અનિશ્ચિત રાજકીય આકાશ; સ્થિર પતંગ ગમે ત્યારે ફસકી પડે છે રાજકીય પક્ષોની કાચી દોરી...
ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં માયાવતીનો પતંગ કાપવા સ્પર્ધા ઃ પંજાબમાં બાદલ બંઘુઓ એકબીજાનો પતંગ કાપવાની પેરવીમાં ઃ અણ્ણા હજારેનો પતંગ ઝાડમાં ભરાયો..
મમતા બેનરજીની ઘસીને કાપવાની ટેવથી સરકાર હેબતાઈ ગઈ છે ઃ ધીરજ રાખી શકનાર રાજકીય આકાશમાં ફાવી જાય છે; ફસકી જનારાની મોટી યાદી...
ઉત્તરાયણ પછી આકાશ પતંગો વિહોણું બન્યું હોઇ સૂનું-સૂનું લાગે છે. પક્ષીઓ નિર્ભયતાથી ઉડી શકે છે. હવે તેમને પાંખો કપાઇ જવાનો કોઇ ડર નથી પરંતુ રાજકીય આકાશ તો પાંચ રાજ્યોના ચૂંટણી જંગના કારણે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારોના પતંગોથી ભરચક બની ગયું છે. ભારતની લોકશાહીમાં રાજકીય આકાશ હંમેશા વિવિધ મુદ્દાવાળા પતંગોથી છવાયેલું રહે છે. અહીં ૩૬૫ દિવસ ઉત્તરાયણ હોય છે. બધા જ એકબીજાનો પતંગ કાપવામાં વ્યસ્ત હોય છે. અહીં પ્રજા આકાશમાં ઉડતા પક્ષીઓ સમાન છે. તેની હાલત શું છે અને શું થશે તેની કોઇનેય પડી નથી.
પ્રજા ભલે ઉતરાણના દિવસોમાં જ પતંગ ઉડાવીને એ લપેટ, કાઈપો છે જેવી બુમો પાડીને ઉજવણી કરતી હોય પરંતુ રાજકીય આકાશમાં તો રોજ ઉતરાણ હોય છે. કોંગ્રેસ, ભાજપ, પ્રાદેશિક પક્ષો વગેરેના ધાબા અલગ છે પરંતુ પતંગ તો તેમણે રાજકીય આકાશમાં જ ચઢાવવો પડે છે. હવે તો સોશ્યલ વર્કરોના પણ અલગ ધાબા છે જેના પરથી અણ્ણા હજારે અને તેમના સાથીઓ રાજકીય પતંગ ચડાવે છે. આપણે ત્યાં રાજકીય આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી હંમેશા ભરાયેલું રહે છે. આ રાજકારણીઓ પૈકી કેટલાક ઢીલથી કાપે છે, કેટલાંક ખેંચીને કાપે છે, કેટલાંક લંગસીયા નાખે છે તો કેટલાંકને પોતાનો પતંગ ક્યારે કપાયો અને કોણે કાપ્યો તેની ખબર પણ નથી પડતી.
બધા જ રાજકીય પક્ષોની દોરી કાચી છે અર્થાત્ ભ્રષ્ટાચારના રંગે રંગાયેલી છે. તેમના પતંગ કાપવા આસાન હોય છે. ૨૦૧૧ના આકાશમાં ભાર દોરીમાં કપાયેલા પતંગમાં ૨-જી ટેલિકોમ કૌભાંડના પ્રણેતા કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને સાંસદ કનીમોઝી જેવાઓનો સમાવેશ થાય છે. સુરેશ કલમાડી સહિતના અન્ય ડઝનેક લોકોના પતંગ પણ કપાયા છે. રાજકારણમાં વિવિધ આકાશ છે. જેમકે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે...
ઉત્તર પ્રદેશમાં તો જોરદાર પતંગો ચડી રહ્યા છે. અહીં માયાવતીનો પતંગ કાપવા રાહુલ ગાંધી (કોંગ્રેસ), મુલાયમસંિહ યાદવ (સમાજવાદી પક્ષ), ઉમાભારતી (ભાજપ) વગેરે મેદાનમાં છે. માયાવતીનો દોરો પણ ભ્રષ્ટાચારથી રંગાયેલો છે. પરંતુ તેમને કાપવાની ઇચ્છા રાખનારા પાસે પણ કોઈ પાકો દોરો નથી. જોકે માયાવતીની પતંગ ચડાવવાની ટેકનીકથી વિરોધીઓ ચિત થઈ ગા છે. રાહુલ ગાંધીએ પતંગ ચડાવ્યો છે, તેમની ફિરકી મોટાભાગે તેમની બહેન પ્રિયંકા પકડવાની છે પરંતુ રાહુલ ઠમકાબાજ છે. તે લાંબો સમય પતંગ હવામાં રાખી શકતા નથી. રાહુલનો પતંગ થોડો ઉંચો ચઢે તો પણ ચીચીયારીઓ પાડનારા સમર્થકોમાં મોખરે દિગ્વિજયસંિહ જેવાઓ છે.
માયાવતીના પતંગ પર ઉપરાછાપરી લંગસીયાનો મારો થતો હોવા છતાં તે સ્થિર છે તે આશ્ચર્યની વાત છે. દેશભરના દલીત નેતાઓએ અને પછાતવર્ગના નેતાઓએ આગળ આવવું હોય તો માયાવતી સ્ટાઈલથી પતંગ ઉડાડવો જોઈએ. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ૪૦૩ બેઠકો માટે ચૂંટણી હોઈ રાજકીય આકાશ પતંગોથી ઉભરાયું છે.
એવી જ રીતે પંજાબની સ્થિતિ છે. પંજાબમાં તો બાદલ બંઘુઓ એકબીજાનો પતંગ કાપવા કમરકસી રહ્યા છે. મુખ્યપ્રધાન પ્રકાશસંિહ બાદલ અને તેમનો ભાઈ ગુરદાસસંિહ બાદલ તેમજ તેમના પુત્રો આમને સામને છે. ગુરદાસ અને તેમના પુત્ર મનપ્રિત નવો પક્ષ સ્થાપ્યો છે. અકાલીદળ-ભાજપનું અહીં સંયુક્ત શાસન છે. કોંગ્રેસ એમ માને છે કે આ બે ભાઈઓના પતંગ એકબીજાને કાપવાનો પ્રયાસ કરશે એટલે અકાલીઓના વોટ તૂટશે. જેનો સીધો લાભ કોંગ્રેસને થશે. એટલે કોંગ્રેસ પોતાનો પતંગ સ્થિર રાખવા મથે છે. પંજાબની ચૂંટણીઓના આકાશમાં ચઢ્યા છે મોટા પાવલા, પણ કોણ કોને કાપશે તેની સમય આવે જ ખબર પડશે.
જેમ પંજાબમાં છે એવું ઉત્તરાખંડમાં છે. અહીં પણ આકાશ ચૂંટણીમય બની ગયું છે. મુખ્યપ્રધાન બી.એન.ખંડુરાઈએ રાજ્યમાં લોકાયુક્ત નીમીને દેશભરમાં વાહ-વાહ મેળવી લીધી છે પરંતુ સ્થાનિક સ્તરે બળવો ઉભો કર્યો છે. ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલાઓને ટીકીટ નહીં આપવાની તેમની નીતિ ભાજપને ભારે પડવાની છે. ઉત્તરાખંડના આકાશમાં ભાજપનો લોટતો પતંગ કાપવાની વેતરણમાં કોંગ્રેસ છે પરંતુ અહીં તેમની ફીરકી પકડનાર કોઈ નથી કે એ-કાટ્ટા બોલનાર કોઈ નથી. અર્થાત્ કોંગ્રેસ નેતૃત્વવિહોણી છે એટલે છેલ્લે ભાજપ સ્મિત વેરીને એ-કાટ્ટાની બૂમો પાડી શકશે.
મણિપુરમાં કોંગ્રેસનો પતંગ સ્થિર છે અને રાજકીય આકાશ પર તેનો કબજો હોય એમ દેખાઈ રહ્યું છે જ્યારે ગોવાનું રાજકીય આકાશ ખાણ કૌભાંડથી રંગાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના દોરા ભ્રષ્ટાચારથી રંગાયેલા હોઈ લેડીલક કોનો પતંગ ટકવા દે છે તે પર બધો મદાર છે.
ઉતરાણ દરમિયાન કેટલાક લોકોને ઘસીને કાપવાની ટેવ હોય છે. રાજકારણમાં આવી ટેવ ધરાવનારાઓમાં મમતા બેનરજી, માયાવતી, દિગ્વિજયસંિહ, બાલ ઠાકરે, નરેન્દ્ર મોદી જેવાંઓનો સમાવેશ થાય છે. યુપીએ કેન્દ્ર સરકારના મહત્વના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ ઘસીને કાપવાની ટેવ વિકસાવી છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનું ૩૪ વર્ષનું શાસન તેમણે એટલું ઘસીને કાપ્યું કે ડાબેરી નેતાઓના હાથમાં કશું ના રહ્યું. હવે કેન્દ્ર સરકારના સાથી પક્ષ હોવા છતાં રીટેલ ક્ષેત્રે એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ના મુદ્દે પોતાનો પતંગ એવી રીતે ચગાવ્યો કે કોંગ્રેસે તેનો પતંગ ઉતારી લેવો પડ્યો હતો. નહીંતર મતદાન વખતે કોંગ્રેસનો પતંગ કપાત. એવી જ રીતે પેટ્રોલમાં ભાવ વધારો હોય કે રાજ્યને ભંડોળ ફાળવવાની વાતહોય મમતાએ ઘસીને કાપવાની નીતિ ચાલુ રાખી હતી.
છેલ્લે લોકપાલ બીલ વખતે પણ મમતા બેનરજીએ એવી રીતે ગૉથ મારીને સરકારનો પતંગ કાપ્યો કે આખો દેશ વાહ-વાહ બોલી ઉઠ્યો હતો. પશ્ચિમ બંગાળમાં પણ મમતા કોંગ્રેસનો પતંગ ચઢવા દેતા નથી. બંને પક્ષો વચ્ચે કોલ્ડવોર ચાલે છે. મમતા ઘસીને પતંગ કાપવાની જીદ છોડે એટલે કોંગ્રેસે ત્રણ મોટા માથાની ટીમ બનાવી છે. જેમાં અંબિકા સોની, સલમાન ખુરશીદ અને જયરામ રમેશનો સમાવેશ થાય છે. મમતા બેનરજીની ઘસીને કાપવાની ટેવના કારણે સરકાર કેટલાંક મહત્વના બીલો જેવાં કે પેન્સનબીલ વગેરે ટેબલ પર મુકતાં ડરે છે.
ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સત્તાના પતંગની સહેલ લઈ રહ્યા છે. તેમનો પતંગ વિકાસ નામના માંજાની દોરીથી ચઢી રહ્યો છે. કોંગ્રેસે ઘણા લંગસીયા નાખે છે પણ મેળ પડતો નથી. નરેન્દ્ર મોદીનો અઘ્ધર આકાશમાં સ્થિર પતંગ જોઈને દિલ્હીના સત્તાધીશો પણ અકળાઈ ગયા છે. નરેન્દ્ર મોદી પણ ખેંચવાની કાપવાની ટેવવાળા છે પરંતુ કાપે કોને ? એટલે તે દિલ્હીના આકાશ પર નજર રાખી રહ્યા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ શાસિત રાજકીય આકાશમાં અશોક ગેહલોતનો પતંગ ગોથા ખાઈ રહ્યો છે. ભંવરી દેવી હત્યા કેસમાં સંડોવાયેલા પ્રધાનો અને છાસવારે ડોક્ટરોની હડતાલના કારણે તેમનો સ્થિર પતંગ અચાનક જ લોટવા લાગ્યો છે. આ લોટતા પતંગ પર એક જ લંગસ કાફી છે પરંતુ રાજસ્થાનના ભાજપ એકમમાં ડખાના કારણે આ લંગસ તૈયાર થઈ શકતું નથી.
મહારાષ્ટ્રનું રાજકીય આકાશ તો પાવલા, ઘેંસીયા અને મોટા પતંગોથી ભરેલું છે. અહીં કોંગ્રેસ-એનસીપીનું કમ્બાઈન શાસન હોવા છતાં બંને અલગ પતંગ ચઢાવે છે અને એકબીજાને કાપવામાં વ્યસ્ત રહે છે. મહારાષ્ટ્રના આકાશમાં શિવસેના, ભાજપ વગેરેના પતંગો પણ છે. પરંતુ પ્રજા આ પતંગોને ઉડતા જોવા તૈયાર નથી એમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજસંિહ ચવ્હાણનો પતંગ પવનના સૂસવાટા વચ્ચે પણ સ્થિર છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સોનિયા ગાંધીએ તેમની ફીરકી પકડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના સુપ્રિમો બાળઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને રાજઠાકરેના પતંગો પણ ઉડી રહ્યા છે. પતંગ ઉડાડવાની તેમની એગ્રેસીવ સ્ટાઈલ પ્રજામાં સ્વીકાર્ય છે કે કેમ તે તો નગરપાલિકાઓની ચૂંટણીઓમાં જ ખબર પડી જશે.
ભારતના રાજકીય આકાશમાં સૌથી મહત્વની વાત એ છે કે અહીં મહિલાઓ પતંગ ચડાવવામાં નિષ્ણાત હોય છે. ઇન્દિરા ગાંધીના ચઢતા પતંગને તો ‘ઇન્ડિયા’ નામ અપાયું હતું. (દેવકાંત બરૂઆએ ઇન્દીરા ઈઝ ઇન્ડિયા એમ કહ્યું હતું) તેવી જ રીતે માયાવતી, મમતા બેનરજી, શિલા દિક્ષિત, જયલલિથા, મીરાંકુમાર, ઉમા ભારતી, સોનિયા ગાંધી વગેરનો સમાવેશ કરી શકાય. આ મહિલાઓના પતંગની હડફેટે પણ કોઈ ચઢવા તૈયાર નથી હોતું. ઉત્તર પ્રદેશમાં માયાવતીનો પતંગ કાપવા પ્રયાસ કરનારાઓ થાક્યા હતા અને તે પાંચ વર્ષનું શાસન પૂરું કરી શક્યા હતા.
દિલ્હીમાં શિલા દિક્ષીતના શાસન સામે અનેક વિરોધ છે. છતાં તેમનો પતંગ સ્થિર છે. કેમકે તે ભ્રષ્ટાચારના મુદ્દે સ્વચ્છ છે.
ભારતના રાજકારણમાં ચઢતો મહત્વનો પતંગ સોનિયા ગાંધી છે. તેમનો પતંગ સ્થિર છે. પવન ફુલ હોય તો તે જાતે પતંગ ચડાવે છે અને રાજકીય સમસ્યાવાળો મંદ પવન હોય તો મનમોહનસંિહને પતંગ ચડાવવાનું કહે છે. અને પોતે ફીરકી પકડે છે. ઠમકા મારવાનું કામ મનમોહનસંિહને સોંપાય છે. જ્યારે તેમના પતંગ પર ઝોલ કે લંગસીયા નાખવાનું કામ કરનારા જેવાં કે સાથી પક્ષો કે વિપક્ષ વગેરે હોય તો તેને પડકારવાનું કે સમજાવવાનું કામ પ્રણવ મુખરજીને સોંપાય છે.
સીવિલ સોસાયટીવાલાઓ આ વખતે ધાબે ચઢ્યા હતા. રાજકીય આકાશમાં પતંગ કાપવાની તેમને કોઈ સૂઝ નહોતી. તેમનો દોરો પાકો હતો, હવા તરફેણમાં હતી છતાં પતંગ ઝાડમાં ભરાઈ ગયો હોય એવીસ્થિતિ થઈ છે. અણ્ણા હઝારેની ટીમની કમનસીબી એ હતી કે તેમના ધાબા પરથી ટીમના દરેક સભ્યને પતંગ ચડાવવો હતો. બધા એકબીજાના હાથમાંથી પતંગ ખેંચી લઈને પોતાને વઘુ સારુ આવડે છે એમ કહીને પતંગ ચડાવવા લાગતા હતા. પરંતુ તેમને એ ખબર નથી કે રાજકીય આકાશ ખંધા રાજકારણીઓથી ભરેલું છે. પ્રજા તરફી લોકપાલ બીલ ફસકી ગયું હતું. જ્યારે અણ્ણા હજારે હજુ ઝાડમાં ફસાયેલો પતંગ કાઢવાની માથાકૂટ કરી રહ્યા છે.
ભાજપનું રાજકીય આકાશ ઘૂંધળું છે. અહીં એક જ ધાબા પરથી બધાને પતંગ ચડાવવો છે એટલે અંદરોઅંદર જ પેચ થઈ જાય છે. કમનસીબી તો એ છે કે બધા જ પતંગ સારી રીતે ચડાવી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે પોતાનો સ્થિર પતંગ અચાનક જ લોટાવી માર્યો છે. બહુજનસમાજવાદી પાર્ટીના ભ્રષ્ટ નેતા અને જેની સામે સીબીઆઈની તપાસ ચાલી રહી છે એવા બાબુસંિહ ખુશવાહને સમાવીને ભાજપે પોતાનો પતંગ લોટાવી માર્યો છે. એક તરફ તેમના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી દેશભરમાં ભ્રષ્ટાચારવિરોધી યાત્રાકાઢે અને બીજી તરફ ઉત્તર પ્રદેશમાં રાજકીય લાભ લેવા ભ્રષ્ટાચારીઓને પક્ષમાં સમાવાય તે મુદ્દે ભાજપમાં કોલ્ડ વોર શરૂ થઈ છે.
જોકે રાજકીય સમિક્ષકો માને છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ત્રણ પક્ષોનું નામ વઘુ આવે છે જેમાં બીએસપી/કોંગ્રેસ/એસપીનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ ચોથા નંબરે ગણાય છે. તે ચૂંટણી જંગમાં નબળું છે એમ પણ કહેવાતું હતું. પરંતુ બાબુસંિહ ખુશવાહના કેસે ભાજપને ઉત્તર પ્રદેશના રાજકીય આકાશમાં ટકવા પૂરતો પવન પુરો પાડ્યો છે. આમ બાબુસંિહ અંગે ભાજપમાં જે કલહ ચાલે છે તે લોકોનું ઘ્યાન ખેંચવા ધાબા પરથી કરાતી ચીચીયારીઓ સિવાય બીજુંકશું જ નથી.
ઘણાં બીજાના ધાબે પતંગ ચડાવવા ટેવાયેલા હોય છે. રાજકારણમાં આવા લોકોની યાદીમાં લાલુ પ્રસાદ યાદવ, અજીતસંિહ જેવાઓનો સમાવેશ થાય છે. આવા લોકોને પતંગ ચડાવવા કરતાં પતંગ લૂંટવામાં વઘુ રસ હોય છે. તેમનો પતંગ ચડતો નથી પણ સ્ટાઈલ એવી હોય છે કે બઘું જ તેમને આવડે છે એમ લાગે છે.
કેટલાંક લોકો પતંગ પણ ના ચડાવે પરંતુ બીજાના ધાબા સામે જોઈને ચીચીયારીઓ પાડ્યા કરે છે. એવા રાજકારણીઓમાં કપિલ સિબ્બલ, રાજીવ શુકલા, ડાબેરી નેતાઓનો સમાવેશ થાય છે.
ઘણાં બીજાના ધાબા પર ઉભેલાઓ સાથે અબે-તબેની આક્ષેપબાજી પર ઉતરી આવે છે. જેમાં અરૂણ જેટલી અને અભિષેક સંિધવી જેવાઓનો સમાવેશ થાય છે. ભારતના રાજકીય આકાશમાં જુના પતંગો વઘુ છે અને નવા પતંગો ગણ્યા ગાંઠ્યા છે. આ નવા પતંગો લાંબુ ટકી શકતા નથી. યુવા નેતાઓની અહીં ઉણપ વર્તાય છે. નવી દોરી સાથે નવા પતંગ ચડાવનારા આવે તો જ રાજકીય ઉતરાણનો માહોલ રસપ્રદ બની શકે છે.
ભારતનું રાજકીય આકાશ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. અહીં ધીરજ નહીં રાખનાર કપાઈ જાય છે. ઉતાવળે કાપનારા પોતે જ કપાઈ જાય છે. ઘણાં રાજકીય પતંગો એવા છે કે જે કપાયા પછી ભાગ્યે જ ઉપર ચડી શકે છે. આવા પતંગોમાં અજીત જોગી, ઉમાભારતી, શંકરસંિહ વાઘેલા, યેદિયુરપ્પા, ડાબેરી પક્ષો, મુલાયમસંિહ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, અમરસંિહ જેવાઓનો સમાવેશ થઈ શકે.
ભારતના રાજકીય આકાશને સમજવા રાજકારણીઓએ સ્પેશ્યલ સમય ફાળવીને પ્રજાની નાડ પારખવાની જરૂર છે. તો જ હવાના રૂખનો ખ્યાલ આવી શકે.
|