનિયર બેટસમેનો પણ સખત મહેનત કરીને દેખાવ સુધારવા માટે કટિબધ્ધ છે ત્યારે એડીલેડમાં ભારતની પ્રતિષ્ઠાનો જંગ ભારે રોમાંચક બનશે તેવી અપેક્ષા છે.