
૨૨ વર્ષ પહેલાંની ‘અગ્નિપથ’ ફિલ્મ લગાડેલી ચંિગારીના શોલા હજુ પણ લોહીને ગરમ રાખે છે!
‘કહને કો યે શહર હૈ... સિર્ફ કહને કો.’
પર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ, સિર્ફ જંગલ કા! ચૂંટી કો બિસ્તૂઇયા ખા જાતા હૈ... બિસ્તૂઇયા કો મેઢક... મેઢક કો સાંપ નિગલ જાતા હૈ... નેવલા સાંપ કો મારતા હૈ... ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ... શેર ભેડિયે કો ચબા જાતા હૈ.... ઇધર હર તાકતવર કમજોર કો માર કર જીતા હૈ, માલૂમ!’
વેલ રિટન. વેલ ડિલિવર્ડ. વેલ પ્રેઝન્ટેડ.
* * *
લાયબ્રેરીમાંથી સમી સાંજે ઘરે પાછા ફરતી વખતે ગોંડલ ગામના માંડવી ચોકમાં છાપાની દુકાને લટકતું ‘સ્ક્રીન’ મેગેઝીન જોયું. એમાં અમિતાભનું જાજરમાન ફુલસાઇઝ પોસ્ટર હતું.
પગ આગળ ઉપડયા. પણ પોસ્ટર મનમાં આગળ ના ખસ્યું. પાછા ફરીને મેગેઝીન ખિસ્સામાં એટલા રૂપિયા નહોતા એટલે જીગરમાં જે ભરતી ચડી હતી, એને આવક માનીને ઉધારીમાં લઇ લીઘું. આજે એ મેગેઝીનના પાનાઓ સાવ પીળા પડી ગયા છે. આગની જવાળાઓ જેવા પીળા... પણ હજુ દિમાગમાં ઝાંખી નથી થયું એનું કવર પોસ્ટર.
અમિતાભની આગામી ફિલ્મ ‘અગ્નિપથ’ની!
* * *
‘કેમ બાકી, બાપુએ કરી છે ને જોરદાર જમાવટ!’
સમવયસ્ક, સમરસિયા, સમબચ્ચનભકત બાળગોઠિયા હેમાંગે આ કહ્યું, ત્યારે એ શબ્દો જાણે કાનમાં દૂરની કોઇ ખીણમાંથી પડઘા પડતા હોય, એમ અથડાયા હતાં. ‘અગ્નિપથ’ ફિલ્મ રીલિઝ થઇ ચૂકી હતી.
અને અચાનક ફિલ્મે વાઇરસની માફક મગજના જ્ઞાનતંતુઓનો કબ્જો લઇ લીધો હતો. ટિકિટ ખરીદીને અંદર દાખલ થનાર અને શો પૂરો થયો બહાર આવનાર વ્યકિત અલગ હતો. અત્યાર સુધી ફિલ્મો એક ટાઇમપાસ એન્ટરટેઇનમેન્ટ હતી. બારમાની પરીક્ષાના પ્રેશરમાંથી છટકવાનું પલાયન. અને ફિલ્મો ય મોટેભાગે મેઇન સ્ટ્રીમ એન્ટરટેઇનમેન્ટમાં, સવારે વધેલા ભાતના રાત્રે વડાં તળી લેવાય, એવી ફોર્મ્યુલાસ્ટિક!
પણ ‘અગ્નિપથ’ જાણે સિલ્વર સ્ક્રીન પરનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ હતું! પોતાની સર્જકતાની માફક મૃત્યુમાં ય જમાના કરતા દસ ડગલા આગળ ચાલી ગયેલા ટેકિનકલ વિઝાર્ડ એવા ડાયરેકટર મુકુલ એસ. આનંદે ઓલરેડી વનપ્રવેશના આરે મિડ-લાઇફ ક્રાઇસીસમાં ઉભેલા બડે બચ્ચનના કરિશ્માને નવું એકસ્ટેન્શન આપી દીઘું હતું! ફિલ્મ લાઇટંિગ, એડિટંિગ, શોટ કમ્પોઝિશન, સાઉન્ડ, કેમેરા એંગલ્સ, લોકેશન્સ વગેરેની દ્રષ્ટિએ એ સમયના પોતાના સમકાલીનો કરતાં એટલી ડેરંિગલી એન્ડ ડેશંિગલી ડિફરન્ટ હતી, કે ઘણાંખરા રિવ્યુરાઇટર્સને પણ પચવામાં ચોખ્ખા ઘીના કાજુબદામકેસર અડદિયા જેટલી ભારે લાગી હતી! એક ખૂણામાં કેમેરા રાખીને એકટરો ફર્યા કરે, એ યુગમાં એકટર ફરતે કેમેરામેન પ્રવીણ ભટ્ટ (વિક્રમ ભટ્ટના પિતા) કેમેરા ફરે, એ જોવાની ટેવ દર્શકો માટે ય નવી હતી. લાઇટંિગ તો માશાલ્લાહ હતું. ‘ફતરીયા’ સ્વરૂપે ગાળો બોલાય, એ તરકીબ પણ.
‘નીચે અંગાર લગા હૈ કયા તુમ્હારે?’ અગ્નિપથનો આવો એક તેજાબી સંવાદ હતો. પણ ફિલ્મ જોયા પછી શિરાઓ અને ધમનીઓમાં અંગારા રાસડા લેવા લાગ્યા હતાં. યે વિશાલ દ્રશ્ય હૈ, ચલ રહા મનુષ્ય હૈ, અશ્રુ, સ્વેદ, રક્ત સે લથપથ.. અગ્નિપથ... અગ્નિપથ. તૂ ના રૂકેગા કભી, તૂ ના થમેગા કભી... કર શપથ... અગ્નિપથ’ હરિવંશરાય બચ્ચનની કવિતા અમિતાભરાય બચ્ચને કાગળમાંથી કેમેરા પર તાદ્દશ સજીવન કરી બતાવી હતી! વિજય દીનાનાથ ચૌહાણ... પૂરા નામ હંય! ફિલ્મ બસ ફરી ફરી જોવાતી જ ગઇ.
અગ્નિપથ એટલે અમિતાભ. અમિતાભ એટલે અભિનયના લાવારસથી ધખધખતો જવાળામુખી. અગ્નિપથ અમિતાભના કરીઅર બેસ્ટ ટોપ થ્રી પરફોર્મન્સમાં સહેજે આવી શકે. (શરાબી, દીવાર ઉપરાંત) મુકુલ આનંદના દિગ્દર્શનની ખૂબી હંમેશા એ રહેતી કે એમાં એકટર્સ ઓગળી જતાં, અને કેરેકટર્સ ઉપસી આવતાં. અમિતાભ નહંિ પણ વિજય ચૌહાણ (કે બાદશાહખાન, ટાઇગર)! પાત્રોને ગેટઅપ જ નહંિ, બોલી સાથે પ્રયોગો થતાં. દરેક પાત્રને વળી આગવા મેનરિઝમ્સ અપાયેલા હોય. જેમ કે અગ્નિપથમાં વિજય ચૌહાણ ખુરશીને ખૂણેથી ટેકો આપીને પીઠ પાછળ હાથ લટકાવીને આખા જગતની સલ્તનતનો રણીધણી હોય એવા ઠાઠથી બેઠો હોય! (કહ્યા વિના જ ખબર પડી જાય- હુ ઇઝ ધ બોસ! ધેટ્સ યુઝ ઓફ વિઝયુઅલ મિડિયા’ઝ પાવર ટુ શો કેરેકટર્સ પાવર!) આંખોમાં કાજળ આંજેલું હોય અને સફેદ ડોળામાંથી ડોકાતી આક્રોશની રતાશ! હૃતિક ગુસ્સો બતાવવા ટોમેટો કેચઅપના લપેડા સાથે હોઠ જ ઘુ્રજાવી શકે છે. પણ શહેનશાહ બચ્ચન પાસે ‘આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી’ની બક્ષિસ છે. ગજવેલને ચીરી નાખે એવી એ આંખોમાંથી ભભૂકતી ઓકિસએસીટોલીન ટોર્ચ જેવી અગનઝાળ સહારાની રેતી પર બપોરે ધખતા સૂરજથી વઘુ દઝાડી દે!
‘ઇસ દુનિયા મેં તરકકી કરને કે લિયે ના બોલના બહુત જરૂરી હૈ’- અગ્નિપથના અનેક કવોટેબલ કવોટ ડાયલોગ પૈકીનો આ અમિતાભે વાસ્તવમાં બહુ અનુસર્યો નથી. માટે આ દિગ્ગજ પ્રતિભાનો કેટલીયે રેઢિયાળ ફિલ્મોમાં વેડફાટ થયો છે ત્યારે પણ એવું જ હતું તૂફાન, જાદૂગર, ગંગા જમુના સરસ્વતી, અજુબા, ઇન્દ્રજીત જેવા સળંગ ફલોપ શોમાં અમિતાભ થાકેલો, ચીમળાયેલો, મૂરઝાયેલો લાગતો.
અને ઠંડાગાર શિયાળુ પરોઢના ઘુમ્મસમાં સૂર્યકિરણોની રોશનીથી ચકચકિત ગરમાટો આવી જાય, એવું જ અગ્નિપથે અમિતાભ માટે કર્યું. પ્લોટના સેટઅપની રીતે તો ‘અગ્નિપથ ખુદ ‘દીવારા’ની જ રિમેક કહી શકાય. બાપનું અપમાન, મા પ્રત્યેનો પ્રેમ અને માની મૂલ્યનિષ્ઠા (દીવારમાં અચ્છા બેટા શશી કપૂર હતો, અહીં નથી- પણ શ્યામ સામે શ્વેત ધરી રૂપે મિથુન છે) સાચો ન્યાય મેળવવા વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખોટો મનાતો રસ્તો પસંદ કરતો એન્ટી હીરો (યે દુનિયા બહુત બિગડી હુઇ હૈ... જો સુધર ગયા, વો ગયા... ઉપર!) રોમેન્ટિક ક્ષણો વિના સામાન્ય યુવતી સાથે નાયકનો શબ્દોમાં વ્યકત ન થઇ શકતો પ્રેમ, જે ખલનાયક હોય, એની સાથે ભાગીદારીનું નાટક અને અંતે વીરમૃત્યુની શહાદત! આ બધા પોઇન્ટસ દીવાર સાથેનું દેખીતું સામ્ય ચીંધે છે. કહેવાવાળા અગ્નિપથને સ્કારફેસની કોપી કહે છે. બ્રાયન ડી પાલ્માની સ્કારફેસ સ્વયમ્ એક રિમેક હતી. ૧૯૩૦ના દાયકામાં શિકાગોના ડોન અલ કેપોન પર આધારિત હાવર્ડ હોકસની એ જ નામની ફિલ્મની. અલબત્ત, સ્કારફેસ જુઓ તો ખ્યાલ આવે કે એ સમયની સ્વાભાવિક બોલિવૂડ ટ્રેડિશન મુજબ ત્રણ-ચાર સીન એમાંથી ઉઠાવાયા છે (હોટલના ભદ્રવર્ગ ‘ગુંડા’ વિજય ચૌહાણને જોઇને નાકનું ટીચકું ચડાવે છે, એ તો બેઠ્ઠો!) પણ સ્કારફેસનો ટોની મોન્ટાના એ અગ્નિપથનો વિજય ચૌહાણ નથી. અલ પસીનોનું કલ્ટ સ્ટેટસ હોવા છતાં એના ઉમદા અભિનયને ટક્કર મારે એવી દમદાર એકટંિગ અમિતાભે કરી છે. વાસ્તવમાં ફટાકડા ફોડતા દાઝેલા હાથને પણ વાર્તામાં વણી લેવાયો છે!
‘અગ્નિપથ’ માટે અમિતાભે ખરેખર ‘મન-તોડ’ મહેનત લીધી હતી. એનો યાદગાર બેરીટોન પહેલી (અને છેલ્લ વાર) બદલાવીને ગલોફામાં રૂના પૂમડાં રાખી, ઘોઘરા અવાજે માર્લોન બ્રાન્ડો (ગોડફાધર) સ્ટાઇલમા બધા સંવાદો ડબ કરેલા. એ અવાજ ખરેખર જામતો હતો પણ હજુ ગ્લોબલાઇઝેશનથી વરસેક દૂર છેટેના સિસોટીબાજ ઓડિયન્સને નવીનતાનો અપચો થયો. શંિગ ખાનારાઓને બદામ ન ભાવી. સ્પીકર્સમાં પ્રોબ્લેમ હશે, એમ માનીને હોબાળો કર્યો. અમિતાભને તાબડતોબ એના નોર્મલ વોઇસમાં ડબીંગ કરવું પડયું. પણ હજુ ય એનો એ અવાજનો વિન્ટેજ ચેન્જ બંદા પાસે ડાયલોગ્સની ઝટ ખરીદી લીધેલી કેસેટસમાં હાજરાહજૂર છે. સો સેડ, આજે મલ્ટી સાઉન્ડટ્રેક ચોઇસ ધરાવતી ડીવીડીના જમાનામાં એનો એકસ્ટ્રા ઓડિયો ટ્રેક પણ આખી ફિલ્મ ફરીથી બનાવનાર ધર્મા પ્રોડકશને નાખ્યો નથી!
પણ અગ્નિપથના બેકગ્રાઉન્ડ મ્યુઝિકના ટ્રેકસ સદનસીબે બરકરાર રહ્યા છે. અમિતાભ જયારે કાંચા ચીનાને મળવા મોરેશિયસ જાય છે, ત્યારે મોરી કાન્તેનું પ્રસિદ્ધ ‘યે કે યે કે’ વાગે છે. ફૂટ ટેપંિગ, માઇન્ડ બ્લોઇંગ! ફિલ્મમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ સંગીતકાર જયાં માઇકલ જેરના આલબમ્સ ‘સેકન્ડ રોન્દેવુ’ અને ‘થર્ડ રોન્દેવુ’ના ટ્રેકસ ઉપરાંત હોલીવૂડ ઘુરંધર હાન્સ ઝિમરે ‘બ્લેક રેઇન’માં આપેલા ટ્રેકસ પણ વાગે છે. (આ બધી સમજ તો એ બઘું ગમ્યા પછી બહુ મોડી પડી! એ વખતે એક જ ઘૂન ‘થમ્મા થમ્મા નોરે’ પરથી ‘હમ’ માટે લક્ષ્મીકાંત- પ્યારેલાલે ‘જુમ્મા ચુમ્મા’ બનાવ્યું, પછી ભપ્પી લહેરીએ થાનેદાર માટે ‘તમા તમા લોગે’ બનાવ્યું. થાનેદાર હમથી પહેલા રિલીઝ થવાની હતી. ‘હમ’ અને ‘અગ્નિપથ’ના ડાયરેકટર- મ્યુઝિક ડાયરેકટર એક જ હોઇને અગ્નિપથમાં મુકુલે લક્ષ્મી પ્યારે પાસે જુમ્મા ચુમ્માની સિગ્નેચર ટયુન પ્રમોશન માટે છેલ્લી ઘડીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં વગાડાવી છે!
પણ વાત અમિતાભના પુનરાવતારની છે. અગ્નિપથમાં ૪૮ વર્ષનો અમિતાભ એકદમ તરોતાજા લાગે છે. ઇન ફુલ ફેન્ટાસ્ટિક ફોર્મ. બંધ કોલરના બ્લેક ઝિપવાળા જેકેટ પર સ્કાય ગ્રે બ્લેઝર પહેરીને બહેન નીલમને દીપક શિર્કેના બમ્બૈયા મદ્રાસી અડ્ડામાં બચાવવા જતો બચ્ચન હોય કે વ્હાઇટ સૂટ પહેરીને મોરેશ્યિસના નીલા સમંદરની વચ્ચે બોટમાં ઉભેલા તેજલિસોટા જેવો બચ્ચન હોય.... અમિતાભ ડાયનેમિક લાગે છે. માંડવા ગામમાં પોતાના ખાનદાનની તબાહી માટે જવાબદાર દિનકરરાવ સાથે પોતાના અર્ધબળેલા ઘર સામે ઉભા ઉભા સ્ટાઇલિશ બ્રાઉન ગોગલ્સ નીચેથી દેખાય નહંિ, એમ આંસુનું ટીપું ફગાવી દેતો અમિતાભ જોઇને થાય, ઇસે કહેતે હૈ અદા! (ગજીની કે સોલ્જર ફિલ્મમાં વિલન તરીકે આવેલા પ્રદીપસંિહ કે સલીમ ધાઉસ તો બચ્ચનના અડખિયા-પડખિયાના રોલમાં હતા)
પણ અદા ઉપરાંત ય બિગ બી બેટીબીના આવ્યાના દાયકાઓ પહેલા પણ અભિનયના દાદા કેમ બની ગયા હતા, એનો દસ્તાવેજી પુરાવો અગ્નિપથ છે! વડાલામાં મુંબઇ પોલીસના પહેલા મનાતા શૂટઆઉટ (એનકાઉન્ટર)માં મરેલા અને બેન્કલૂંટ માટે કુખ્યાત ગેંગસ્ટર મન્યા સૂર્વે (એના પરથી સંજય ગુપ્તા અત્યારે ફિલ્મ બનાવે છે)ના ત્રુટક ત્રુટક વાકયોમાં મરાઠી લહેજાને પકડીને અમિતાભે વિજય ચૌહાણની આજે ‘ખૂબીલીટી’ બનેલી ડાયલોગ ડિલીવરી ડેવલપ કરી હતી.
બેઝિકલી, પાત્રાલેખનની દ્રષ્ટિએ વિજય ચૌહાણ એક કડવાશથી ભરેલો ઇન્સાન હતો. જીંદગીમાં બચપણથી એણે ફકત કડવા અનુભવ જ લીધા છે. સુખ મળ્યું નથી. મા નારાજ છે. શિક્ષકના પુત્રે જીવવા અને જીતવા માટે ગુંડાગર્દી કરવી પડી, ભણતર અઘુરૂં રહ્યું, બાપની લાશ ખેંચી, માની છેડતી જોઇ- સંજોગોની આગમાં તપાઇને વિજય ચૌહાણનું દિલ સીસાનો ગઠ્ઠો થઇ ગયેલું છે. એના ચહેરા પર કટાક્ષ વિના સ્મિત આવતું નથી. અંદર નર્યો બળેલા દિલોદિમાગનો ઘુમાડો જ છે. એને કોઇ વાતમાં રસ પડતો નથી. એ પ્રેમ કરી શકતો નથી. એ ઘણી વખત બીજા સાથે નહંિ પણ ખુદની જાત સાથે સંવાદ કરતો હોય, એમ વાકયો બોલે છે. એ કહે જ છે, માસ્ટરના મોત સાથે બે લાશ પડી.
અમિતાભે આ તમામ બારીકીઓ બખૂબી ઉપસાવી છે. જાણે કસરતી બદન પર દેખાતી ફુલી ગયેલી નસો! એના અવાજમાં ક્રોધ અને દર્દની મિશ્રિત ધૂટન છે. એની સૂક્કી આંખોમાં ચિત્તાની ચપળતા સાથે શિશુની મુગ્ધતા છે. મોતના ડરથી પર થઇ ગયેલા માણસનો સાક્ષીભાવ એનામાં આવી ગયો છે.
મેગાસ્ટારના મેસ્મેરાઇઝંિગ ટાવરંિગ પરફોર્મન્સને નેચરલી નેશનલ એવોર્ડ મળ્યો. અશોકકુમારની અઘ્યક્ષતાવાળી જયુરીએ વિવાદોની પરવા વિના બગાસાખાઉ પકાઉ આર્ટ ફિલ્મને બદલે ‘અગ્નિપથ’ને એવોર્ડ આપ્યો. કેમ? એ જાણવું હોય તો આ લેખના આરંભે લખાયેલા ડાયલોગ પછી પોલિસ કમિશ્નરની ખુદ્દારી જોઇને અમિતાભે ચહેરા પર ‘બિલકુલ માસ્ટરજી’ કહીને એક જ ક્ષણમાં બાપ જેવા મૂલ્યનિષ્ઠ માણસને મળ્યાનો સંતોષ અને એના સંભવિત અંજામની અકળામણનો ભાવપલટો મૂકયો છે, એ નિહાળજો! ‘ગુંડા’ સાંભળીને એના ચહેરા પર પથરાતો ક્ષોભમિશ્રિત રોષ... ‘અપને હાથ ધો લે’વાળો કરીને તો હાથ જ ધોઇ નાખ્યા છે!
કેટકેટલું ભડભડ બળતી લપટોમાંથી આકાર લે છે! દરિયાકિનારે ટેરેલીનની લાશ પાસે વેર પૂરૂં થતાં ચૂપચાપ સરકાવી દેવાયેલી ગોળી... અમિતાભની જ ઉંમરના ટીનૂ આનંદે વૃદ્ધ દેખાવા માટે કરેલું મૂંડન... ગરીબોના અમિતાભ મિથુને પોતાના હોસ્ટેલ રૂમ પાર્ટનર ડેવીઓ પરથી મોડેલ કરેલ ક્રિષ્નન અય્યર યમ્મ. એ. નારિયેલ પાનીવાલા પણ જમાવટ હતી. મિથુને પણ મુકુલના ઇશારે સાવ જુદી જ સાઉથ ઇન્ડિયન જબાનમાં પરકાયાપ્રવેશ કર્યો હતો! અને મેલોડ્રામિટક માતાના રોલ કરતી રાખીને બદલે રોહિણીએ ખાસ્સું કન્ટ્રોલ્ડ પરફોર્મન્સ આપેલું.
પણ મુકુલ આનંદ અને અમિતાભ સિવાય પણ ‘અગ્નિપથ’નો એક ઓર હીરો હતો! રિયલ ડાયમંડ.
* * *
આ લેખના આરંભે લખેલો યાદગાર ડાયલોગ વાંચ્યો? ફરી વાંચો. લપોડશંખ લહિયા જેવા કબાડીછાપ કલમઘસુઓ આવી સિકવન્સમાં ખા જાતા હૈ, ખા જાતા હૈ લખીને ગદ્યનું જોડકણું બનાવી નાખે. પણ અહીં બખૂબી અલગ અલગ શબ્દોનો ઉપયોગ થયો છે. નિગલના, ચબાના, મારના, ખૂન ચૂસના... અને પડદા પર ક્રમશઃ ગીઅર બદલતી ગાડીની જેમ એને એવા જ ટોનમાં આરોહ- અવરોહ સાથે રજૂ કરવામાં આવ્યો છે.
કાદરખાન.
‘અગ્નિપથ’ની ત્રીજો એક્કો. ‘શરાબી’ની માફક જ કેવા લાજવાબ ડાયલોગ લખ્યા છે, આ ફૂવડ કોમેડીમાં સ્ટીરિઓટાઇપ થઇ ગયેલા કમાલ લેખકે! એક-એક લાઇન ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમાચો મારીને ગાલ લાલ રાખી ‘ખંડાવતા’ બણગાબહાદૂર લેખકો એવા હોય છે કે એસએમએસમાંથી ધાપ મારીને મોટી ધાડ મારી હોય એ અદામાં ડાયલોગ લખતા હોય. જયારે ‘અગ્નિપથ’ના સંવાદો એવા હતા કે એના આજેય એસએમએસ બનતા હોય છે! બસ, આટલો ફરક હોય છે કાદર ખાન જેવી નક્કર ટેલન્ટ અને કચરા ધન જેવી નકલી ટેલન્ટમાં!
‘અગ્નિપથ’ પંચલાઇન્સનું ક્રન્ચી ક્રિસ્પી લંચ છે. એક દ્રશ્યમાં રિવોલ્વર બતાવતા ડેનીને અમિતાભ કહે છે ‘બંદૂક ભી દિખાતા હૈ, પીઠે ભી હટતા હૈ!’... તો વિઝયુઅલ મિડિયા સાથે ઓડિયોનો સંગમ કરીને બોલાયેલી લાઇન છે- ‘તુમ્હારી હમારી લડાઇ મેં જીત ઇસ કા (રિવોલ્વર બતાવીને) નહંિ, ઇસકા (કપાળ પર આંગળી મૂકી- કિસ્મતની વાત કરી) હોગા!’ આ દ્રશ્ય તો ઓસ્કારવિનર સ્લમડોગ મિલિયોનરમાં પણ છે. કાંચા કાન કા કચ્ચાની વાત પછી આવતો બોમ્બશેલ- પહેલી મુલાકાતમેં કહા થા, વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ! તો હોટલમાં પૈસા ફેંકીને આવેશમાં વાસણો પછાડયા બાદ અડઘું જ વાકય- કાટ લેના ઇસમેં સે! આ લેખનું શીર્ષક તો ત્રાસવાદીઓથી લઇને તમાશબીન એટેન્શન સીકર્સ સુધીના માટે જીવનમંત્ર જેવું છે. જેવા સાથે તેવા. અને નાભિમાં મૂઠ સહિત ખંજર ભોંકી દીઘુ હોય તેવો અમર ડાયલોગ... હવા બહોત તેજ ચલ રહા હૈ, દિનકર રાવ... ટોપી સંભાલો વર્ના ઉડ જાયેગા!
આખી તરૂણાઇ જેમાં સચવાઇ છે, એવી ફિલ્મની રિમેક ગમે તેટલી સારી હોય તો ય પચવાની નથી. કેટલીક કૃતિઓ કૌમાર્યની જેમ એક જ વાર સ્પર્શી શકાય તેવી હોય છે. એને બીજીવાર બનાવવી એટલે... ઉડ ગયા ટોપી, હં.
ફાસ્ટ ફોરવર્ડ
‘ગલત ચીજ બનાયા ટેલીફોન.... ઉધર સે આદમી સોચતા કુછ હૈ, બોલતા કુછ હૈ, કરતા કુછ હૈ!’ (અગ્નિપથનો સંવાદ)
|