Last Update : 22-Jan-2012,Sunday
 
 

તમારા હાથમાં છેલ્લી માત્ર એક જ પળ હોય તો તમે કઈ રીતે જીવશો?

સ્પાર્ક - વત્સલ વસાણી

 

ગમે તેટલું બેંક બેલેન્સ હોય તો પણ શું એ તમને આયખાની એક વધારાની ક્ષણ આપી શકશે ?
જે મને આ થયું છે શું ?
કેમ બઘું મીઠું મીઠું અને મનભાવન લાગે છે ?
આ જગતમાં ક્યાંય જાણે કશું ખરાબ નથી. જીવનમાં કશી જ જાણે કોઈ સમસ્યા નથી. આખા જગતને બાથમાં લઈને જીવ ધરાય, મન ભરાય એટલું મળી લેવાનું મન થયું છે. કોઈ પરાયું નથી. મૂળમાં જોઉં છું તો સર્વત્ર સૌ કોઈ મારી સાથે જોડાયેલા અને એકરૂપ છે.
મારી નાનકડી આંખોથી જ આજ સુધી મેં આ જગતને જોયું છે. ધારું તો પણ હું કેટલેક દૂર જોઈ શકું ? મારી દ્રષ્ટિની શક્તિ અને ક્ષમતાય કેટલીક ? અને એટલે આ વિરાટ વિશ્વને, એના વિસ્તારને હું જોઈ કે સમજી શક્યો નથી.
આજ સુધીનું મારું જીવન કૂવામાંના દેડકા જેવું જ હતું. મેં મારી મર્યાદાઓ અને મારી સીમાઓથી જ આ જગતને માપ્યું છે. ઊછળી ઊછળીને એ કૂવાની સીમા વચ્ચે જ હું દોડ્યો છું, પણ આજે અચાનક મને લાગે છે કે અસ્તિત્વનો કોઈ અંત નથી. સુંદરતા અને સારપનીય કોઈ સીમા નથી.
મને મારું વીતેલું જીવન ઘણી ઘણી ઊણપ અને ભૂલથી ભરેલું લાગે છે. વીતેલી એક ક્ષણ પણ પાછી નથી મળતી. એટલે જે ગયું તેને સુધારી તો શકાતું જ નથી. પણ એ વીતેલી પળોમાં, વહી ગયેલી જંિદગીમાં...મારા શબ્દોથી, ગુસ્સા અને આક્રોશથી કેટકેટલા લોકોને દુઃખ પહોંચ્યું હશે ? મારા તોછડા અને તુંડમિજાજી વર્તનથી કેટકેટલા લોકોનું મન દુઃખાયું હશે, તેનો આજે ખ્યાલ આવે છે.
જે વીતી ગયું તે જીવન ફરીથી જીવવા મળે તો શું માણસ એમાં સુધારો કરી શકે ? જે ભૂલો આગળ થઈ કે જે ઘટનાઓ પસાર થઈ ગઈ તેને સુધારવાની તક મળે તો શું માણસ એને જુદી રીતે, સુધારીને જીવી શકે ?
જો...હા...તો વીતેલી તમામ પળોને હું સમજપૂર્વક, જાગીને, પ્રેમ અને શુભેચ્છાથી ભરેલા હૃદય સાથે જીવી લેવા માગું છું. જ્યાં જ્યાં જે કારણે પણ ભૂલ થઈ તે સુધારી લેવા માગું છું અને મને અત્યારે ખ્યાલ આવે છે કે ભૂલનું મૂળ કારણ બેહોશી. અહં અને સમગ્રતાનો અભાવ છે. જાગરૂક રીતે જીવવામાં આવે તો કોઇનેય દુઃખ પહોંચે એ રીતે જીવવાની ઇચ્છા જ ત્યાં હાજર નથી હોતી. જે જાગરૂક છે તેને સમગ્રતાથી અને ચોક્કસ રીતે એ ખ્યાલ આવી જાય છે કે મારી પાસે આ વર્તમાન ક્ષણ સિવાય આગળની એક પળ પણ નથી. આગલી ક્ષણે હું ન પણ હોઉં. એ મારા હાથની વાત નથી. પરમાત્માની કૃપા હોય તો જ આગલી પળ મને જીવવા માટે એક અમૂલ્ય ભેટની જેમ મળી શકે છે. મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે. એ માટે કોઈ મહારોગની જરૂર નથી. લખતાં લખતાં જ આ પેન અટકી શકે છે. જેમના મરણની કોઈ કલ્પના પણ ન કરી હોય એવા લોકો પણ આ જગતમાં મરે છે. ક્ષણ પહેલાં હતાં અને ક્ષણ પછી નથી. અચાનક અકસ્માત થાય, ધરતીકંપનો આંચકો આવે અને જ્યાં રહેતા હો એ જ મકાન પડી જાય. તમારી લાશ પણ શોધવી પડે એવી સ્થિતિ થાય. તમે જે વિમાનમાં, ટ્રેઈનમાં, કારમાં કે કોઈ પણ વાહનમાં મુસાફરી કરતા હો એને અકસ્માત નડે. ક્ષણમાં જ તમારા રામ રમી જાય. બીજા અનેક લોકો બચી જાય અને તમે જ એમાં મૃત્યુ પામો. અચાનક આગ લાગે અને તમે એમાં બળીને ખાખ થઈ જાવ. કુદરતની કોઈ પણ હોનારત તમારો ભોગ લઈ શકે છે અને હોનારત ન પણ હોય તો અચાનક એક ‘એટેક’ આવે અને તમે ખતમ થઇ શકો છો. જીવનનું કશું જ નક્કી નથી. આગલી ક્ષણે તમે હશો જ એવું છાતી ઠોકીને કહેવું લગભગ અશક્ય છે અને અસ્તિત્ત્વની કૃપા હોય, એ તમને જીવાડવા જ માગતું હોય તો જીવલેણ સ્થિતિમાંથી પણ તમે બચીને બહાર આવી શકો છો.
...તો સમજદાર માણસ એને કહેવાય જે પોતાની આ વર્તમાન પળને છેલ્લી માનીને જીવી શકે છે. જો આ પળ છેલ્લી જ હોય તો શું તમે કોઈનું ખૂન કરશો ? કોઈને ત્યાં ચોરી કરવા જશો ? કોઈને નુકસાન પહોંચાડવાનું ઇચ્છશો કે છેલ્લે કોઈ શુભ કૃત્ય કરવાની તક ઝડપી લેશો ? એક જ પળ હાથમાં હોય તો વેરઝેરનો અર્થ શો છે ? લંબાવો હાથ અને કોઈને ભેટી લો. બાંહો પ્રસારો અને આખા જગતને છેલ્લી સલામ આપી દો. તમારા નાનકડા હાથની સીમા છે. એ બે પાંચ વ્યક્તિને ભેટી શકશે. પ્રેમની કોઈ સીમા નથી. એ સમગ્રનેય બાથમાં લઈ શકે છે. છેલ્લી પળમાં તો પ્રેમ સિવાય બીજું કરવા જેવું શું હોય ? સમવયસ્કને સલામ કરો અને વડીલ સામે નમી પડો. જે ગયું તે ગયું જ. જીવનની તમામ ભૂલોને આ છેલ્લી ક્ષણમાં સુધારી લો. અને થયેલી તમામ ભૂલ તો જ માફ થાય જો તમારું હૃદય સચ્ચાઈપૂર્વક,પ્રેમથી નમેલું અને અહંકારથી શૂન્ય હોય.
જે હાથમાં છે તે જો તમારી છેલ્લી જ ક્ષણ હોય તો જે સ્થાન પર તમે બેઠેલા છો ત્યાંથી કશુંક ખોટું કરવાની કોશિશ કરશો કે છેલ્લી ક્ષણને સચ્ચાઈથી જીવીને પરમાત્માના ચરણમાં એને ભેટની જેમ ધરશો ? લાંચ રૂશ્વત, કાળા બજાર, બદલો લેવાની વૃત્તિ આ બઘું જ શું તમને છેલ્લી પળોમાં સૂઝશે ? ગમે તેટલું બેંક બેલેન્સ હોય તો શું એ તમને આયખાની એક વધારાની પળ આપી શકશે ? (કે વીતેલી પળને પાછી લાવી શકશે ?) દુનિયાભરની તમામ સંપત્તિ આપો તો પણ અચાનક આવેલા મૃત્યુને એ રોકી નહીં શકે, અને માનો કે તમે બચી પણ ગયા, તો પૈસાના કારણે જ બચ્યા છો એવું માની ન લેશો. અસ્તિત્વ તમને બચાવવા ઇચ્છતું હોય તો જ તમે બચી શકો છો. કેમકે- ‘જિસકો રાખે સાંઈયા માર સકે ના કોઈ...!’ કુદરતનો આ મહા નિયમ છે. જે એના ભરોસે જીવનની નાવને છોડી દે છે તેને પાર લગાવવાનું કામ એને કરવું જ પડે છે, પણ ડૂબાડે તો ડૂબવાનીય પૂરી તૈયારી હોવી જોઈએ. ફરિયાદ કે અશ્રદ્ધા માટે ત્યાં કોઈ જગા ન હોવી જોઈએ. ‘ધાય વિલ બી ડન’ જેવી તારી ઇચ્છા એ સિવાય તમારા મનમાં કોઈ ઇચ્છા કે પ્રાર્થના ન હોવી જોઈએ. પ્રાર્થના પણ બચવા માટે ન થવી જોઈએ. તમારી કોઈ ઈચ્છા ન હોય તો એ જે કરે કરાવે તે સારું અને સાચું જ હશે.
સમજદારી અને ડહાપણ તો એમાં જ છે કે - ‘આમ કે તેમ થવું જોઈએ’ એવી પણ ઇચ્છા કે ફરિયાદ ન બચે. અસ્તિત્વની શક્તિ સામે તમારી શક્તિનું શું મૂલ્ય ? તમે ઇચ્છો તોય વઘુમાં વઘુ શું કરી શકો ? તમારી વિરાટ (લાગતી) શક્તિ પણ આ સમગ્ર અસ્તિત્વ સામે કેટલી નાની અને નગણ્ય છે તેનો કદી ખ્યાલ કર્યો છે ? આ વિરાટ વિશ્વમાં પૃથ્વી તો એક રજકણ જેવડી પણ નથી. એ રજકણના પોણા ભાગમાં તો પાણી ભરેલું છે. બાકીના ભાગમાં જુદા જુદા ખંડો અને વિશ્વના દેશો આવેલાં છે.
નાનકડો રજકણ લઈને એમાં ભારતનો નકશો તો દોરો ? એમાં તમે જે રાજ્ય કે શહેરમાં રહેતા હો એની જગા તો નક્કી કરો ? એ શહેરમાં તમે ક્યાં છો ? શું હજુ પણ તમને તમારી ‘નેઈમ પ્લેટ’ ત્યાં દેખાય છે ? તમારા માટે કોઈ તાળિઓ પાડતું હોય તો એનો ગડગડાટ હજુ સંભળાય છે ? તમે છો ક્યાં ?
અને તમે જાણો છોય શું ? મગજમાં થોડી એવી માહિતીનો ભંડાર ભરી લીધો તો એમાં શું બઘું જ આવી ગયું ? તમે જે શાખા વિશે થોડું ઘણું જાણો છો એનું અસંખ્ય શાખાઓથી બનેલા અને અનંત પર્ણોથી બચેલા આ વિરાટ વૃક્ષ વચ્ચે સ્થાન કેટલું ? જગતના તમામ પુસ્તકાલયોમાં જુઓ તો કેટલા બધા પુસ્તકો છે ? એમાંથી તમે વાંચ્યા હોય તો કેટલા ? અને લખ્યા હોય તો પણ કેટલાં ? આ ‘મહાસાગર’ની સામે તમે તમારી એક અલગ ‘બુંદ’ની દાંડી પીટો તો ધૂઘવતા સાગરોની જેમ એ કોઈના કાન સુધી પહોંચી શકશે ખરી ? તમને વાંચવા, સાંભળવા કે તમારા વિશે વિચારવાનો સમય કોની પાસે છે ? સૌ પોતપોતાની ઘૂનમાં મગ્ન થઈને જીવે છે. તમે એમાં છો ક્યાં ??
ક્રાન્તિબીજ
જીને કા યે સલીકા સાંસોમેં તૂ બસા લે,
દુનિયા કહે વો સુનલે, દિલ જો કહે વો તૂ કર.
- હર્ષ બ્રહ્મભટ્ટ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved