હવે જર્મનીને પણ સમજાયું કે હિટલરના નાઝી સામ્રાજ્ય વખતે જર્મન સૈનિકોને પણ ઘણું વેઠવું પડયું છે અને એ સંવેદનાએ એમને યહૂદી સૈનિકો તરફ હમદર્દી બતાવતા કર્યા.
ઈતિહાસ જેમ બે પ્રજાઓ વચ્ચે વૈમનસ્યના વેરનું વાવેતર કરે છે, એ જ ઇતિહાસ બે વૈમનસ્ય ધરાવતી પ્રજા વચ્ચે વિરલ સ્નેહનું સર્જન પણ કરે છે. જાણીને આશ્ચર્ય થાય, પરંતુ જર્મનીમાં દર વર્ષે નવેમ્બર મહિનામાં શોકનો દિવસ ઉજવવામાં આવે છે. બર્લિનમાં વસતી યહૂદી પ્રજા સમાધિસ્થળે જઇને જર્મનીને માટે પ્રાણ આપનારા યહૂદી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ પ્રસંગે બર્લિન અને મ્યુનિક શહેરમાં વસતા અગ્રણી યહૂદીઓ ઉપસ્થિત થાય છે તેમજ આ કાર્યક્રમમાં જર્મન સૈન્યના વડાઓ પણ આવીને શ્રદ્ધાંજલિ અર્પે છે.
આ યહૂદી સૈનિકો એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને માટે યુદ્ધ ખેલનારા સૈનિકો છે. એ સમયે જર્મનીમાં વસતા સાડા પાંચ લાખ જેટલા યહૂદીઓમાંથી એક લાખ જેટલા જર્મન-યહૂદીઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. એમાંના કેટલાક પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની તરફથી મોરચા પર લડી રહ્યા હતા, તો કેટલાક એના અનામત દળમાં સામેલ હતા. વળી આમાંના ઘણા સૈનિકો તો પોતાની રાષ્ટ્રભક્તિથી પ્રેરાઇને જર્મની માટે સેનામાં ભરતી થયા હતા અને એમણે આ યુદ્ધ દરમિયાન પ્રાણની આહુતિ આપી હતી. એમ કહેવાય છે કે બાર હજાર જેટલા જર્મન-યહૂદીઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના પ્રાણ આપ્યા અને બીજા હજારો ઘાયલ થયા હતા. આ સૈનિકોને માટે જર્મનીમાં રાષ્ટ્રીય શોક દિવસ ઉજવામાં આવે છે.
એ પછી ઇતિહાસ પરિવર્તન પામે છે. ૧૯૧૪થી ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જર્મનીને વર્સેલ્સની સંધિથી કફોડી હાલતમાં મૂકાવું પડયું હતું. એના વેપાર અને ઉદ્યોગોનો નાશ થયો. મિત્ર રાજ્યોએ એના સમૃદ્ધ પ્રદેશો પડાવી લીધા અને જર્મની પર બીજા દેશોની ભારે ભીંસ જમાવી. આવે સમયે જર્મનીના રાજકીય તખ્તા પર હિટલરનો ઉદય થયો. એણે વર્સેલ્સની સંધિ ફગાવી દઇને જર્મનીની લશ્કરી તાકાત મજબૂત કરી. નાઝી પક્ષના પ્રતિક તરીકે સ્વસ્તિકનું ચિન્હ અને ખાખી રંગનો પોશાક જાણીતો થયો. હિટલરે જર્મનીના પ્રથમ વિશ્વયુદ્ધના ઇતિહાસની ઉપેક્ષા કરી. પ્રજા પ્રજા વચ્ચે ભેદભાવ કર્યો. યહૂદીઓને શોષક, ભીરુ, લાલચુ અને હલકા લોહીવાળા કહીને એમની નિર્દયતાથી કતલ કરી.
એ દિવસથી યહૂદીઓ અને જર્મનો વચ્ચે વેરનાં બીજ રોપાયાં. જર્મનીમાંથી તો યહૂદીઓ નાશ પામ્યા, પરંતુ જ્યાં જ્યાં હિટલરનું સૈન્ય ગયું ત્યાં ત્યાં એણે યહુદીઓ પર અમાનુષી અત્યાચાર કર્યો. એનો પ્રારંભ હિટલરે જર્મનીથી કર્યો. એણે પહેલું કામ એ કર્યું કે જર્મનોમાં ‘સર્વોપરિતા’નો ખ્યાલ ઊભો કરીને ‘હીન’ યહુદીઓ પાસેથી ઊંચા હોદ્દાઓ છીનવી લીધા. મેનેજર અને ઉદ્યોગપતિ યહૂદીઓને એણે જર્મનીમાંથી હાંકી કાઢયા. સ્કૂલો, યુનિવર્સિટીઓ અને સરકારી નોકરીઓમાંથી એમને રવાનગી આપી અને પછી એક એક યહુદીને પકડી પકડીને મારી નાખવાની નિર્દયી યોજના કરી. જર્મની છોડીને લાખો યહૂદીઓ જીવ બચાવવા બીજા દેશમાં નાસી ગયા.
યહૂદી અને જર્મનો વચ્ચે ભારે વેર થયું. એ પછી એ નાસી છૂટેલા યહૂદીઓ ઇઝરાઇલમાં વસ્યા અને આરબ દેશોની વચ્ચે આ પ્રજાએ પોતાનું ખમીર ટકાવી રાખ્યું. જર્મનીમાં યહૂદીઓની વસ્તી સાવ નજીવી રહી, પરંતુ હિટલરના પતન પછી એ પરિસ્થિતિમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની માટે પ્રાણ આપનારા યહૂદીઓની કથાઓનું સંશોધન થવા લાગ્યું. આ સૈનિકોની આડેધડ દફનવિધિ થઇ હતી, તેની સામે પણ અવાજ ઊઠયો.
એ સમયે યુદ્ધનું સ્મારક હતું અને એ યુદ્ધના સ્મારક પર યહૂદી યોદ્ધાઓની પ્રતિમા હતી, જો કે પછી યૌદ્ધાઓની પ્રતિમા એ જ રહી. માત્ર નીચે જર્મન યોદ્ધાઓના નામ આવી ગયા. ઉદાર જર્મની એને ખાતર પ્રાણ આપનાર યહૂદી સૈનિકને ફરી યાદ કરવા લાગ્યું. ફરીવાર એ સૈનિકોનો સ્મૃતિદિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ૧૯૫૨થી દર નવેમ્બર મહિનામાં જર્મનીમાં વીર યહૂદી સૈનિકોનો સ્મૃતિદન ઉજવાય છે.
પ્રારંભે એ યુદ્ધમાં હોમાયેલા જર્મન સૈનિકોને યાદ કરવામાં આવતા હતા, પરંતુ હવે જર્મનીને પણ સમજાયું કે હિટલરના નાઝી સામ્રાજ્ય વખતે જર્મન સૈનિકોને પણ ઘણું વેઠવું પડયું છે અને એ સંવેદનાએ એમને યહૂદી સૈનિકો તરફ હમદર્દી બતાવતા કર્યા. આજે આ વાર્ષિક દિનનું વિશેષ મહત્ત્વ એ માટે થયું છે કે એ પ્રસંગે જર્મનીના મોટા ભાગના લોકો ભેગા થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રાણ આપનારા લોકોને અંજલિ આપે છે. જો કે આ અંજલિમાં ક્યાંક એવો વેદનાનો સૂર પણ પ્રગટે છે.
ગયે વર્ષે જર્મનીમાં વસતા યહૂદી શેરલોટ નવલોટે એવી ટીકા કરી હતી કે નાઝીઓની નજરમાં યહૂદીઓ ક્યારેય ‘હીરો’ નહોતા. બીજી બાજુ આવા સ્મૃતિદિન નિમિત્તે હિટલરના સંહાર ‘હોલોકાસ્ટ’માં જર્મનીમાં નિર્દય રીતે હત્યા પામનારા યહૂદીઓને પણ સ્મરણ કરવામાં આવે છે અને એ રીતે યહૂદીઓની એક ઇચ્છા જર્મનીને એમના પર ગુજારવામાં આવેલા અમાનુષી ત્રાસનું સ્મરણ કરાવવાની છે. ગમે તે હોય, પરંતુ જે દેશમાં યહૂદીઓને ધિક્કારવામાં આવતા હતા, એજ દેશવાસીઓ એમના દેશને માટે બલિદાન આપનારા યહૂદીઓને યાદ કરે છે! એ ઇતિહાસે આપેલો કેવો અનોખો વળાંક છે!
ક્ષણનો સાક્ષાત્કાર
આ ક્ષણે તમારું મન ક્યાં છે? એ વિશે વિચારીશું તો ખ્યાલ આવશે કે વર્તમાનમાં ભલે કોઇ ક્રિયા કરતા હોઇએ, પરંતુ મન તો ભૂતકાળની દુનિયામાં કે ભવિષ્યની કલ્પનામાં ડૂબેલું હોય છે. મનને ભૂતકાળમાં બનેલી કોઇ ઘટના ઘેરી વળી હોય છે, મનમાં જડાઇ ગયેલો દુઃખદ પ્રસંગ એને યાદ આવતો હોય છે. આમે ય માનવી પોતાના મન પર ભૂતકાળનો મોટો બોજ લઇને જીવતો હોય છે. વર્તમાનની કોઇપણ ઘટનાને મૂલવવા માટે એ ભવિષ્ય તરફ જોવાને બદલે પોતાના ભૂતકાળની ભીતરમાં દોડી જાય છે અને ભૂતકાળનાં એ વર્ષો જૂના અનુભવને આધારે આજનો વિચાર કરે છે.
જો મન ભૂતકાળમાં ન ડૂબેલું હોય, તો એ ભવિષ્યમાં ખૂંપેલું હોય છે. માનવીના ચિત્તમાં ભવિષ્ય વિશે જુદા જુદા વિચારો જાગતા હોય છે. માણસ ઓફિસ જવા માટે તૈયાર થતો હોય તો મનને ઓફિસમાં ગયા પછી મળનારા બોસના ઠપકાની ચંિતા હોય છે. દીકરીની સગાઇ થઇ રહી હોય ત્યારે દીકરીના લગ્ન હેમખેમથી પતી જાય, એનો વિચાર મન કરતું હોય છે. આને પરિણામે મન ક્યારેય વર્તમાનની ક્ષણોનો આનંદ લઇ શકતું નથી. પોતાની વર્તમાન સ્થિતિ કેવી સુંદર છે એનો વિચાર કરવાને બદલે માનવી ભૂતકાળમાં કેટલાં દુઃખો પડયાં હતાં અથવા તો ભવિષ્યમાં કેવાં દુઃખો આવશે એની ચંિતા કરતો હોય છે.
જ્યાં સુધી મન છે ત્યાં સુધી ભૂતકાળ અને ભવિષ્ય છે. એમાંથી બહાર નીકળીને વર્તમાનમાં આવવા માટે મૌન છે.
|